ફોજદારી કેસોમાં આરોપી નિર્દોષ છૂટે તો સરકારી વકીલ અને પોલીસ સામે તપાસ શરૂ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : ફોજદારી કેસોમાં ઘણા કિસ્સાઓમાં આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે ત્યારે આવા કેસોમાં તપાસ કરનાર પોલીસ અધિકારી અથવા પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા કોઈ ભૂલ કે ક્ષતિ રહી ગઈ છે કે કેમ તે સહિતના બાબતોની તપાસ અને સમીક્ષા માટે સરકાર દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ આર. પટેલની અધ્યક્ષતામાં આ ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. જેને પગલે હવેથી જો ફોજદારી કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી જશે તો આવા કેસોમાં તપાસનીશ અધિકારી તેમ જ પબ્લિક પ્રોસિક્યુટરની જવાબદારી પણ નક્કી થશે.
વિશેષ સમિતિ દ્વારા તપાસનીશ અધિકારી કે પબ્લિક પ્રોસિક્યુટરની ભૂલ કે બેદરકારીની સમીક્ષા-તપાસ કરાશે
સુપ્રીમકોટના નિર્દેશાનુસાર કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ મહત્ત્વની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમીક્ષા સમિતિ દ્વારા જે કિસ્સાઓમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હોય તેવા તમામ કિસ્સાઓ અને કોર્ટના હુકમોનું સમિતિ દ્વારા બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવશે.
સરકારી વકીલની ભૂલોની નોંધ તૈયાર થશે
તપાસ દરમ્યાન પોલીસ દ્વારા અને કોર્ટમાં પ્રોસિક્યુશનની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ દ્વારા થયેલી ભૂલો અને તેના કારણોની વિગતવાર નોંધ તૈયાર કરાશે. જો સમિતિને જણાશે કે આરોપીઓ કોઈ સામાન્ય ભૂલને કારણે નહીં પરંતુ અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ છૂટ્યા છે, તો જવાબદાર પોલીસ અધિકારી અને પબ્લિક પ્રોસિક્યુટર વિરુદ્ધ નિયમો અનુસાર ખાતાકીય રાહે પગલાં લેવા માટે સંબંધિત શિસ્ત અધિકારીને સ્પષ્ટ ભલામણ કરવામાં આવશે.
સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવશે
આ સિવાય સમિતિ દ્વારા ભલામણ કરાયેલા કેસોમાં આગળ શું કાર્યવાહી થઈ તેનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. તદુપરાંત, ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા સમયાંતરે આ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવશે. સમિતિ પોતાના કામમાં મદદ માટે જરૂર જણાયે અન્ય સિનિયર પોલીસ અધિકારી અથવા સિનિયર પબ્લિક પ્રોસિક્યુટરને આમંત્રિત સભ્ય તરીકે પણ બોલાવી શકશે.









