રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 27 ડેમ ઓવરફ્લો, સરદાર સરોવર હજુ 22 ટકા ખાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Forecast and Statistics: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 4 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 25.36 ઈંચ (69.74%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.28% વરસાદ થયો છે. સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમ 78.35% અને અન્ય જળાશયો 62.63% ભરાયા છે, જ્યારે 27 ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થયા છે.
5 દિવસ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદ?
5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીના કેટલાક સ્થળોએ અને કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 25.36 ઈંચ વરસાદ
ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો આ સિઝનમાં 4 ઓગસ્ટની સવારના 06.00 કલાક સુધીમાં સરેરાશ કુલ 25.36 ઈંચ (633.88 મિમિ) વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના કુલ સરેરાશ વરસાદની સરખામણીએ 69.74% જેટલો થાય છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો, વર્ષ 2023માં કુલ 37.92 ઈંચ (948.06 મિમિ - 108.16%), વર્ષ 2024માં 50.56 ઈંચ (1263.90 મિમિ - 143.14%) અને વર્ષ 2025માં 45.35 ઈંચ (1133.75 મિમિ - 128.57%) વરસાદ નોંધાયો હતો. આ આંકડા દર્શાવે છે કે ચાલુ વર્ષે પણ ઓગસ્ટના પ્રારંભ સુધીમાં રાજ્યમાં નોંધપાત્ર જળવર્ષા થઈ ચૂકી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સૌથી વધુ મહેરબાન
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું વિતરણ અલગ-અલગ જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સૌથી વધુ મહેરબાની રહી છે, જ્યાં સિઝનનો સરેરાશ 59.39 ઈંચ (1484.63 મિમિ) વરસાદ નોંધાયો છે, જે તેના મોસમના સરેરાશના 96.28% જેટલો છે. બીજી તરફ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 21.77 ઈંચ (544.31 મિમિ - 66.46%), સૌરાષ્ટ્રમાં 16.63 ઈંચ (415.69 મિમિ - 54.54%), અને ઉત્તર ગુજરાતમાં 14.99 ઈંચ (374.63 મિમિ - 51.29%) વરસાદ નોંધાયો છે. કચ્છ પ્રદેશમાં હાલ સુધીમાં 5.81 ઈંચ (145.20 મિમિ - 29.05%) વરસાદ નોંધાયો છે.
10 તાલુકા જ એવા છે જ્યાં સરેરાશ 5 ઈંચ જ વરસાદ
રાજ્યના કુલ 251 તાલુકાઓમાંથી મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. કુલ 35 તાલુકાઓ એવા છે જ્યાં મોસમનો કુલ વરસાદ 40 ઈંચ (1000 મિમિ) કરતાં વધુ પડી ચૂક્યો છે. આ સિવાય, 80 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ (501-1000 મિમિ), 117 તાલુકાઓમાં 10 થી 20 ઈંચ (251-500 મિમિ), અને 26 તાલુકાઓમાં 5 થી 10 ઈંચ (126-250 મિમિ) વરસાદ નોંધાયો છે. રાજ્યમાં માત્ર 10 તાલુકા જ એવા છે જ્યાં 5 ઈંચ (125 મિમિ)થી ઓછો વરસાદ નોંધાયો છે.

નર્મદા ડેમ 78.35 ટકા ભરાયો
વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 2,61,755 એમસીએફટી જળસંગ્રહ ઉપલબ્ધ છે, જે તેની કુલ ક્ષમતાના 78.35% છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 3,49,403 એમસીએફટી જળસંગ્રહ થયેલ છે, જે ક્ષમતાના 62.63% છે. હાલમાં 34 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. મોરબીનો બ્રાહ્મણી અને મચ્છુ-2, ભાવનગરનો શેત્રુંજી તથા નવસારીના જૂજ અને કેલિયા ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે.
- 100% સંપૂર્ણ ભરાયેલા (ઓવરફ્લો) ડેમ: 27
- 70% થી 100% ભરાયેલા ડેમ: 26
- 50% થી 70% ભરાયેલા ડેમ: 34
ખેતીવાડી (ખરીફ વાવેતર) કેટલું?
રાજ્યમાં હાલ સુધીમાં કુલ 67.49 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 79.10% જેટલું છે. તેમાં મગફળી (103.76%), સોયાબીન (104.55%), ડાંગર (72.73%) અને કપાસ (87.58%)નું વાવેતર મુખ્ય છે.









