Gir Somnath

હાઇકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો ખેલ: ગીરમાં ગેરકાયદે બાંધકામોને પાછલે બારણે મંજૂરી આપવા પરિપત્ર

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
સાસણ ગીરના ઈકો-સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપતો વિવાદાસ્પદ પરિપત્ર બહાર આવતા ખળભળાટ મચ્યો છે. વન વિભાગના સર્વોચ્ચ અધિકારી ડૉ. જયપાલ સિંહે જિલ્લા કલેક્ટરોને લખેલા પત્રથી પર્યાવરણવિદોમાં રોષ વ્યાપ્યો છે. હાઈકોર્ટમાં 387 ગેરકાયદે એકમો પર કાર્યવાહી પેન્ડિંગ હોવા છતાં, હોટેલ માલિકોની માગણીઓ સંતોષવાનો પ્રયાસ સિંહોના રક્ષણ સામે મોટો ખતરો ઉભો કરી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાઇકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો ખેલ: ગીરમાં ગેરકાયદે બાંધકામોને પાછલે બારણે મંજૂરી આપવા પરિપત્ર

Sasan Gir Eco Sensitive Zone : સાસણ ગીર જેવા અતિ સંવેદનશીલ અને એશિયાટિક સિંહોના એકમાત્ર સ્થળ સમાન ઈકો-સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોને પ્રોત્સાહન આપતો એક અત્યંત વિવાદાસ્પદ પરિપત્ર બહાર આવતા ભારે હડકંપ મચી ગયો છે. વન વિભાગના સર્વોચ્ચ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા આ પત્રને કારણે પર્યાવરણવિદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગીર વિસ્તારમાં થતા ગેરકાયદેસર બાંધકામો અને નિયમોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો હાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિચારણા હેઠળ છે. આમ છતાં, અદાલતી કાર્યવાહી પેન્ડિંગ હોવા છતાં વન વિભાગે હોટેલ માલિકોની ગેરકાયદે માગણીઓને પોષતો આ આદેશ જારી કર્યો છે.

387 ગેરકાયદે એકમો પર કાર્યવાહી

સાસણ ગીરના ઈકો-સેન્સિટિવ ઝોનમાં ચાલી રહેલી ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે ગુજરાત હાઈકોર્ટે અગાઉ કડક વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા 387 જેટલી ગેરકાયદે હોટેલો અને રિસોર્ટ સામે સીલિંગ તેમજ ડિમોલિશનની કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિ વચ્ચે અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે હોટેલ માલિકોની માગણીઓ સામે નમતુ જોખીને જિલ્લા કલેક્ટરોને પત્ર લખ્યો છે. આ પગલું અદાલતના આદેશોને બાયપાસ કરીને ગેરકાયદે દબાણોને પાછલા બારણે મંજૂરી આપવાનો કાળો ખેલ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

નિયમભંગને છાવરવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, સાસણગીર હોટેલ એસોસિએશને વન મંત્રી સાથેની બેઠક બાદ રજૂઆત કરી હતી કે રિસોર્ટ અને હોટેલમાં બનતા ઓપન રિસેપ્શન, સ્વિમિંગ પૂલ, ઓપન કિચન, જીમ, સ્ટોર રૂમ અને ફેબ્રિકેશનના બાંધકામોને મુખ્ય બાંધકામની મર્યાદામાં ન ગણવા. આ માગણીઓને ફગાવી દેવાને બદલે વન વિભાગના વડાએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીના કલેક્ટરોને 2015ના જૂના ઠરાવ હેઠળ આવી સુવિધાઓને મંજૂરી આપવાની દિશામાં સૂચન કર્યું છે. આનાથી ચોકીદાર કેબિન કે સ્ટોરના નામે હજારો ચોરસ ફૂટનું ગેરકાયદે ફેબ્રિકેશન ખડકી દેવાનો માર્ગ મોકળો થઈ જશે.

સિંહોના રક્ષણ સામે મોટો ખતરો

ગીરમાં સ્વિમિંગ પૂલ, સ્પા, જીમ અને મોટા કિચન જેવી વ્યાપારી પ્રવૃત્તિઓ વધવાથી ભારે ઘોંઘાટ અને પ્રદૂષણ ફેલાશે. આ પરિસ્થિતિ સિંહોના શિકાર અને તેમના પ્રજનન કાળ પર અત્યંત માઠી અસર પહોંચાડી શકે છે. એશિયાટિક સિંહોનું રક્ષણ કરવાને બદલે વન વિભાગ હોટેલિયર્સની કમાણી વધારવા કામ કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પર્યાવરણવિદોની કડક આદેશની માગ

વન્યજીવપ્રેમીઓ અને પર્યાવરણવિદોએ માંગ કરી છે કે આ વિવાદાસ્પદ પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. આ સાથે જ હાઈકોર્ટ આ બાબતની ગંભીર નોંધ લઈને જવાબદાર વન અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.