ગુજરાતમાં ઉંદરો પકડવા માટેના ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી રોક: નિયમભંગ બદલ થશે કડક કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Glue Trap Ban in Gujarat: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા મહત્વપૂર્ણ ઠરાવ અનુસાર, સમગ્ર રાજ્યમાં ઉંદર તથા અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતા ગ્લુ ટ્રેપ (સ્ટીકી બોર્ડ્સ)ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ કેમ મૂકાયો?
ગ્લુ ટ્રેપ પર અતિશય મજબૂત અને ક્યારેય ન સુકાય તેવું કેમિકલ ગુંદર લગાડેલું હોય છે. જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી તેના પર ચોંટે છે, ત્યારે તે પોતાને છોડાવવાના નિષ્ફળ પ્રયાસોમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. અંતે, નિર્દોષ જીવો ભૂખ, તરસ, ગૂંગળામણ અને શારીરિક યાતનાઓને કારણે અત્યંત અમાનવીય રીતે તડપી-તડપીને મૃત્યુ પામે છે.
આ અમાનવીય પ્રક્રિયા 'પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960' ની કલમ 11(1) નો સીધો ભંગ કરે છે. આ ઉપરાંત, અસ્પષ્ટ યાતના આપતી આ પદ્ધતિ ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ (AWBI) ની માર્ગદર્શિકાઓ મુજબ પણ ગેરકાનૂની જાહેર કરાયેલી છે.
GeM પોર્ટલ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી હટાવાયા
ઉદ્યોગ અને ખાણ વિભાગના સ્પષ્ટ આદેશ બાદ સરકારી ખરીદી માટેના GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ તેમજ તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ગ્લુ ટ્રેપનું લિસ્ટિંગ અને વેચાણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યું છે. તમામ સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશનો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ આના ઉપયોગ કે ખરીદી પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
હાઈકોર્ટમાં PIL અને ટકોર
ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી ફાઇલ કરવામાં આવી હતી, જેમાં રજૂઆત કરાઈ હતી કે અગાઉ પશુ કલ્યાણ બોર્ડના સર્ક્યુલર હોવા છતાં રાજ્યમાં ગ્લુ ટ્રેપનું વેચાણ અને ઉત્પાદન ધમધોકાર ચાલી રહ્યું છે. જેમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે માત્ર કાગળ પરના પરિપત્રો કે સર્ક્યુલર પુરતા નથી અને સરકારે આના પર કડક પ્રતિબંધ લાવવો જરૂરી છે. કોર્ટે ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) અને સરકાર પાસે આ અંગે કડક અમલીકરણ માટે સ્પષ્ટતા માગી હતી
હાઈકોર્ટનો કડક આદેશ બાદ સરકારની કાર્યવાહી
હાઈકોર્ટની આ ટકોર બાદ, ગૃહ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગની સંયુક્ત બેઠકો યોજાઈ હતી. ત્યારબાદ સરકારે માત્ર નોટિફિકેશન જ નહીં, પરંતુ GeM પોર્ટલ પરથી લિસ્ટિંગ હટાવવું, BNSS / BNS હેઠળ ગુનો નોંધવો અને SPCA ને કાર્યવાહીની સત્તા આપવી જેવા કડક જોગવાઈઓ સાથેનો આ નવો અને સત્તાવાર આદેશ સરકારે જાહેર કર્યો છે
કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ
આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 (BNSS) ની કલમ-163 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS) ની કલમ-223 મુજબ કાનૂની ગુનો નોંધવામાં આવશે. જિલ્લા પોલીસ અને 'સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ' (SPCA) ને આ અંગે ફરિયાદો સ્વીકારી કડક પગલાં લેવાની પૂર્ણ સત્તા આપવામાં આવી છે.
નાગરિકો અને વેપારીઓ માટે સૂચના
તમામ વેપારીઓને ગ્લુ ટ્રેપનો સંગ્રહ કે વેચાણ તુરંત બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકોને પણ ઘર, ઓફિસ કે ફેક્ટરીમાં ઉંદર નિયંત્રણ માટે ગ્લુ ટ્રેપનો ઉપયોગ ન કરવા અને તેના બદલે પરંપરાગત પાંજરાં અથવા અહિંસક (નોન-લેથલ) વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા અપીલ કરવામાં આવી છે.









