Gir Somnath

શ્રાવણ માસમાં સોમનાથ ધામમાં ઉમટ્યો આસ્થાનો મહાસાગર: રેકોર્ડબ્રેક 22 લાખથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે 22.61 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. ગત વર્ષ કરતાં 6.44 લાખ વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ ધામની મુલાકાત લીધી હતી. શ્રાવણના સોમવાર, જન્માષ્ટમી અને રજાના દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વર્ષે 1,109 ધ્વજા પૂજા અને 1,394 સોમેશ્વર પૂજા સહિત ધાર્મિક સેવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણ માસમાં સોમનાથ ધામમાં ઉમટ્યો આસ્થાનો મહાસાગર: રેકોર્ડબ્રેક 22 લાખથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન

Shravan Somnath Temple: પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો. શ્રાવણ માસના પ્રારંભથી લઈને પૂર્ણાહુતિ સુધી સોમનાથ તીર્થમાં દેશ-વિદેશમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓનો સતત પ્રવાહ જળવાઈ રહ્યો હતો. ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી સમગ્ર સોમનાથ ધામ ગુંજી ઊઠ્યું હતું. આ વર્ષે માત્ર દર્શનાર્થીઓની સંખ્યામાં જ નહીં, પરંતુ સોમનાથ મહાદેવની વિવિધ ધાર્મિક સેવાઓ, પૂજા-અર્ચના અને અનુષ્ઠાનોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

22 લાખથી વધુ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કુલ 22,61,597 દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન 16,17,162 ભક્તોએ દર્શન કર્યા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 6,44,435 વધુ દર્શનાર્થીઓ સોમનાથ ધામે પહોંચ્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવાર, જન્માષ્ટમી પર્વ અને જાહેર રજાના દિવસોમાં સોમનાથમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.

મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભક્તોની લાંબી કતારો

શ્રાવણ માસના ચાર સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ ઉમટી પડ્યા હતા. દર્શનાર્થીઓની વિગત અનુસાર, પહેલા સોમવારે 1,64,166, બીજા સોમવારે 1,42,100, ત્રીજા સોમવારે 87,371 અને ચોથા સોમવારે 1,66,802 દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરી સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

જન્માષ્ટમી પર્વે પણ સોમનાથ તીર્થમાં જનમેદની ઉમટી હતી

પવિત્ર શ્રાવણ દરમિયાન આવેલ જન્માષ્ટમી પર્વે પણ સોમનાથ તીર્થમાં જનમેદની ઉમટી પડી હતી. જન્માષ્ટમીના એક જ દિવસે 1,72,755 દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના શરણમાં શીશ નવમાવ્યું હતું. તહેવારના દિવસો દરમિયાન લાખો ભક્તોએ સોમનાથના પવિત્ર વાતાવરણમાં ધાર્મિક અનુભૂતિ કરી હતી.

શ્રાવણ માસમાં 1,109 ધ્વજા પૂજા થઈ

સોમનાથ મહાદેવના શિખર પર ધ્વજારોહણ અને પૂજનની પરંપરા પ્રત્યે પણ શ્રદ્ધાળુઓમાં ઊંડી આસ્થા જોવા મળી છે. ગત વર્ષે શ્રાવણ માસમાં 801 ધ્વજા પૂજા થઈ હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધીને 1,109 થઈ છે, જે 308નો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, સોમેશ્વર પૂજામાં પણ 194 પૂજાનો વધારો નોંધાયો છે. ગત વર્ષની 1,200 સોમેશ્વર પૂજા સામે આ વર્ષે ,394 પૂજા સંપન્ન થઈ હતી.

વિવિધ ધાર્મિક કાર્યો ભક્તો દ્વારા સંપન્ન કરાયા

શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યાનુસાર, શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સમયગાળા દરમિયાન 43,43,000 મહામૃત્યુંજય જાપ અને 38,01,500 સંપૂર્ણ મહામૃત્યુંજય જાપ નોંધાયા હતા. આ ઉપરાંત 8,775 રુદ્રાભિષેક પાઠ, 4,031 ગંગાજળ અભિષેક, 2,919 બ્રહ્મભોજન અને મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ સહિતના વિવિધ ધાર્મિક કાર્યો ભક્તો દ્વારા સંપન્ન કરવામાં આવ્યા હતા.

શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ સોમનાથ તીર્થમાં ભક્તિમય માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો. સોમનાથમાં નોંધાયેલા આ આંકડા માત્ર સંખ્યાનો વધારો નથી, પરંતુ દેશ અને દુનિયાના શ્રદ્ધાળુઓની સોમનાથ મહાદેવ પ્રત્યેની અડગ આસ્થાનું પ્રતિબિંબ છે.