મહેસૂલ વિભાગનું કામકાજ ઠપ થવાના એંધાણ! આજે કર્મચારીઓ માસ સીએલ પર, રાજ્યભરમાં હડતાળની પણ ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Revenue Department: રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર સામસામે આવ્યા છે. બઢતી-બદલી અને જોબ ચાર્ટ સહિતના 14 જેટલા લાંબા સમયથી પડતર પ્રશ્નો ન ઉકેલાતાં મહેસૂલ કર્મચારી મહામંડળે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા કર્મચારીઓએ સોમવારે (પાંચ ઓક્ટોમ્બર) સામૂહિક રજા (માસ સીએલ) પર જવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, જો સરકાર હજુ પણ નમતું નહીં જોખે તો આગામી સાતમી ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું જાહેરાત કરાઈ છે.
કલેક્ટરોએ કર્મચારીઓને 'સર્વિસ બ્રેક'ની ચીમકી આપી છતાં કોઈ અસર નહીં, કામકાજ ખોરવાશે
નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કારકૂનોના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકાર સમક્ષ એક જ વર્ષમાં 38 વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રે આ બાબતને ગંભીરતાથી લીધી નથી. આ કારણોસર મહેસૂલ કર્મચારીઓમાં અસંતોષ ભભૂક્યો છે, હવે આ સરકારી કર્મચારીઓ આરપારની લડાઈ લડવાના મૂડમાં છે.
બીજી તરફ, કર્મચારીઓના આ આંદોલનને પગલે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મહેસૂલ વિભાગે માસ સીએલના એલાનની ગંભીર નોંધ લીધી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને તાકીદની સૂચના આપવામાં આવી છે કે સોમવારે મહેસૂલી કર્મચારીઓ ફરજ પર નિયમિત હાજર રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. સરકારે આદેશ કર્યો છે કે જે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે તેમની સામે 'સર્વિસ બ્રેક' સહિતની કડક વહીવટી અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ બાજુ, મહેસૂલ કર્મચારીઓ સરકારની ચીમકી વચ્ચે પણ માસ સીએલ પર ઉતરવા અડગ છે. તેમનું કહેવું છે કે, અગાઉથી રજા માટેના રિપોર્ટ આપી દેવાયા છે.
આ આંદોલનના કારણે રાજ્યભરની મામલતદાર કચેરીઓ, કલેક્ટર કચેરીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત મહેસૂલી કામગીરીઓ ખોરવાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોના જમીનને લગતા કામો, વિવિધ પ્રમાણપત્રો અને દસ્તાવેજ પ્રક્રિયાઓ અટકી પડતા લોકોને મોટી હાલાકી ભોગવવી પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર મધ્યસ્થિ કરીને કોઈ રસ્તો કાઢે છે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર બને છે.




