ગાંધીનગર: સચિવાલયમાં હવે ઝડપથી થશે ફાઇલોનો નિકાલ, સરકારી કામકાજ ઝડપી બનાવવા લેવાયો મહત્ત્વનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Administration News: રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને વધુ ઝડપી, સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સચિવાલય સંવર્ગમાં સેક્શન ઓફિસર (વર્ગ-2) ના પદોની સંખ્યામાં વધારો કરવાનો સરકારે મનસૂબો જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના સત્તાવાર ઠરાવ અનુસાર, સેક્શન ઓફિસરના મંજૂર થયેલા પદોની સંખ્યા 606 થી વધારીને હવે 634 કરવામાં આવી છે. આ નિર્ણયથી વિવિધ વિભાગોમાં ફાઈલોના નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે, નીતિગત નિર્ણયોનું અમલીકરણ વેગવંતુ થશે અને સામાન્ય નાગરિકોના વહીવટી કામો ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે.
CMO સહિત 26 વિભાગોને મળશે વધારાનું કાર્યબળ
નવી કેડર રચના અંતર્ગત મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સહિત રાજ્યના 26 મહત્ત્વના વિભાગો અને 19 સરકારી કચેરીઓને વધારાનું માનવબળ (માનવ સંસાધન) મળશે. મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત તકેદારી પંચ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મહત્ત્વની કચેરીઓ માટે હંગામી પદો ઊભા કરવામાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર આ કચેરીઓ માટે ડેપ્યુટેશન રિઝર્વની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
વધતા કાર્યભારને ધ્યાનમાં રાખીને નિર્ણય
છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારની વધતી જતી કલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને તેના કારણે વધતા વહીવટી કાર્યભારને ધ્યાનમાં રાખીને કેડર સ્ટ્રેન્થની સઘન સમીક્ષા કરવામાં આવી રહી હતી. આ સમીક્ષાના અંતે જ પદોની સંખ્યામાં વધારો કરવાનો આ વહીવટી સુધારા લક્ષી નિર્ણય લેવાયો છે, જેથી તમામ વિભાગો વચ્ચે પરસ્પર નિર્ણય પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બની શકે.
86 નાયબ સેક્શન અધિકારીઓને પ્રમોશન
આ વહીવટી સુધારાના ભાગરૂપે રાજ્ય સરકારે ચાલુ વર્ષ દરમિયાન સચિવાલય સંવર્ગના 86 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO - વર્ગ-3)ને બઢતી (પ્રમોશન) આપીને સેક્શન ઓફિસર (વર્ગ-2) તરીકે નિયુક્ત કર્યા છે. નવા પદોની મંજૂરી અને આ બઢતીના કારણે સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓની ઉપલબ્ધતા વધશે, જે આખરે સરકારી તંત્રની કાર્યક્ષમતામાં વધારો કરશે.









