સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર પાલિકાઓની ગ્રાન્ટ કપાશે: ફ્લાઇંગ સ્ક્વોડના રિયાલિટી ચેક બાદ રાજ્ય સરકારનો કડક આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Government On Municipality Cleanliness Negligence: ગુજરાતના શહેરોમાં કચરાના ઢગલા, GVP(ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ) અને જાહેર સ્થળોની ગંદકી હવે માત્ર સ્વચ્છતા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મળતી સરકારી ગ્રાન્ટ સાથે સીધી રીતે જોડાઈ ગઈ છે. સ્વચ્છ ભારત મિશન અર્બનની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ સ્પોટ ચેકિંગ દરમિયાન વિવિધ શહેરોમાં ગંદકી અને વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવ્યા બાદ નાણા વિભાગ દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કડક અલ્ટીમેટમ પાઠવવામાં આવ્યું છે.
ગંદકી જણાશે તો અટકાવાશે સરકારી ગ્રાન્ટ
નાણા વિભાગ દ્વારા રાજ્યની તમામ પાલિકાઓને પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો ફ્લાઇંગ સ્ક્વોડની તપાસમાં સ્વચ્છતા સંબંધિત કોઈ પણ ક્ષતિ કે બેદરકારી જણાશે, તો સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટ રોકી દેવામાં આવશે. એટલે કે, હવે જો સ્વચ્છતા કામગીરીમાં કોઈ ‘ગેપ’ રહી જશે તો તેની સીધી ફટકાર પાલિકાઓના વિકાસ કામો માટે મળતાં સરકારી ભંડોળ પર પડશે.
પાલિકાઓ માટે કયા નિયમોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું?
- 100% ડોર-ટુ-ડોર કલેક્શન અને પ્રોસેસિંગ: શહેરી વિસ્તારોમાં 100 ટકા કચરાનું કલેક્શન અને દરરોજ એકત્ર થતાં કચરાનું યોગ્ય પ્રોસેસિંગ થાય તે માટે તુરંત વ્યવસ્થા ઊભી કરવા આદેશ કરાયો છે.
- વિઝિબલ ક્લીનલિનેસ અને GVP મુક્ત શહેર: શહેરમાં જાહેર સ્થળો પર કચરો એકત્ર થતો હોય તેવા GVP પોઇન્ટ્સ સંપૂર્ણપણે નાબૂદ કરી ‘વિઝિબલ ક્લીનલિનેસ’ (આંખે ઊડીને વળગે તેવી સ્વચ્છતા) જાળવવી પડશે.
- લેગેસી વેસ્ટનો નિકાલ અને જમીનનો ઉપયોગ: વર્ષોથી પડેલા જૂના કચરા(લેગેસી વેસ્ટ)નો 100 ટકા નિકાલ કરી ડમ્પ સાઇટ મુક્ત બનાવવાનું લક્ષ્ય અપાયું છે. માત્ર કચરો હટાવવાથી કામ પૂરું નહીં થાય, પરંતુ ખુલ્લી થયેલી જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવો પણ ફરજિયાત રહેશે.
- હાઇ-ટ્રાફિક ઝોન પર વિશેષ નજર: શહેરના પ્રવેશદ્વારો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થાનો અને વધુ ભીડભાડ વાળા વિસ્તારો(CTU)માં ગંદકી ન દેખાય તે માટે ઝોનવાર વિશેષ ગોઠવણ કરવી પડશે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રની જવાબદારી નક્કી
આ આદેશમાં સ્વચ્છતાની જવાબદારી માત્ર મ્યુનિસિપલ કમિશનરો કે ચીફ ઑફિસરો પૂરતી મર્યાદિત નથી રખાઈ. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને ‘લીડ ફેસિલિટેટર’ તરીકે ભૂમિકા ભજવવા અને દિવસમાં ઓછામાં ઓછું એક વખત પોતાના વિસ્તારની ફિલ્ડ વિઝિટ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટી, સામાન્ય સભા અને કમિશનર/ચીફ ઑફિસર સાથેની સમીક્ષા બેઠકોમાં સ્વચ્છતાના મુદ્દાને પ્રાથમિકતા પર રાખવા આદેશ કરાયો છે.
ટૂંકમાં, ફ્લાઈંગ સ્ક્વોડના ચોંકાવનારા રિપોર્ટ બાદ હવે રાજ્યની તમામ પાલિકાઓ માટે ગ્રાન્ટ મેળવવા માટે સ્વચ્છતાનું સરકારી ધોરણ જાળવવું અનિવાર્ય બની ગયું છે.






