કોઈ કારણસર અધૂરો રહેલો ધો.10-12નો અભ્યાસ પૂર્ણ કરવાની તક, જાણો ઓનલાઈન નોંધણીની તારીખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GSEB GSOS Class 10-12 Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ(GSOS) અંતર્ગત ધોરણ-10 અને ધોરણ-12નો અભ્યાસ કોઈ કારણસર અધૂરો રહી ગયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ સાથે જોડાઈ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાની તક આપવામાં આવી રહી છે. આ અંતર્ગત પાત્ર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ હેઠળ ધો.10-12નો અભ્યાસ પૂર્ણ કરવાની તક
GSOS અંતર્ગત ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા 30 નવેમ્બર, 2026ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન 22 સપ્ટેમ્બર, 2026થી શરૂ થઈ ચૂક્યું છે અને પાત્ર વિદ્યાર્થીઓ 06 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
પાત્ર વિદ્યાર્થીઓએ પોતાની નજીકની શાળાનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જઈ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ધોરણ-10 માટે ધોરણ-8 પાસ કરેલા તથા નિયમોનુસાર જરૂરી વયમર્યાદા ધરાવતા અને ધોરણ-10નો અભ્યાસ અધૂરો રહેલો હોય તેવા વિદ્યાર્થીઓને તક મળશે. જ્યારે ધોરણ-12 માટે ધોરણ-10 પાસ કર્યા બાદ નિયમોનુસાર જરૂરી સમયગાળો પૂર્ણ કરેલા તથા ધોરણ-12નો અભ્યાસ અધૂરો રહેલો હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે. GSOS અંતર્ગત નિયમોને આધીન રહી અગાઉ અભ્યાસ અધૂરો રહેલા, પુનરાવર્તિત તથા અન્ય બોર્ડના પાત્ર વિદ્યાર્થીઓ પણ આ તકનો લાભ લઈ શકશે.




