Pre-PTC ઉમેદવારોને મોટી રાહત: પ્રવેશની વયમર્યાદા 30 વર્ષ કરાઈ, EWS-દિવ્યાંગો માટે અનામત અને બેઠકો વધારાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Pre PTC Admission New Rules: ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી(D.E.C.Ed.) કૉલેજોમાં પ્રવેશના નિયમોમાં મહત્ત્વના સુધારા કર્યા છે. તાજેતરમાં જ જાહેર કરાયેલા સુધારા મુજબ, રાજ્યમાં આવેલી પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 24થી વધારી 30 વર્ષ કરાઈ છે.
પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 30 વર્ષ કરાઈ
રાજ્યમાં પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ માટેની બેઠકોમાં વધારો, પ્રવેશ માટેની વયમર્યાદા 5 વર્ષ વધારો વધારો અને EWS તેમજ દિવ્યાંગો માટે અનામત આપવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ વર્ગદીઠ 50 બેઠકોની મંજૂર ક્ષમતા સામે હવે 25 ટકા વધારા સાથે કુલ 62 બેઠકો કરવામાં આવી છે. આથી તાલીમ મેળવવા ઇચ્છતા વધુ ઉમેદવારોને શિક્ષક બનવાની તક મળી શકે.
અનામતની જોગવાઈ સાથે પ્રવેશની તકો વિસ્તરી
સુધારેલા પ્રવેશ માળખા અનુસાર SEBC માટે 27 ટકા અનામત હેઠળ 17 બેઠકો, અનુસૂચિત જાતિ માટે 7 ટકા હેઠળ 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 15 ટકા હેઠળ 9 બેઠકો નક્કી કરવામાં આવી છે. ઓપન કેટેગરીમાં 41 ટકા મુજબ 26 બેઠકો રહેશે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે પ્રથમ વખત 10 ટકા મુજબ 6 બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. આમ, કુલ 100 ટકા મુજબ 62 બેઠકો ઉપલબ્ધ રહેશે.
ધોરણ-12માં 50 ટકા ગુણની પાત્રતા, અનામત વર્ગોને 5 ટકાની છૂટ
પ્રવેશ માટે ધોરણ-12ની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપરાંત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં આવેલા CBSE અને ICSE સહિતના માન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરનારા ઉમેદવારોને પણ આ જ પાત્રતા લાગુ પડશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તથા દિવ્યાંગ ઉમેદવારોને ગુણની પાત્રતામાં 5 ટકાની છૂટ આપવામાં આવશે.
મહત્તમ વયમર્યાદા 24થી વધારી 30 વર્ષ
સરકારે ઉમેદવારોની ઉંમરને લગતા નિયમોમાં પણ નોંધપાત્ર રાહત આપી છે. અગાઉ પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 24 વર્ષ હતી, જેને હવે વધારીને 30 વર્ષ કરવામાં આવી છે. એટલે કે શૈક્ષણિક વર્ષના પ્રારંભે, જે વર્ષના જુલાઈ મહિનાની પ્રથમ તારીખે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS તથા દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં વધુ 5 વર્ષની છૂટ આપવામાં આવશે.
માધ્યમની પસંદગીમાં પણ ફ્લેક્સિબિલિટી
ઉમેદવાર ધોરણ-10 અથવા ધોરણ-12માંથી જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તે પૈકી કોઈપણ માધ્યમની સંસ્થામાં પ્રવેશ માટે અરજી કરી શકશે. જો કોઈ માધ્યમની બેઠકો ખાલી રહે અને ઉમેદવારે ધોરણ-10 અને ધોરણ-12માં પોતાની મૂળ માધ્યમ સિવાયની ભાષાનો અભ્યાસ કર્યો હોય, તો ઉમેદવારની ઇચ્છા મુજબ અન્ય ભાષાના માધ્યમમાં પણ પ્રવેશ મેળવી શકાશે.




