ગાંધીનગર: રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું, 10થી વધુ ઓપરેશન બાદ દીપડો ફરી હરતો-ફરતો થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Leopard Treatment: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં કરોડરજ્જુમાં ગંભીર ઈજા પામેલો એક દીપડો ગાંધીનગર સ્થિત ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા મહિનાઓ સુધી આપવામાં આવેલી વિશેષ પશુચિકિત્સા સારવાર અને 10થી વધુ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડી પુનર્વસન બાદ ફરી વખત હરતો-ફરતો થયો છે.
19મી જાન્યુઆરીના રોજ અકસ્માતમાં દીપડો ઇજાગ્રસ્ત થયો હતો
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 19મી જાન્યુઆરી, 2026ના રોજ ખેરંચા-ખોડંબા હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતમાં દીપડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. વન વિભાગની રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત રીતે દીપડાને બચાવી તેને વિભાગીય સુવિધા કેન્દ્રમાં ખસેડ્યો હતો, જ્યાં પશુપાલન વિભાગના વેટરનરી અધિકારીઓએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.
દીપડાનાં પાછળનાં બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા
દીપડાની સ્થિતિ અત્યંત ગંભીર હતી. દીપડાનાં પાછળનાં બંને પગ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તે ઊભો થઈ શકતો ન હતો અને આગળના પગની મદદથી પાછળના શરીરના ભાગને ઘસડતો હતો. તેની ન્યુરોલોજિકલ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને અદ્યતન તપાસ અને વિશેષ વન્યજીવ પશુચિકિત્સા સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો.
20મી જાન્યુઆરીએ અરવલ્લી વન વિભાગે GEER ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દીપડાને હિંમતનગરના રાજપુર ખાતે આવેલી કામધેનુ યુનિવર્સિટીના રેફરલ સેન્ટર, ટીચિંગ વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સમાં રેડિયોગ્રાફિક તપાસ માટે લઈ જવાયો હતો. તપાસ પહેલાં દીપડાને સાવચેતીપૂર્વક એનેસ્થેશિયા આપવામાં આવ્યું હતું. રેડિયોગ્રાફમાં L7-S1 વિસ્તારમાં ગંભીર ટ્રોમેટિક લંબોસેક્રલ ફ્રેક્ચર-સબલક્સેશન જોવા મળ્યું હતું, જેમાં લંબોસેક્રલ આર્ટિક્યુલર ભાગો પણ અસરગ્રસ્ત હોવાની શક્યતા જણાઈ હતી. આ વિસ્તાર પાછળના પગ, પૂંછડી અને પેલ્વિક વિસ્તારની કામગીરી સાથે સંકળાયેલા ચેતાતંતુઓના મૂળ સાથે નજીકથી જોડાયેલો છે. આ ઈજાના કારણે દીપડાને ગંભીર લકવો થયો હતો અને તે ઊભો થઈ શકતો ન હતો.

કરોડરજ્જુની ઈજા સાથે દીપડાને અન્ય અનેક ઈજાઓ પણ થઈ હતી, જેમાં નીચલા જડબાની ગંભીર ઈજાનો સમાવેશ થાય છે. તેના નીચલા હોઠ ઢળી ગયા હતા, મોઢા અને પેઢાની પેશીઓને ગંભીર નુકસાન થયું હતું અને ચેપ પણ લાગ્યો હતો. શરૂઆતમાં તેને ખોરાક અને પાણી લેવામાં પણ ભારે મુશ્કેલી પડતી હતી, જેના કારણે તેની ન્યુરોલોજિકલ ઈજાઓનું જોખમ વધુ વધી ગયું હતું.
લકવાગ્રસ્ત દીપડાને ગાંધીનગરનાં ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે લાવવામાં આવ્યો અને ત્યારબાદ GEER ફાઉન્ડેશનની વેટરનરી ટીમે આ દીપડા માટે ખાસ ટ્રીટમેન્ટ કેજમાં તેને રાખવાનું નક્કી કર્યું. જેથી તેને સુનિયંત્રિત અને ઓછા તણાવવાળું વાતાવરણ પૂરું પાડી શકાય. યથાશક્ય માનવીય સંપર્કને ટાળી દૂરથી જ તેના પર સતત નજર રાખવામાં આવતી હતી. લંબોસેક્રલ વિસ્તારમાં વધુ ઈજા ન થાય અને ઝડપથી રિકવરી આવે તે માટે તેના હલનચલન પર પણ નિયંત્રણ રાખવામાં આવતું હતું. વેટરનરી ટીમે દરરોજ સઘન સારવાર સાથે શરીરની યોગ્ય સ્થિતિ જાળવવી, નિયંત્રિત પોઝિશનિંગ, પોષણક્ષમ આહાર અને સપ્લિમેન્ટેશન સહિતની સારવાર આપી.
થોડા જ દિવસોમાં દીપડામાં સ્વસ્થ થવાના સંકેતો દેખાવા લાગ્યા હતા. ત્રણ દિવસમાં તેણે પોતાની ઇચ્છાથી ખોરાક અને પાણી લેવાનું શરૂ કર્યું. પાંચમા દિવસે તેણે સામાન્ય રીતે પેશાબ અને મળત્યાગ કરવાનું શરૂ કર્યું. એક સપ્તાહની અંદર તેની શક્તિ અને વર્તનમાં સુધારો જોવા મળ્યો અને નજીક આવતા કર્મચારીઓ પ્રત્યે તેની આક્રમક તથા રક્ષણાત્મક પ્રતિક્રિયાઓ ફરી જોવા મળી.

લગભગ 20 દિવસ બાદ દીપડાએ આગળના પગની મદદથી પોતાના શરીરને ઊંચું કરવાનું શરૂ કર્યું. આશરે 40મા દિવસે તે ચારેય પગ પર ઊભો રહેવા સક્ષમ બન્યો, જોકે પાછળના પગ પર વજન મૂકવામાં હજુ મુશ્કેલી પડતી હતી. લગભગ 50માં દિવસે તેની શરીરની મુદ્રા વધુ કુદરતી બની ગઈ હતી. આશરે બે મહિના બાદ તેણે સારવાર માટેના વાડામાં ચાલવાનું શરૂ કર્યું. અકસ્માતના લગભગ બે મહિના અને 15 દિવસ બાદ તેણે શરીરની કુદરતી મુદ્રા અને સામાન્ય ચાલ ફરી મેળવી લીધી.
દીપડાને નવજીવન મળ્યુ પણ ફરી કુદરતી વાતાવરણમાં નહી ફરી શકે.
નોંધપાત્ર સ્વસ્થતા છતાં દીપડામાં હજુ પણ શરીરની મુદ્રામાં થોડું વિચલન અને પૂંછડી ઢળી જવાની સમસ્યા જોવા મળે છે, જે કરોડરજ્જુની ઈજાની કેટલીક અવશેષ અસરો દર્શાવે છે. જંગલમાં શિકાર કરવાની, હલનચલન કરવાની, પોતાના વિસ્તારનું રક્ષણ કરવાની તેમજ અન્ય જોખમોથી બચવાની ક્ષમતામાં તેને પડકારો આવી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તેને ફરી મુક્ત કુદરતી વાતાવરણમાં ન છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇન્દ્રોડા નેચર પાર્કમાં કુદરતી વાતાવરણમાં જીવન જીવશે દીપડો
દીપડાને હાલ ઇન્દ્રોડા નેચર પાર્કમાં જ રાખવામાં આવ્યો છે, જ્યાં તે યોગ્ય સંભાળ અને દેખરેખ હેઠળ કુદરતી વાતાવરણને અનુરૂપ પરિસ્થિતિમાં જીવન જીવી શકશે. આ સમગ્ર ઘટના એ વાતને ઉજાગર કરે છે કે સમયસર બચાવ, અદ્યતન નિદાનાત્મક ઇમેજિંગ, વિશેષ વન્યજીવ પશુચિકિત્સા સારવાર અને લાંબા ગાળાનું પુનર્વસન ગંભીર રીતે ઇજાગ્રસ્ત વન્યજીવોને જીવનની બીજી તક આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.









