ગુજરાતની મોટી સિદ્ધિ: પાટણની 'રાણી કી વાવ'ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો 'ગોલ્ડ મેડલ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rani Ki Vav 3D Projection Mapping Show: ગુજરાતની ઐતિહાસિક અને વૈશ્વિક ધરોહર પાટણ સ્થિત 'રાણી કી વાવ'ના નામે વધુ એક મોટી વૈશ્વિક સિદ્ધિ નોંધાઈ છે. અહીં પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવેલા અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026માં 'ગોલ્ડ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ એશિયા કક્ષાએ "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં ગુજરાતને ફાળે ગયો છે.
ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીનો અદભુત સમન્વય
યુનેસ્કો (UNESCO)ની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવતી રાણી કી વાવ ખાતે પ્રવાસીઓના અનુભવને વધુ ડિજિટલ અને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ કાયમી ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન દર્શાવે છે કે ગુજરાતની વિરાસત અને સંસ્કૃતિને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી વિશ્વ સમક્ષ રજૂ કરવામાં ગુજરાત સફળ રહ્યું છે.
આ અદભુત પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં 31 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી માત્ર થોડા જ મહિનાઓમાં એટલે કે 12 જુલાઈ, 2026 સુધીમાં 44,209થી વધુ મુલાકાતીઓ આ ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ શોની મજા માણી ચૂક્યા છે.
અમલીકરણ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા નોમિનેશન બાદ એશિયાના સૌથી મોટા એવોર્ડ્સમાંથી એકમાં રાણી કી વાવ પ્રોજેક્ટને પ્રથમ સ્થાન મળ્યું છે. દર વર્ષે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ પાટણ આવે છે, જેમના માટે હવે આ નાઇટ શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે નિયુક્ત કરાયેલી પ્રોફેશનલ એજન્સી તેના સંચાલન અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહી છે.
ટેક્નોલોજી અને ઇતિહાસના આ અનોખા સંગમે રાણી કી વાવની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે, અને હવે વૈશ્વિક એવોર્ડ મળતા ગુજરાતનો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે.









