Gandhinagar

આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મહત્ત્વનો વહીવટી સુધારો: વર્ગ-1 અધિકારીઓને સોંપાઈ સીધી જવાબદારી

By GS Team
6 Sep 20264 mins read
TukuTouch Logo
રાજ્ય સરકારે આદિમજૂથોના વિકાસ માટે મહત્વનો વહીવટી સુધારો કર્યો છે. 'મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના' હેઠળ અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં વિકાસ કાર્યો ઝડપી બનાવવા, આદિજાતિ વિકાસ વિભાગના વર્ગ-1 અધિકારીઓને 'સભ્ય સચિવ'ની સીધી જવાબદારી સોંપવામાં આવી છે. આનાથી પઢાર અને સીદી સમુદાયના પરિવારોને શિક્ષણ, આવાસ અને આરોગ્ય જેવી સરકારી યોજનાઓનો વધુ અસરકારક લાભ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મહત્ત્વનો વહીવટી સુધારો: વર્ગ-1 અધિકારીઓને સોંપાઈ સીધી જવાબદારી

Tribal Development: ગુજરાતના અતિ પછાત અને છેવાડાના આદિમજૂથોના સામાજિક અને આર્થિક ઉત્થાનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે મહત્ત્વનો વહીવટી સુધારો કર્યો છે. આ સુધારા મુજબ ‘મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના’ હેઠળ વિકાસ કાર્યોનું આયોજન, મંજૂરી, મોનિટરિંગ અને અમલીકરણ વધુ ઝડપી, પારદર્શક અને લોકાભિમુખ બને તે હેતુથી ચાર બિન-આદિજાતિ જિલ્લાઓ અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ માટે જિલ્લા કક્ષાની સમિતિઓના ‘સભ્ય સચિવ’ તરીકે આદિજાતિ વિકાસ વિભાગના જ વર્ગ-1ના સક્ષમ અધિકારીઓને સીધી જવાબદારી સોંપવામાં આવી છે.

આ વહીવટી ફેરફારથી આદિમજૂથોના વિકાસ માટે જવાબદારી અને અધિકાર બંનેનું સ્પષ્ટ વિભાજન થયું છે. ખાસ કરીને બિન-આદિજાતિ અને છૂટાછવાયા વિસ્તારોમાં વસતા પઢાર અને સીદી સમુદાયના પરિવારો સુધી સરકારી યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચાડવાનો માર્ગ સરળ બન્યો છે.

ગીર સોમનાથ-જૂનાગઢના સીદી અને અમદાવાદ-સુરેન્દ્રનગરના પઢાર આદિમ સમુદાયને મળશે લાભ

નોંધનીય છે કે રાજ્યના આદિમજૂથોમાં પઢાર અને સીદી સમુદાયની મોટી વસ્તી પરંપરાગત આદિજાતિ વિસ્તારોની બહાર વસે છે. આવા વિસ્તારોમાં પ્રાયોજના વહીવટદારની સમર્પિત કચેરીઓ ન હોવાથી અગાઉ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO)ને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. હવે અમદાવાદ અને સુરેન્દ્રનગર માટે મદદનીશ કમિશનર (વર્ગ-1), આદિજાતિ વિકાસ, અમદાવાદને સભ્ય સચિવની જવાબદારી સોંપવામાં આવી છે; જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ માટે મદદનીશ કમિશનર (વર્ગ-1), આદિજાતિ વિકાસ, રાજકોટને સભ્ય સચિવ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ વહીવટી સુધારાથી આદિમજૂથોના વિકાસને લગતી કામગીરી માટે વિભાગના જ સમર્પિત વર્ગ-1 અધિકારીના નેતૃત્વમાં આયોજન અને મોનિટરિંગ શક્ય બનશે.

જૂનાગઢ-ગીર સોમનાથના ભૌગોલિક પરિવર્તનને અનુરૂપ વ્યવસ્થા

જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ થયા બાદ બંને જિલ્લાઓમાં સીદી સમુદાયના પરિવારો અલગ-અલગ વિસ્તારોમાં વસે છે. જિલ્લાઓની પુનર્રચના બાદ યોજનાઓના ક્ષેત્રાધિકાર અને મોનિટરિંગની વ્યવસ્થાને નવી ભૌગોલિક સ્થિતિ સાથે સુસંગત બનાવવી જરૂરી હતી. સરકારના નવા માળખાથી બંને જિલ્લાઓ માટેની જવાબદારી સ્પષ્ટ થઈ છે અને સ્થાનિક સ્તરની કામગીરીને પણ વધુ સુવ્યવસ્થિત આધાર મળ્યો છે.

જૂનાગઢ જિલ્લાનું વિભાજન થયા બાદ ધ્યાને આવ્યું કે ગીર સોમનાથની જેમ વિભાજિત જૂનાગઢ જિલ્લામાં પણ સીદી સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. તેથી સરકારે જૂનાગઢમાં યોજનાનું વધુ અસરકારક અમલીકરણ થાય તે માટે નવી જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. નવા અધ્યક્ષ અને સભ્યો સાથેની આ સમિતિ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોના આયોજન અને અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

યોજનામાં સૈદ્ધાંતિક મંજૂરી મળેલા કામોની વહીવટી મંજૂરી, મોનિટરિંગ અને રિપોર્ટિંગની જવાબદારી વર્ગ-1ના મદદનીશ કમિશનર સ્તરે રહેશે. બીજી તરફ, સ્થાનિક કક્ષાએ આયોજન મેળવવું, ટેકનિકલ મંજૂરીની પ્રક્રિયા, કામ પૂર્ણ થયા બાદ સ્થળ તપાસ તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ (Completion Certificate) અને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ (Utilization Certificate) મેળવવાની કામગીરી બગોદરા અને તાલાલાની વર્ગ-2 કક્ષાની કચેરીઓ દ્વારા કરવામાં આવશે.

આ રીતે નીતિ વિષયક સ્તરની જવાબદારી તથા જમીની અમલીકરણ વચ્ચે સ્પષ્ટ સમન્વય સ્થાપિત કરવામાં આવ્યો છે.

ચાર જિલ્લાઓમાં જ આ ફેરફાર કેમ?

આ નિર્ણય પાછળ મુખ્યત્વે ભૌગોલિક અને વહીવટી કારણો છે. ગુજરાતના પરંપરાગત આદિવાસી વિસ્તારોમાં આદિજાતિ પેટા યોજના હેઠળ પ્રાયોજના વહીવટદારની કચેરીઓ પહેલેથી કાર્યરત છે અને ત્યાં વર્ગ-1 તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આદિજાતિ વિકાસની કામગીરીનું સંકલન થાય છે.

તેની સામે અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વસતા પઢાર અને સીદી સમુદાય માટે અગાઉ આવી સમર્પિત વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. જિલ્લા પંચાયતના અધિકારીઓ પાસે અન્ય અનેક વહીવટી જવાબદારીઓ હોવાથી આદિમજૂથોની યોજનાઓ માટે વધુ કેન્દ્રિત વ્યવસ્થાની જરૂરિયાત હતી. હવે આ ખાલી જગ્યા આદિજાતિ વિકાસ વિભાગના જ વર્ગ-1ના અધિકારીઓ દ્વારા ભરવામાં આવી છે.

બગોદરા અને તાલાલા કચેરીઓથી ‘લાસ્ટ માઇલ ડિલિવરી’ને મળશે વેગ

અમદાવાદ અને સુરેન્દ્રનગર વિસ્તારના પઢાર સમુદાયના ગામો માટે બગોદરા ખાતે આદિજાતિ વિકાસ અધિકારી (વર્ગ-૨)ની કચેરી અગાઉ મંજૂર કરવામાં આવી હતી, જે હવે નિયમિત રીતે કાર્યરત છે. આ કચેરી દ્વારા સ્થાનિક જરૂરિયાતોનું આયોજન, ટેકનિકલ પ્રક્રિયા અને વિકાસ કાર્યોની સ્થળ તપાસ વધુ સરળતાથી થઈ શકશે.

તે જ રીતે તાલાલાની કચેરી દ્વારા સીદી સમુદાયના વિસ્તારોમાં જમીની સ્તરની કામગીરીને વેગ મળશે. વર્ગ-૧ના અધિકારીઓ નીતિ, મંજૂરી અને મોનિટરિંગ સંભાળશે, જ્યારે સ્થાનિક વર્ગ-૨ કચેરીઓ અમલીકરણ અને સ્થળ ચકાસણી સાથે જોડાયેલી કામગીરી કરશે.

લાભ સીધો છેવાડાના પરિવારો સુધી

નવી વ્યવસ્થાથી પઢાર અને સીદી સમુદાયના પરિવારો માટે શિક્ષણ, આવાસ, આરોગ્ય, રોજગાર, આર્થિક સશક્તિકરણ અને અન્ય કલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણમાં વધુ સંકલન શક્ય બનશે. વર્ગ-1ના અધિકારીને સીધી જવાબદારી મળવાથી નિર્ણય પ્રક્રિયામાં સ્પષ્ટતા આવશે, જ્યારે સ્થાનિક કચેરીઓના માધ્યમથી સ્થળ પરની કામગીરી અને ચકાસણી વધુ અસરકારક બની શકશે.

આ વહીવટી સુધારો માત્ર અધિકારીઓની જવાબદારી બદલવાનો નિર્ણય નથી, પરંતુ યોગ્ય અધિકારી, સ્પષ્ટ જવાબદારી, સ્થાનિક અમલવારી અને સતત મોનિટરિંગને એકસાથે જોડતું સુશાસનનું મોડેલ છે. બિન-આદિજાતિ વિસ્તારોમાં છૂટાછવાયા વસતા આદિમજૂથો સુધી તેમની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ વ્યવસ્થા ઊભી કરીને વિકાસ પહોંચાડવાનો આ પ્રયાસ સમાવેશી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.