દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે ગુજરાતના માછીમારોની પહેલ: દેશમાં પહેલીવાર વાપરશે 'ટર્ટલ એક્સક્લુડર ડિવાઈસ'!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Fishermen Turtle Excluder Device: ગાંધીનગર: દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સીફૂડ નિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાઈ કાચબાઓના સંરક્ષણ માટે ગુજરાતના માછીમારો દેશમાં પહેલીવાર 'ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ' (TED) નો ઉપયોગ કરશે. હવે આ આધુનિક ઉપકરણ માછીમારી દરમિયાન જાળમાં ફસાયેલા દરિયાઈ કાચબાઓને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મદદરૂપ બનશે.
TED લગાવવાનો પ્રારંભ કરાશે
દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. મત્સ્યક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ (PMMSY) અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સીફૂડ નિકાસ ક્ષેત્રને નવી વૈશ્વિક ઓળખ આપવા રાજ્ય સરકાર દ્વારા માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) લગાવવાનો પ્રારંભ કરવામાં આવશે.
આ યોજના હેઠળ રાજ્યના 8,925 માછીમારોને 100 ટકા સરકારી સહાય સાથે વિનામૂલ્યે TED પૂરાં પાડવામાં આવશે. કુલ 20.96 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી દરિયાઈ જીવસૃષ્ટિના જતનની સાથે ગુજરાતના સીફૂડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજારના દ્વાર વધુ મોકળા થશે.
TEDના ઉપયોગથી કાચબાઓ પરનું જોખમ ઘટશે
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા દ્વારા દરિયામાંથી પકડાતા ભારતીય ઝીંગા (વાઇલ્ડ કોટ શ્રિમ્પ)ની આયાત પર અંકુશ મૂકવામાં આવ્યો હતો. માછીમારી દરમિયાન દરિયાઈ કાચબાઓને થતું જોખમ આ અંકુશનું મુખ્ય કારણ હતું. હવે TEDના ઉપયોગથી કાચબાઓ પરનું જોખમ ઘટશે અને આંતરરાષ્ટ્રીય સ્તરના જરૂરી પ્રમાણપત્રો મેળવવાનું સરળ બનશે. પરિણામે અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતના ઝીંગાની નિકાસ પુનઃ શરૂ થશે, જે રાજ્યના માછીમારો અને સીફૂડ નિકાસકારોની આવકમાં વધારો કરશે.
ભારત સરકાર દ્વારા દેશભરમાંથી સૌથી વધુ 8,925 TED યુનિટ્સ એકમાત્ર ગુજરાત માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ TEDનું વિશિષ્ટ મોડેલ ICAR - સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી (કોચી) દ્વારા અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ના વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.
TEDએ ઝીંગા પકડવાની ટ્રોલનેટમાં લગાડવામાં આવતું એક વિશિષ્ટ સાધન છે, જે ઝીંગાને જાળીમાં રાખી કાચબા જેવા મોટા દરિયાઈ જીવોને ‘એક્ઝિટ ફ્લેપ’ દ્વારા સુરક્ષિત બહાર નીકળવાનો માર્ગ આપે છે. આ ટેકનોલોજીના કારણે દરિયાઈ કાચબાઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થશે.




