Gandhinagar

ગુજરાતની ફરસાણ ફેક્ટરીઓએ પેકેજ્ડ ગાંઠિયા-ચેવડા પર 'લાલ લેબલ' મારવું પડશે

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાતના ₹15,000 કરોડના પેકેજ્ડ ફૂડ ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે. FSSAIના નવા નિયમો મુજબ, પેકેજ્ડ ફૂડ પર લાલ ષટ્કોણ આકારનું ચેતવણી લેબલ લગાવવું ફરજિયાત બનશે. રાજકોટ, ભાવનગર, નડિયાદ, સુરત સહિત 50,000 થી વધુ દુકાનો અને 1.5 લાખ ગૃહ ઉદ્યોગોને અસર થશે. વેપારીઓ ચિંતામાં છે કે સ્વાદ જાળવશે તો વેચાણ ઘટશે, અને ઘટાડશે તો ગ્રાહકોને પસંદ નહીં પડે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની ફરસાણ ફેક્ટરીઓએ પેકેજ્ડ ગાંઠિયા-ચેવડા પર 'લાલ લેબલ' મારવું પડશે

Gujarat Namkeen Industry FSSAI : ગુજરાતના પેકેજ્ડ ફૂડ ઉદ્યોગ પર સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના નવા નિયમોને કારણે મોટી હલચલ મચી ગઈ છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેંચે પેકેજ્ડ ફૂડ પર લાલ રંગના ષટ્કોણ આકારના ચેતવણી લેબલ લગાવવા બાબતે FSSAI ને આકરા સવાલો પૂછ્યા છે. આ નિયમો ટૂંક સમયમાં જ ફરજિયાત બની શકે છે, જેને પગલે સ્થાનિક વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ગુજરાતનો વિશાળ નમકીન અને ફરસાણ ઉદ્યોગ

ગુજરાતમાં આશરે 15,000 કરોડ રૂપિયાથી વધુનો નમકીન ઉદ્યોગ ખૂબ મોટા પાયે ફેલાયેલો છે, જેમાં નાની દુકાનોથી લઈને મોટી ફેક્ટરીઓ અને ગૃહઉદ્યોગોનો સમાવેશ થાય છે. ફૂડ સેફટી વિભાગ અને રાજ્યના મીઠાઈ-ફરસાણ એસોસિએશનના અંદાજ મુજબ, સમગ્ર ગુજરાતમાં હાલ 50,000 થી વધુ જેટલી નાની-મોટી ફરસાણની દુકાનો અને સ્વીટ માર્ટ કાર્યરત છે. પેકેજ્ડ વેફર્સ, ચવાણું અને સેવ-ગાંઠિયાનું મોટા પાયે ઉત્પાદન કરતી આશરે 5,000 થી વધુ મધ્યમ અને મોટી ઓટોમેટેડ ફેક્ટરીઓ મુખ્યત્વે રાજકોટ, ભાવનગર, નડિયાદ અને સુરત જેવા ક્લસ્ટરમાં આવેલી છે. આ ઉપરાંત, આ ઉદ્યોગનો સૌથી મોટો આધાર સ્તંભ અસંગઠિત ક્ષેત્ર છે, જેમાં ગામડાઓ અને શહેરોમાં ઘરબેઠા ચાલતા આશરે 1.5 લાખથી વધુ લઘુ અને ગૃહ ઉદ્યોગો સામેલ છે.

વેપારીઓની મૂંઝવણ અને FSSAI ના પ્રસ્તાવો

FSSAI ના નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ પ્રોડક્ટમાં ખાંડ, મીઠું કે ફેટ નિર્ધારિત મર્યાદાથી વધુ હશે, તો તેના પેકેટ પર મોટી હેલ્થ વોર્નિંગ છાપવી પડશે. સ્થાનિક ફૂડ મેન્યુફૅક્ચરર્સનું કહેવું છે કે જો તેઓ કોર્ટના આદેશ મુજબ મીઠું કે તેલનું પ્રમાણ ઘટાડશે, તો ગ્રાહકોને પસંદ પડતો ગુજરાતીઓનો અસલી ચટાકેદાર સ્વાદ ગાયબ થઈ જશે. જો તેઓ સ્વાદ જાળવી રાખશે, તો નિયમ મુજબ દરેક પેકેટના આગળના ભાગે 'High Salt' કે 'High Fat' નું લાલ લેબલ મારવું પડશે. આવું લેબલ જોઈને ગ્રાહકો પ્રોડક્ટ ખરીદતા અચકાશે, જેનાથી વેચાણમાં મોટો ઘટાડો થવાનો ડર છે. વળી, સુપ્રીમ કોર્ટે એવી પણ ચેતવણી આપી છે કે સ્વાદ જાળવવા માટે કંપનીઓ આર્ટિફિશિયલ કેમિકલ્સ કે નુકસાનકારક પ્રિઝર્વેટિવ્સ ન ઉમેરે, જેના પર સરકારે કડક નજર રાખવી પડશે.