Gandhinagar

GIDC પ્લોટ ધારકો માટે મોટા સમાચાર: MSME ઉદ્યોગો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત આપતી એમ્નેસ્ટી સ્કીમ જાહેર

By GS Team
1 Sep 20264 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે GIDCના ઔદ્યોગિક પ્લોટના જૂના વ્યવહારોમાં બાકી સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટીમાંથી MSME ઉદ્યોગોને રાહત આપવા 'એમ્નેસ્ટી સ્કીમ' જાહેર કરી છે. આ યોજના હેઠળ 30 જૂન, 2025 સુધીના પાત્ર વ્યવહારોમાં 80% સુધીની સ્ટેમ્પ ડ્યુટી માફ થશે. આથી ઉદ્યોગકારોને આર્થિક રાહત મળશે અને પારદર્શિતા વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

GIDC પ્લોટ ધારકો માટે મોટા સમાચાર: MSME ઉદ્યોગો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત આપતી એમ્નેસ્ટી સ્કીમ જાહેર
AI તસવીર

Gujarat GIDC Stamp Duty Relief Amnesty Scheme: રાજ્ય સરકારે તારીખ 02 એપ્રિલ 2025થી ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958માં સંકલિત સુધારા કર્યા છે. તે અંતર્ગત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ-39(1)(ખ)માં થયેલા સુધારા મુજબ, જો પક્ષકાર લેખ ઉપર યોગ્ય ડ્યુટી કે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવા માટે અસલ લેખ સ્વેચ્છાએ રજૂ કરે, તો લેખ સહી થયાની તારીખથી પ્રત્યેક માસ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 2% સાદા વ્યાજની રકમ લેખે, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 4 ગણાથી વધુ ન હોય તેટલી દંડની રકમ વસૂલવામાં આવે છે. જો સરકારી તંત્ર દ્વારા તપાસ કરીને લેખ જપ્ત કરવામાં આવ્યો હોય, તો લેખ સહી થયાની તારીખથી પ્રત્યેક માસ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 3% સાદા વ્યાજની રકમ લેખે, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 6 ગણાથી વધુ ન હોય તેટલા દંડની રકમ વસૂલવાની જોગવાઈ તારીખ 10 એપ્રિલ 2025થી રાજ્યમાં અમલી બની છે.

જેના પરિણામે જ્યારે વર્તમાન માલિકને લોન કે અન્ય જરૂરિયાત માટે લીઝ ડીડ કરવાની થાય, ત્યારે અગાઉના તમામ વ્યવહારોની ખૂટતી ડ્યુટી અસહ્ય દંડ સાથે ભરવાનું ભારણ તેમના પર આવે છે. આ સંદર્ભમાં રાજ્યના ઉદ્યોગકારો અને GIDC એસોસિએશન્સ તરફથી મળેલી રજૂઆતોનો ધ્યાને રાખી ગુજરાત સરકારે GIDCના ઔદ્યોગિક પ્લોટના અગાઉના તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટી અને તેના પર લાગતી પેનલ્ટીના બોજમાંથી પાત્ર MSME ઉદ્યોગોને રાહત આપવા GIDC એમ્નેસ્ટી સ્કીમ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ યોજનાના પરિણામે જૂના વ્યવહારોના કારણે હાલના પ્લોટ ધારકો પર આવી પડેલું ભારે સ્ટેમ્પ ડ્યુટી તેમજ પેનલ્ટીનું ભારણ હળવું થશે.

GIDC એમ્નેસ્ટી સ્કીમ શું છે?

GIDCના પ્લોટ ધારકો દ્વારા ભૂતકાળમાં ઔદ્યોગિક પ્લોટ અથવા શેડની ફાળવણી વખતે અનેક કિસ્સાઓમાં રજિસ્ટર્ડ દસ્તાવેજના બદલે એલોટમેન્ટ લેટર, સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ વગેરે દસ્તાવેજો કરવામાં આવ્યા હતા. પરિણામે અગાઉના તબક્કાના કેટલાક વ્યવહારોમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થઈ શકી ન હતી. આવા જૂના વ્યવહારોમાં હાલના માલિકને લીઝ ડીડ અથવા અન્ય જરૂરી દસ્તાવેજની નોંધણી કરાવતી વખતે અગાઉના વ્યવહારોની બાકી સ્ટેમ્પ ડ્યુટી તેમજ ભારે દંડ ભરવાનો પ્રશ્ન ઊભો થતો હતો. આ સંદર્ભમાં ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનો તરફથી રાજ્ય સરકારને મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને આ પ્રશ્નના વ્યવહારુ ઉકેલ માટે એમ્નેસ્ટી યોજના શરૂ કરવામાં આવશે.

MSME ઉદ્યોગકારોને મળશે 80% સુધીની સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

આ યોજના મુજબ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80% સુધીની રકમ માફ કરીને માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી તથા લાગુ પડતી પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ છે. પરંતુ, જ્યાં 20% સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછી થતી હોય તેવા કિસ્સામાં મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલ થાય તે રીતે રાહતનો લાભ આપવામાં આવશે. ભૂતકાળના વ્યવહારોના કારણે વર્તમાન પ્લોટધારકો પર પડતા મોટા નાણાકીય ભારણમાં આના પરિણામે નોંધપાત્ર ઘટાડો થશે.

કોને લાભ મળશે?

એમ્નેસ્ટી સ્કીમનો લાભ મુખ્યત્વે MSME પ્રકારના ઉદ્યોગો, એટલે કે માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા એકમોને આપવાનો પ્રસ્તાવ છે. આ યોજના હેઠળ તારીખ 30 જૂન, 2025 સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા/પેટા ભાડાપટ્ટા તથા મિલકતની તબદીલી સંબંધિત અન્ય પાત્ર વ્યવહારોનો સમાવેશ કરાશે.

નોંધણી ફરજિયાત રહેશે

આવી રાહતનો લાભ મેળવનારા વર્તમાન ફાળવણીદારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટી તથા પેનલ્ટીની રકમ ભરવાની રહેશે અને સંબંધિત મિલકતની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. આથી, એક તરફ ઉદ્યોગકારોને નાણાકીય રાહત મળશે અને બીજી તરફ મિલકતના વ્યવહારોને કાયદેસર તથા પારદર્શક નોંધણી વ્યવસ્થા હેઠળ લાવવામાં મદદ મળશે.

અપીલ અને કોર્ટ કેસોમાં પણ ઉકેલની તક

GIDC સંબંધિત સ્ટેમ્પ ડ્યુટીના કિસ્સાઓમાં જ્યાં સક્ષમ સત્તા સમક્ષ અપીલ કરવામાં આવી હોય અને નિયમ મુજબ 25% રકમ જમા કરાવવામાં આવી હોય, તેવા પાત્ર કિસ્સાઓમાં નિર્ધારિત શરતોને આધીન આ યોજનાનો લાભ મળી શકશે. તે જ રીતે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હોય તેવા કિસ્સાઓમાં, પિટિશન પરત ખેંચવાની શરતે પાત્રતા મુજબ યોજનાનો લાભ મેળવવાની જોગવાઈનો પ્રસ્તાવ છે.

1 જાન્યુઆરી, 2018 પૂર્વેના વ્યવહારો માટે પણ વિશેષ રાહત

તારીખ 01/01/2018 પહેલાં થયેલી તબદીલીઓના કિસ્સામાં અગાઉની તબદીલીઓ પૈકી છેલ્લી તબદીલીના લેખ ઉપર નક્કી થતી બજાર કિંમતને આધારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત આપીને બાકીની 20% ડ્યુટી તથા લાગુ પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ છે. એટલું જ નહીં, તારીખ 01/01/2018 કે ત્યારબાદ થયેલી તબદીલીઓમાં સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાપાત્ર થતી હોય તેવા તમામ કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80% રાહત આપીને 20% ડ્યુટી તથા લાગુ પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ આ યોજનામાં છે.

ગુજરાત સરકારે કરેલી આ પહેલથી જૂના બાકી વ્યવહારોના કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો વ્યવહારુ ઉકેલ લાવવામાં મદદ મળશે. ઉદ્યોગકારોને નાણાકીય રાહત મળવાની સાથે લાંબા સમયથી બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત પણ ઝડપી બની શકશે. સાથોસાથ મિલકતના વ્યવહારોની કાયદેસરની નોંધણી થવાથી વ્યવહારોમાં પારદર્શકતા અને નિયમિતતા વધશે તથા રાજ્યમાં નવા ઉદ્યોગો સ્થાપવા અને વર્તમાન ઉદ્યોગોના વિસ્તરણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું થઈ શકશે.