Gandhinagar

ગુજરાતને ટાર્ગેટ કરવા 100થી વધુ વધારે આતંકીઓ એક્ટિવ, પુરાવા-તપાસના આધારે ખુલાસો

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની આતંકી આકાઓ અબ્દુલ્લા અને મહંમદ ઉમરના ઈશારે 100થી વધુ આતંકીઓને સક્રિય કરવાનો ટાર્ગેટ હતો. ઉત્તર ગુજરાત, ભરૂચ, નવસારીના મદ્રેસાના યુવાનોને નિશાન બનાવી બ્રેઈનવોશ કરાતા હતા. અત્યાર સુધીમાં 13 આતંકીઓની ધરપકડ થઈ છે, જેમણે 8 વખત બોમ્બ બ્લાસ્ટના ટ્રાયલ કર્યા હતા. ઇબ્રાહીમ ધધા મુખ્ય કમાન્ડર હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતને ટાર્ગેટ કરવા 100થી વધુ વધારે આતંકીઓ એક્ટિવ, પુરાવા-તપાસના આધારે ખુલાસો

Gujarat ATS Jaish e Mohammed Terror Module 2026 : ગુજરાતમાં મોટાપાયે આતંકી હુમલા અને સંગઠન ઊભું કરવાના પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક બહુ મોટા અને ખતરનાક ષડયંત્રનો ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગુજરાતને નિશાન બનાવવા માટે 100થી વધારે આતંકીઓને સક્રિય કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં કુલ 13 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પૂછપરછમાં રાજ્યના વિવિધ શહેરોમાં ફેલાયેલા નેટવર્કની ચોંકાવનારી કડીઓ સામે આવી રહી છે.

મદ્રેસાના યુવાનોને નિશાન બનાવવાની પેટર્ન

ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકાઓ અબ્દુલ્લા અને મહંમદ ઉમર દ્વારા સ્થાનિક આતંકીઓને એક ચોક્કસ પેટર્નથી કામ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ નેટવર્ક હેઠળ, ઉત્તર ગુજરાત, ભરૂચ, નવસારી અને અન્ય શહેરોના મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ મેળવતા 18 થી 25 વર્ષની વયના યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. જૈશના મુખ્ય આતંકી મસુદ અઝહરે લખેલા જેહાદી અને ઉગ્ર લખાણવાળા પુસ્તકોની પીડીએફ કોપીઓ પાકિસ્તાનથી મોકલવામાં આવતી હતી. આ પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરાવી, તેની હાર્ડ કોપીઓ છપાવીને યુવાનોને વહેંચવામાં આવતી હતી. જેથી તેમનું બ્રેઈનવોશ કરીને સંગઠનમાં જોડી શકાય. આ પુસ્તકોમાં વર્ષ 2002ના ગોધરાકાંડ અને લઘુમતીઓની વિરૂદ્ધની બાબતોનો ઉલ્લેખ કરીને ધાર્મિક ઉશ્કેરણી કરવામાં આવતી હતી.

8 વખત બોમ્બ બ્લાસ્ટના ટ્રાયલ કરાયા!

એટીએસ દ્વારા જુલાઈ મહિનાની શરૂઆતમાં 'દારૂલ ઇસ્લામ ગુજરાત-જૈશ-મોહમ્મદ' નામના લોકલ યુનિટના 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ કડક પૂછપરછના આધારે અન્ય 5 આતંકીઓ પણ ઝડપાયા છે. આ ધરપકડ કરાયેલા આતંકીઓ પૈકી કેટલાકને બોમ્બ બનાવવાની ઘાતક તાલીમ આપવામાં આવી હતી એટલું જ નહીં, રાજ્યમાં મોટી તબાહી મચાવવાના ઈરાદાથી 8 વાર બોમ્બ બ્લાસ્ટના સક્સેસફુલ ટ્રાયલ પણ કરી લેવાયા હોવાની કમકમાટીભરી વિગતો તપાસમાં સામે આવી છે.

હોટલમાં રહીને ચાલતું હતું આતંકી સંકલન

આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને પાલનપુરના ભાગળ ગામનો વતની ઇબ્રાહીમ મહંમદ હુસૈન ધધા (નંદાસણ નિવાસી) રાજ્યમાં મુખ્ય કમાન્ડ સંભાળતો હતો. જ્યારે બીજી તરફ અમદાવાદના કઠવાડા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી 'હોટલ દિવ્યા પેલેસ'માં રહીને બિલાલ શેરા નામનો આતંકી અમદાવાદમાં રહીને આખા નેટવર્કનું સંકલન કરતો હતો. તે હોટલમાંથી જ અનેક શંકાસ્પદ લોકોને મળતો હતો અને મોહમ્મદ અમીન શેરા નામના અન્ય આતંકી સાથે મળીને જૈશના આ નેટવર્કને મજબૂત કરી રહ્યો હતો.

એટીએસ દ્વારા તપાસ શરૂ

હાલમાં એટીએસને અમદાવાદ, ભરૂચ, સુરત અને વડોદરા સહિતના મુખ્ય શહેરોમાં સક્રિય અન્ય કેટલાક યુવકોની પણ કડીઓ મળી છે, જેના આધારે સર્ચ ઓપરેશન અને અટકાયતી પગલાં શરૂ કરી દેવાયા છે. આગામી દિવસોમાં આ કેસમાં હજુ પણ અનેક મોટા અને સનસનાટીભર્યા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.