Gandhinagar

ગુજરાતની ખાનગી સ્કૂલ-કોલેજોમાં NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે, ઠરાવ પસાર કરાયો

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે ખાનગી શાળાઓ-કોલેજોના NCC વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાષ્ટ્રીય NCC કેમ્પોમાં ભાગ લેનાર ખાનગી શાળા-કોલેજના વિદ્યાર્થીઓનો 100% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. અત્યાર સુધી સરકારી શાળાના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર સહાય કરતી હતી, પરંતુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ સ્વખર્ચે જવું પડતું હતું. આ નિર્ણયથી આર્થિક બોજને કારણે કેમ્પમાં ન જોડાઈ શકતા તેજસ્વી વિદ્યાર્થીઓને સમાન તક મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની ખાનગી સ્કૂલ-કોલેજોમાં NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે, ઠરાવ પસાર કરાયો

NCC Students In Gujarat: સરકારી સ્કૂલો અને કોલેજોના એનસીસી સ્ટુડન્ટસને વિવિધ નેશનલ કેમ્પોમાં ભાગ લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચની ચુકવણી કરવામાં આવે છે. જો કે ખાનગી સ્કૂલો-કોલેજોના એનસીસીના વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચે જવુ પડતુ હોય છે અથવા તો ખર્ચ ખાનગી સ્કૂલ-કોલેજે ભોગવવો પડતો હોય છે. પરંતુ હવે રાજ્ય સરકાર ખાનગી સ્કૂલો-કોલેજોના એનસીસી વિદ્યાર્થીઓ માટે કેમ્પનો તમામ 100 ટકા ખર્ચ ભોગવશે. આ માટે રાજ્ય સરકારે ઠરાવ પણ કરી દીધો છે.

સરકારી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને કેમ્પ માટે ખર્ચ કેન્દ્ર આપે છે પણ ખાનગીમાં અપાતો ન હતો

ગુજરાતની સરકારી સ્કૂલો અને કોલેજોના નેશનલ કેડેટ કોર્પ્સ(એનસીસી)ના રાષ્ટ્રીય કેમ્પો જેવા કે રીપબ્લિક ડે કોન્ટિન્જેન્ટ, થલ સૈનિક કેમ્પ, યુથ એકસચેન્જ પ્રોગ્રામ, વાયુ સૈનિક કેમ્પ, નેવી સૈનિક કેમ્પ તેમજ અન્ય રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ-કામગીરીમાં સ્કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓ પસંદગી પામે ત્યારે સરકારી સ્કૂલો અને કોલેજોના એનસીસી વિદ્યાર્થીઓને આ તમામ કેમ્પોમાં જવા માટે મિસિંગ, ટ્રાવેલિંગ જર્ની રેશન, ઈન્સિડેન્ટલ, પીઓએલ ચાર્જીસ સહિતના કેમ્પ ભથ્થા કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. પરંતુ રાજ્યની ખાનગી સ્કૂલો અને કોલેજોના એનસીસી કેડેટ્સ-સ્ટુડન્ટસને આવા નેશનલ કેમ્પોમાં જવા માટે કોઈ પણ પ્રકારનું ભથ્થુ આપવામાં આવતુ નથી. જેથી તમામ ખર્ચ વિદ્યાર્થીઓ-કેડેટ્સ પોતે ભોગવે છે. રાષ્ટ્રીય કક્ષાના કેમ્પોની પસંદગી પ્રક્રિયા માટે કેડેટ્સે અંદાજે ૪થી૫ સ્પર્ધાત્મક કેમ્પોમાં ભાગ લેવાનો હોય છે.

ખાનગી કોલેજો-સ્કૂલોના તેજસ્વી એનસીસી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યા હોવા છતાં આર્થિક ભારણના કારણે ભાગ લેવા અનિચ્છા દર્શાવતા હોય છે. આથી રાજ્યના તમામ એનસીસી વિદ્યાર્થીઓને સમાન તક મળે તે માટે રાજ્ય સરકારે ખાનગી સ્કૂલો અને કોલેજોના એનસીસી વિદ્યાર્થીઓને વિવિધ કેમ્પોમાં જવા માટે ખર્ચ આપવાનો નિર્ણય કર્યો છે.

સરકારના શિક્ષણ વિભાગે આ માટે ઠરાવ પણ કર્યો છે અને જે મુજબ ખાનગી સ્કૂલો-કોલેજોના કેડેટસની માફક જ ભથ્થા મંજૂર કરવામાં આવશે. આ માટે એનસીસી નિયામક કચેરી દ્વારા સરકારને દરખાસ્ત પણ કરાઈ હતી. આ મંજૂરી અન્વયે થનાર ખર્ચનો ૧૦૦ ટકા હિસ્સો રાજ્ય સરકાર જ ભોગવશે. આમ હવે રાજ્યમાં એનસીસીમાં જોડાતા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.