Gir Somnath

ગીર સફારી વિવાદ: સિંહોના સંવનન કાળના ભોગે 13 દિવસ વહેલી શરૂ થશે સફારી, વનપ્રેમીઓ લાલઘૂમ!

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
ગીર જંગલ સફારી આ વર્ષે 15 દિવસ વહેલી, એટલે કે 3 ઓક્ટોબરથી શરૂ થવાની જાહેરાતથી સિંહપ્રેમીઓમાં રોષ છે. સામાન્ય રીતે 16 ઓક્ટોબરે શરૂ થતી સફારી, વહેલી શરૂ થવાથી વન્યજીવોના સંવર્ધન કાળમાં ખલેલ પહોંચશે તેવો ભય છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વાત કરી હોવાનું મનાય છે. દેવળિયા સફારી ઉપલબ્ધ હોવા છતાં આ નિર્ણય કેમ લેવાયો તે પ્રશ્ન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર સફારી વિવાદ: સિંહોના સંવનન કાળના ભોગે 13 દિવસ વહેલી શરૂ થશે સફારી, વનપ્રેમીઓ લાલઘૂમ!

Gir Jungle Safari: ગીર જંગલ સફારીને આ વર્ષે નિર્ધારિત સમય કરતાં 15 દિવસ વહેલી શરૂ કરવાની જાહેરાતને લઈને સિંહપ્રેમીઓ અને વન્યજીવપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ગીર જંગલ સફારી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે અને 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરી શરૂ થાય છે. જોકે, આ વર્ષે 3 ઓક્ટોબરથી સફારી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અધિકૃત ગીર સફારી પોર્ટલ પર હાલ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સફારી બંધ રહેતી હોવાનું દર્શાવવામાં આવે છે.

સંવનન કાળ પૂરો થાય તે પહેલાં સફારી શરૂ કરવા સામે સવાલ

સિંહ સહિતના વન્યજીવોના સંવનન અને આરામના સમયગાળાને ધ્યાનમાં રાખીને ચોમાસા દરમિયાન ગીર જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. હવે 15 ઓક્ટોબરના બદલે 3 ઓક્ટોબરથી સફારી શરૂ કરવાની જાહેરાત થતાં વન્યજીવપ્રેમીઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સિંહપ્રેમીઓનો પ્રશ્ન છે કે વન્યજીવોના સંવનન કાળ દરમિયાન પ્રવાસીઓની અવરજવર શરૂ કરવી યોગ્ય છે કે નહીં? તેમના મતે, વન્યજીવોની નૈસર્ગિક શાંતિ અને સંરક્ષણને પ્રાથમિકતા મળવી જોઈએ.

પ્રવાસન માટે નિર્ણય લેવાયો હોવાના આક્ષેપ

આ નિર્ણય પાછળ પ્રવાસનને વેગ આપવાનો હેતુ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જોકે, આ દાવા અંગે સત્તાવાર રીતે કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ ૩ ઓક્ટોબરથી સફારી શરૂ કરવાની વાત કરી હોવાનું જણાવાયું છે.

દેવળિયા સફારી વર્ષભર ઉપલબ્ધ

ચોમાસા દરમિયાન ગીરના ખુલ્લા જંગલમાં સફારી બંધ રહેતી હોવા છતાં દેવળિયા સફારી કેન્દ્ર પ્રવાસીઓ માટે વિકલ્પ પૂરું પાડે છે. અધિકૃત માહિતી મુજબ દેવળિયા સફારી કેન્દ્ર બુધવારે બંધ રહે છે, જ્યારે અન્ય દિવસોમાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ રહે છે. આથી સિંહપ્રેમીઓનો સવાલ છે કે દેવળિયા સફારીનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં ગીરના કુદરતી જંગલ વિસ્તારમાં સફારી વહેલી શરૂ કરવાની જરૂર શા માટે ઊભી થઈ? હવે 3 ઓક્ટોબરથી સફારી ખરેખર શરૂ થાય છે કે નહીં અને વન વિભાગ તરફથી તેના સંરક્ષણ આધારિત કારણો શું છે, તેના પર સૌની નજર છે.