Gandhinagar

હવે ઘાસનું પણ રેશનિંગ? અછતગ્રસ્ત 4 જિલ્લાના પશુપાલકોને રાહત દરે અપાશે ઘાસ, ચોમાસા બાદ પાક નુકસાનીનો કરાશે સર્વે

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ઓછા વરસાદને કારણે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના 4 જિલ્લામાં અછત સર્જાઈ છે. સરકારે પશુપાલકો માટે 2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ઘાસ આપવાનું આયોજન કર્યું છે. પોરબંદરમાં ડેપો શરૂ કરાયો છે. 'જી રામ જી' યોજના હેઠળ રોજગારી અપાશે અને પીવાના પાણી માટે પણ આયોજન કરાયું છે. પાક નુકસાનીનો સર્વે ચોમાસા બાદ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ઘાસનું પણ રેશનિંગ? અછતગ્રસ્ત 4 જિલ્લાના પશુપાલકોને રાહત દરે અપાશે ઘાસ, ચોમાસા બાદ પાક નુકસાનીનો કરાશે સર્વે

Drought in Gujarat: ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજ્યના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં વરસાદ નહિવત્ નોંધાયો છે. ઓછા વરસાદને કારણે સર્જાયેલી અછતની સ્થિતિ વચ્ચે હવે સરકાર દ્વારા પશુપાલકો માટે ઘાસનું રેશનિંગ જેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અછતગ્રસ્ત 4 જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને જીવાડવા માટે સબસિડી સાથે રાહત દરે ઘાસ આપવાનો નિર્ણય લેવાયો છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'આ આયોજન હેઠળ 1થી 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે સરકારી ઘાસ આપવામાં આવશે. જેના માટે પોરબંદર શહેરમાં ઘાસ ડેપો કાર્યરત પણ કરી દેવાયો છે અને આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં વધુ ડેપો શરૂ કરાશે. જે પશુપાલકો પાસે હજુ સુધી ઘાસ કાર્ડ નથી, તેમને તાત્કાલિક કાર્ડ કઢાવી લેવા પણ અપીલ કરાઈ છે.'

રોજગારી અને પીવાના પાણીનું આગોતરું આયોજનનો દાવો

ઓછા વરસાદના કારણે ખેતમજૂરોની આજીવિકા પર અસર ન પડે તે માટે 'જી રામ જી' યોજના હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જળસંપત્તિ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. હાલ ફોદાળા અને ખંભાળા ડેમમાં પૂરતો જળજથ્થો છે, પરંતુ ભવિષ્યમાં પાણી ઘટે તો નવા કૂવા ખોદવા અને નર્મદા પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો જાળવી રાખવા આયોજન કરાયું હોવાનો દાવો કરાયો છે.

ચોમાસા બાદ પાક નુકસાનીનો કરાશે સર્વે

વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ નિયમાનુસાર આનાવારી અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ સરકારી મેન્યુઅલ મુજબ ખેડૂતોને વળતર આપવા અંગે આખરી નિર્ણય લેવાશે.