Gandhinagar

ગુજરાત ભાજપ અને સરકારમાં ફફડાટ... હર્ષ સંઘવી, રિવાબા, વાઘાણી, મહિડા, બાવળિયા સહિતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા

By GS Team
31 Aug 20264 mins read
TukuTouch Logo
ગુજરાતમાં મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતા ઘટી રહી છે. હર્ષ સંઘવી, રિવાબા જાડેજા, જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા સહિતના મંત્રીઓના ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પરથી લાખો ફોલોઅર્સ ઘટ્યા છે. પ્રજાના પ્રશ્નો અવગણી રીલ્સ બનાવતા મંત્રીઓને લોકોએ સોશિયલ મીડિયા પર જાકારો આપ્યો છે, જે આગામી ચૂંટણીમાં ભારે પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત ભાજપ અને સરકારમાં ફફડાટ... હર્ષ સંઘવી, રિવાબા, વાઘાણી, મહિડા, બાવળિયા સહિતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા

Gujarat Government Ministers See Follower Drop on Social Media: જનતાના પ્રશ્નો હલ કરવાને બદલે સોશિયલ મીડિયા પર 'રીલ્સના રાજા' બનવા નીકળેલા મંત્રીઓને ગુજરાતની જનતાએ અસલી અરીસો બતાવી દીધો છે. સચિવાલયની એસી કેબિનોમાં બેસીને મોંઘા કેમેરા અને પ્રોફેશનલ પીઆર એજન્સીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચનારા મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતાનો કિલ્લો કડડભૂસ થઈ ગયો છે. એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, સંજય મહિડા, મોઢવાડિયા, કમલેશ પટેલ સહિત અન્ય મંત્રીના ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પરથી ફોલોઅર્સ રોકેટની ગતિએ ઘટી રહ્યા છે, જેને પગલે હવે સચિવાલયના ગલિયારા ઉપરાંત કમલમમાં ફફડાટ ફેલાયો છે.

પ્રજાના પ્રશ્નો અવગણતા મંત્રીઓને સોશિયલ મીડિયામાં જાકારો

એક તરફ દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં છે કે દેશની નવી પેઢી એટલે કે 'જેન-ઝી' મતદારો કેમ નારાજ છે? યુવા મતદારોને કેવી રીતે રીઝવવા તે મુદ્દે ભાજપ હેડક્વાર્ટસ પર બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મંત્રીઓને ડિજિટલ દુનિયામાંથી જાકારો મળી રહ્યો છે તેવું ચિત્ર ઉપસ્યું છે. એપ્રિલ 26થી માંડીને ઓગષ્ટ-26 સુધીમાં જ ઈન્સ્ટાગ્રામ પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દોઢેક લાખ ફોલોઅર્સ ઘટ્યાં છે. મહેસૂલ મંત્રી સંજય મહિડાના ફોલોઅર્સ પણ ઘટ્યા છે. જ્યારે મંત્રી મનિષા વકીલના પંદરેક હજાર ફોલોઅર્સ ઘટ્યાં છે.

ડીજીટલ દુકાન પર રિવાબા જાડેજાના સમર્થકોની સંખ્યા સૌથી વધુ ઘટી છે. પાંચેક લાખ ફોલોઅર્સ ઘટ્યાં છે. ટ્વિટર પર કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને વન-પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાના ચાહકોની સંખ્યા ઘટી છે. ફેસબુક પર મંત્રી કુંવરજી બાવળિયાના 21 હજાર જ્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલના 20 હજારથી વધુ ફોલોઅર્સ ઘટ્યાં છે. મંત્રી કમલેશ પટેલના પણ ફોલોઅર્સ ઘટ્યાં છે. ટૂંકમાં, ફેસબુક અને ટ્વિટર પર મંત્રીઓની લોકપ્રિયતા ઘટી છે.

આ કારણોથી મંત્રીઓના ફોલોઅર્સ ઘટી રહ્યા છે

જનતા હવે બધું સમજી ગઈ છે. જમીની હકીકત અને પ્રજાના પ્રશ્નોને અવગણીને માત્ર કેમેરા સામે એક્ટિંગ કરતા મંત્રીઓને યુવા મતદારોએ સોશિયલ મીડિયા પરથી જ ભગાડવાનું શરૂ કર્યું છે. આ કારણોસર મંત્રીઓના ઓફિશિયલ એકાઉન્ટ્સ પર રોજ ફોલોઅર્સ ઘટી રહ્યા છે. જનતાએ હવે મંત્રીઓને ડિજિટલ દુનિયા પર પણ પસંદ કર્યા નથી.

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ માટે હવે ધોમધખતા તાપમાં જનતાની વચ્ચે જઈને રસ્તા, પાણી, બેરોજગારી અને મોંઘવારીના સવાલોનો સામનો કરવાની હિંમત રહી નથી. પરિણામે, મંત્રીઓને હવે લોકોના પ્રશ્નો ઉકેલવા કરતા ફેસબુક- ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાનું 'ડિજિટલ ઘેલું લાગ્યું હતું. જનતા પોતાના હક્કના કામો માટે ગાંધીનગર સચિવાલયમાં ધક્કા ખાઈ રહ્યાં છે. મુલાકાતના દિવસે પણ મંત્રીઓ મિટીંગના નામે વ્યસ્તતાનો ડોળ કરી રહ્યાં છે. બીજી તરફ, પ્રજાના કામો કરવાને બદલે મંત્રીઓ કયા એન્ગલથી ચહેરો સારો દેખાશે, કઈ સ્લો-મોશન એન્ટ્રી રાખવી અને કયા ટ્રેન્ડિંગ મ્યુઝિક પર રીલ્સ બનાવવી તેની ‘વ્યૂહાત્મક બેઠકો’ કરી રહ્યાં છે.

20260831-268774-1788113906.jpeg

મંત્રીઓમાં અત્યારે ડિજિટલ લોકપ્રિયતા મેળવવાની હોડ જામી છે. સ્પર્ધા એ વાતની નથી કે કોણે પોતાના મત વિસ્તારના પ્રશ્નો વધુ ઉકેલ્યા, પણ સ્પર્ધા એ વાતની છે કે કોની રીલ્સ પર કેટલી ‘લાઈક્સ’ અને ‘વ્યૂઝ’ આવ્યા! સરકારનો જાણે નવો ફતવો હોય તેમ લોકોના પ્રશ્નો ઉકેલો કે ન ઉકેલો, પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો. પરંતુ હવે આ પોકળ ડિજિટલ પબ્લિસિટીની હવા નીકળી ગઈ છે.

વિપક્ષનો તીખો કટાક્ષ : આખી સરકાર જ ‘વર્ચ્યુઅલ’ છે

ઘટતા ફોલોઅર્સ મુદ્દે કોંગ્રેસ અને આપ નેતાઓએ કટાક્ષ કર્યો કે, રાજ્યમાં બેરોજગારી, સરકારી ભરતીના કૌભાંડો અને મોંઘવારીની અસલી રીલ્સ રોજ બની રહી છે, પણ મંત્રીઓ પોતાના ચહેરા પર ‘બ્યુટી ફિલ્ટર’ લગાવીને બધું સલામત હોવાનો ભ્રમ પેદા કરી રહ્યા છે. મંત્રીઓ પીઆર એજન્સીઓ પાછળ જનતાના ટેક્સના રૂપિયા ઉડાવી રહ્યા છે. મંત્રીઓ રીલ્સ જ બનાવવાને બદલે પ્રજાના વણઉકેલાયેલાં પ્રશ્નોનો ઉકેલ લાવે. હાલ તો આખી સરકાર જ ‘વર્ચ્યુઅલ’ છે તેવું લાગી રહ્યું છે.

અમે તમને વોટ આપ્યા હતા કે સબસ્ક્રાઇબ કર્યા હતા: જનતાનો સવાલ

ચૂંટણી ટાણે ગરીબોના પગે પડતા મંત્રીઓ સત્તા મળતા જ કેમેરામેનોના કાફલા સાથે ફરતા થઈ ગયા છે. સચિવાલયમાં ફાઈલોના નિકાલની જગ્યાએ હવે ‘વ્યૂઝ’ અને ‘રીચ’ની ચર્ચા થઈ રહી છે. આ જોઈ જનતા હવે સવાલ પૂછી રહી છે કે, અમે તમને વોટ આપ્યા હતા કે તમારી રીલ્સ જોવા સબસ્ક્રાઇબ કર્યા હતા? મંત્રી હજુ પણ ડિજિટલ મોહમાયામાંથી બહાર આવીને જમીની હકીકત નહી સ્વીકારે, તો જે જનતા આજે સોશિયલ મીડિયા પરથી ‘અનફોલો’ કરી રહી છે, તે જ જનતા આગામી ચૂંટણીમાં ઈવીએમ મશીન પરથી પણ કાયમ માટે ‘ડિલીટ’ કરતા અચકાશે નહીં.