Gandhinagar

ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાત પોલીસ હાઇ ઍલર્ટ પર, 'ઇવેક્યુએશન પ્લાન' અમલમાં મૂક્યો

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે, રાજ્ય પોલીસે નાગરિકોના જાનમાલના રક્ષણ માટે વ્યાપક પૂર્વતૈયારીઓ કરી છે. પોલીસ વડાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ. NDRF, SDRF અને સ્થાનિક પોલીસ સાથે મળીને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો અને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા "ઇવેક્યુએશન પ્લાન" અમલમાં મૂકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાત પોલીસ હાઇ ઍલર્ટ પર, 'ઇવેક્યુએશન પ્લાન' અમલમાં મૂક્યો
AI તસવીર

Gujarat Rain: રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોના જાનમાલના રક્ષણ માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડાના અધ્યક્ષસ્થાને આજે ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્યના તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

'ઇવેક્યુએશન પ્લાન' પણ અમલમાં મૂકવામાં આવ્યો

આપત્તિ સામે લડવા માટે પૂર-રાહત અને બચાવ કામગીરીના યાંત્રિક સાધનો તથા બોટને વાપરવા લાયક સજ્જ રાખવા સૂચના અપાઈ છે. NDRF અને SDRFની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ કામગીરીમાં જોડવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે મળીને સંયુક્ત 'ઇવેક્યુએશન પ્લાન' પણ અમલમાં મૂકવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર પોલીસ જવાનો તૈનાત

આ ઉપરાંત રાજ્યમાં વાહનવ્યવહાર સુચારુ રીતે ચાલે તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનો તૈનાત કરાયા છે. બંધ પડેલા વાહનોને ખસેડવા ક્રેનની સુવિધાઓ અને જરૂર પડ્યે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જનજાગૃતિ માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સોશિયલ મીડિયા અને લોકલ નેટવર્ક દ્વારા નાગરિકોને જર્જરીત મકાનો, વીજળીના થાંભલા કે નદી-નાળાથી દૂર રહેવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે. સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે બનાવેલા રાહત કેન્દ્રો પર ખોરાક, શુદ્ધ પીવાનું પાણી, વીજળી અને ખાસ કરીને મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત આશ્રયસ્થાનો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

VHF, HF અને ROIP સિસ્ટમનો ઉપયોગ

સમગ્ર પરિસ્થિતિ પર 24 કલાક નજર રાખવા માટે જિલ્લા કંટ્રોલ રૂમ સક્રિય કરાયા છે જે ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. વિકટ પરિસ્થિતિમાં પણ સંદેશાવ્યવહાર ખોરવાય નહીં તે માટે VHF, HF અને ROIP સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ, હોમગાર્ડ્સ, GRD, TRB અને ફાયર સર્વિસના જવાનોને અગાઉથી જ ખડેપગે કરી દેવાયા છે. આગામી 24થી 48 કલાક દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અત્યંત સજાગ રહી માનવજીવન તેમજ પશુઓની સુરક્ષા માટે ઝડપી અને નિવારક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે.