Gandhinagar

ગાંધીનગરમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ: રૂ. 1.27 કરોડના વિવાદમાં મોલ નજીક તલવારોથી ભયાનક હુમલો

By GS Team
30 Jun 20263 mins read
TukuTouch Logo
ગાંધીનગરના કુડાસણ લેન્ડમાર્ક મોલ નજીક સોમવારે મોડી રાત્રે 1.27 કરોડના નાણાકીય વિવાદમાં પાંચ લોકોએ તલવારો વડે હુમલો કર્યો. ભરતસિંહ ચંદાવત ગંભીર રીતે ઘાયલ થતાં અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હુમલાખોરોએ કારના કાચ પણ તોડ્યા હતા. ઇન્ફોસિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ: રૂ. 1.27 કરોડના વિવાદમાં મોલ નજીક તલવારોથી ભયાનક હુમલો

Gandhinagar Kudasan Sword Attack: ગુજરાતના પાટનગર ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા 'આરહા ફિટનેસ જીમ' બહાર સોમવારે મોડી રાત્રે થયેલી લોહિયાળ ગેંગવોર પાછળ સરકારી પદ અપાવવાના નામે થયેલું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશન (RTDC) માં ચેરમેન પદની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પાછા ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક હુમલામાં બે યુવકોને શરીરના ભાગે છરી અને ધારીયાના અસંખ્ય ઘા ઝીંકી દેવાતા ચકચાર મચી ગઈ છે. આ મામલે અમદાવાદના નવા નરોડાના રહીશ ઉત્સવ રોહિતકુમાર પટેલે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 11 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે.

ચેરમેન પદ અને સરકારી ડીલરશીપના નામે મોટું કૌભાંડ
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, આ વિવાદની શરૂઆત એપ્રિલ 2025 માં થઈ હતી, જ્યારે આરોપી મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACL માંથી ડીલરશીપ અપાવવાનો ભરોસો આપી ફરિયાદીના પિતા પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ મહેન્દ્રસિંહે રાજસ્થાન સરકારમાં પોતાની મોટી વગ હોવાનો દાવો કરીને ઉત્સવના પિતાના મિત્ર શિવુજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપી હતી. આ પદ મેળવવા માટે મહેન્દ્રસિંહ અને તેના પુત્ર અભિમન્યુસિંહે એડવાન્સ પેટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે નાણાં જાન્યુઆરી 2026 માં ચૂકવી દેવાયા હતા. આમ, કટકે-કટકે કુલ 1 કરોડ 10 લાખ રૂપિયા પડાવી લીધા બાદ પણ કોઈ કામ થયું નહોતું.

જીમ બહાર હથિયારો સાથે ધસી આવ્યું ટોળું, કારની તોડફોડ
નાણાં ડૂબી જતાં બંને પક્ષો વચ્ચે અગાઉ કોબા સર્કલ ખાતે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવત અને નાણાકીય લેતીદેતીનો કાયમી નિકાલ કરવા માટે ઉત્સવ પટેલના મિત્ર ભરતસિંહ ચંદાવતે આરોપી મહેન્દ્રસિંહને કુડાસણ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સ્થિત પોતાના જીમ પર વાતચીત માટે બોલાવ્યા હતા. જ્યાં ફરિયાદી પક્ષ હાજર હતો તે જ સમયે મહેન્દ્રસિંહ અને તેનો પુત્ર અભિમન્યુસિંહ પૂર્વ આયોજિત પ્લાન મુજબ બીજા 10 જેટલા સશસ્ત્ર માણસોને ટુ-વ્હીલર પર લઈને ધસી આવ્યા હતા. આ ટોળાએ "વારંવાર શા માટે રૂપિયા માંગો છો, આજે જ તમારો હિસાબ પૂરો કરી દઈએ" તેમ કહીને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો.

પીઠમાં છરી હુલાવી દીધી, એક ઈજાગ્રસ્તની હાલત અત્યંત નાજુક
હુમલાખોરોએ ક્રૂરતાની હદ વટાવી મહેન્દ્રસિંહે તીક્ષ્ણ છરી વડે ભરતસિંહના બંને હાથના કાંડા કાપી નાખ્યા હતા, જ્યારે અભિમન્યુસિંહે પીઠના ભાગે આખી છરી હુલાવી દેતા ભરતસિંહ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. મિત્રને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદી ઉત્સવ પટેલને પણ આરોપીઓએ પેટ અને હાથ-પગના ભાગે છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત, ટોળામાં આવેલા અન્ય શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે ફરિયાદીની મોંઘીદાટ વોક્સવેગન કારના પણ કચ્ચરઘાણ વાળી દીધા હતા. બૂમાબૂમ થતાં સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. હાલમાં ગંભીર રીતે ઘવાયેલા ભરતસિંહ ચંદાવત અમદાવાદની કે.ડી. હોસ્પિટલના આઇસીયુ (ICU) માં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી 11 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.