Gandhinagar

અશાંત વિસ્તાર હવે સ્પેસિફાઈડ એરિયા તરીકે ગણી કાર્યવાહી થશે, બિલ પાસ થયા બાદ નોટિફિકેશન જાહેર

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે ‘અશાંત ધારા’માં ઐતિહાસિક બદલાવ કર્યો છે. હવે 'અશાંત વિસ્તાર'ને 'નિર્દિષ્ટ વિસ્તાર' ગણાશે. વિધાનસભામાં પસાર થયેલા સુધારા વિધેયક 2026 બાદ મહેસૂલ વિભાગે નવા નિયમો જાહેર કર્યા. મિલકત ટ્રાન્સફર પર દેખરેખ માટે કમિટી અને SIT રચાશે. ગેરકાયદે ટ્રાન્સફર પર 6 મહિનામાં કબ્જો પરત કરવાનો કડક નિયમ અમલમાં મુકાયો છે. આ નિર્ણયથી ગેરરીતિ અટકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અશાંત વિસ્તાર હવે સ્પેસિફાઈડ એરિયા તરીકે ગણી કાર્યવાહી થશે, બિલ પાસ થયા બાદ નોટિફિકેશન જાહેર

Gujarat Ashant Dhara Amendment Bill 2026 Notification : ગુજરાતમાં વર્ષોથી ચર્ચાસ્પદ બનેલા ‘અશાંત ધારા’ને લઈને રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટો વહીવટી બદલાવ કર્યો છે. ચાલુ વર્ષે વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક 2026 પસાર થયા બાદ, મહેસૂલ વિભાગ દ્વારા નવા નિયમો સાથેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા નિયમો મુજબ, હવે રાજ્યમાં ‘અશાંત વિસ્તાર’ શબ્દ ભૂતકાળ બની જશે અને તેને ‘સ્પેસિફાઈડ એરિયા’ એટલે કે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ તરીકે ગણવામાં આવશે. આ વિસ્તારોમાં મિલકતોની ખરીદ-વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયા પર નિયંત્રણ રાખવા માટે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ઓગસ્ટ 2023ના નોટિફિકેશનમાં કરાયો સુધારો

અગાઉ ઓગસ્ટ 2023માં મહેસૂલ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને અમદાવાદના કેટલાક વિસ્તારોને વર્ષ 2028 સુધીના 5 વર્ષના સમયગાળા માટે અશાંત ધારા (ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમ્મુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન એક્ટ 1991) હેઠળ આવરી લેવાયા હતા અને તે સમયે પ્રાંત ઓફિસરોને સત્તા સોંપવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે સરકારે આ વર્ષે વિધાનસભામાં નવું સુધારા વિધેયક 2026 પસાર કર્યું હતું, જેના આધારે હવે આ નવું નોટિફિકેશન અમલી બન્યું છે.

મિલકત ટ્રાન્સફર માટે બનશે ખાસ કમિટી અને SIT

નવા નોટિફિકેશન અનુસાર, હવે નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતની ખરીદ-વેચાણ કે ટ્રાન્સફરની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે એક ઉચ્ચ સ્તરીય ‘મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટી’ ની રચના કરવામાં આવશે. આ કમિટીની ભલામણના આધારે જ કોઈ પણ વિસ્તારને ‘સ્પેસિફાઇડ એરિયા’ જાહેર કરવામાં આવશે. મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ કે શંકા જણાય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જરૂર પડ્યે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની પણ રચના થઈ શકશે.

ગેરકાયદે ટ્રાન્સફર પર 6 મહિનામાં કબ્જો પરત કરવાનો કડક નિયમ

સરકારે આ સુધારા દ્વારા કાયદો ભંગ કરનારાઓ સામે ગાળિયો વધુ મજબૂત કર્યો છે. જો કોઈ મિલકતનું ટ્રાન્સફર ગેરકાયદેસર હોવાનું સાબિત થશે, તો તે સોદો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે. આટલું જ નહીં, આવા કિસ્સાઓમાં માત્ર 6 મહિનાની અંદર જ ખરીદદારે લીધેલી રકમ પરત ચૂકવીને મૂળ માલિકને મિલકતનો કબ્જો સોંપી દેવો પડે તેવો કડક નિયમ પણ આ નવા નોટિફિકેશનમાં જોડવામાં આવ્યો છે. આ નિર્ણયથી મિલકતોની ગેરકાયદેસર તબદીલી પર સંપૂર્ણ રોક લાગશે તેવી આશા સેવાઈ રહી છે.