ગાંધીનગર: પેથાપુરમાં દુષ્કર્મના 3 દિવસે સગીરાનું સારવાર દરમિયાન મોત, આરોપી યુવકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pethapur Minor Misdemeanor Victim Death Case: ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં રહેતા યુવાને સગીરાને સેક્ટર 16ના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મના બનાવમાં પીડિતાને અતિશય રક્તસ્ત્રાવ થતાં પિતાને જાણ કર્યા બાદ સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. જો કે, ગત(8 ઓગસ્ટ) મોડી રાત્રે મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર થતાં સગીરાનુ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પેથાપુર દુષ્કર્મ કેસમાં મલ્ટી ઓર્ગન ફેઇલ્યોરથી સગીરાનું મોત
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની એક 17 વર્ષીય સગીરા પર પેથાપુર ખાતે રહેતા દિશાંત ઉર્ફે દીપ ભરતભાઈ શર્મા(ઉં.વ.22) દ્વારા આચરવામાં આવેલા અમાનુષી દુષ્કર્મ બાદ સારવાર દરમિયાન પીડિતાનું મોત નીપજતાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. યુવકે સગીરાને જાળમાં ફસાવી સેક્ટર-16ના કેપિટલ ગેસ્ટ હાઉસમાં અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. દુષ્કર્મના કારણે સગીરાને ગુપ્ત ભાગે અતિશય રક્તસ્ત્રાવ થતાં આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ચાર-ચાર હોસ્પિટલો બદલવા છતાં અને ત્રણ દિવસ સુધી બેભાન હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર થવાના કારણે ગત મધ્યરાત્રિએ સગીરાએ દમ તોડી દીધો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, સગીરા કોલેજ ગઈ હતી અને ગત ગુરુવારે(6 ઓગસ્ટ) બપોરે પરિવાર સાથે વાતચીત થયા મુજબ સરખેજ માસીના ઘરે જવાની હતી. પરંતુ સગીરા મોડે સુધી ઘરે ન પહોંચતાં પરિવારે આખી રાત તેની શોધખોળ કરી હતી. જો કે, બીજા દિવસે સવારે દિશાંતના પિતા ભરતભાઈ અન્ય લોકો સાથે સગીરાના ઘરે પહોંચ્યા હતા અને દીકરીને દિશાંત સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. સગીરાની તબિયત લથડતાં સૌપ્રથમ રાંધેજાની અને ત્યારબાદ સરગાસણની ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરંતુ ત્યાં દાખલ ન કરાતાં અન્ય હોસ્પિટલ લઈ જવાઈ હતી.
પીડિતા પરિવારનો ગંભીર આક્ષેપ
પીડિતાના પરિવારનો આરોપ છે કે, સગીરાના પિતા કે પરિવારને અંધારામાં રાખીને આરોપી યુવાનના પિતાએ પોતે વાલી હોવાનો કારસો રચી સગીરાને એડમિટ કરાવી દીધી હતી. બાદમાં પરિવારને જાણ થતાં સગીરાને અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં અતિશય રક્તસ્ત્રાવને કારણે ફેફસાં અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાઈ જતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા પણ શરૂઆતમાં પોલીસને જાણ કરવામાં આવી ન હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે.
આરોપી યુવકની ધરપકડ
પેથાપુર પોલીસ દ્વારા મૃતદેહનું ફોરેન્સિક ટીમની મદદથી પેનલ પીએમ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે.
સગીરાને ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કેવી રીતે મળ્યો!
હાલ પોલીસ દ્વારા તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ફરજિયાત પણે પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે તાકીદ કરી દેવામાં આવી છે. જેમાં હોટલમાં આવતા લોકોના આધાર પુરાવા લેવામાં આવે છે, તો સગીરાને ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કેવી રીતના આપવામાં આવ્યો તેવા સવાલો થઈ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો દાખલ પણ થઈ શકે છે.









