Gandhinagar

ગુજરાતમાં રોજગાર મોડેલ ફ્લોપ : ફક્ત 1 હજાર ઉમેદવારોએ 'પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ' સ્વીકારી

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારની PM ઇન્ટર્નશીપ યોજના ગુજરાતમાં નિષ્ફળ રહી છે. 1 કરોડ યુવાનોને રોજગારી આપવાના લક્ષ્ય સામે, રાજ્યમાં 11,690 તકોમાંથી માત્ર 1,019 યુવાનોએ જ ઇન્ટર્નશીપ સ્વીકારી છે. ઓછું સ્ટાઇપેન્ડ, સ્થળાંતર અને જાગૃતિના અભાવે આ યોજના યુવાનોને આકર્ષવામાં નિષ્ફળ નીવડી છે. મોટા ઔદ્યોગિક તેમજ આદિવાસી વિસ્તારોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં રોજગાર મોડેલ ફ્લોપ : ફક્ત 1 હજાર ઉમેદવારોએ 'પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ' સ્વીકારી

PM Internship Scheme Failed: કેન્દ્ર સરકારે દેશના 1 કરોડ યુવાનોને રોજગારી અને કૌશલ્ય વિકાસના અવસરો આપવાના લક્ષ્ય સાથે 'પીએમ ઈન્ટર્નશીપ યોજના' શરૂ કરી હતી. આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં યુવાનોને તૈયાર કરવાનો પ્લાન હતો. જોકે, ગુજરાતમાં આ યોજનાના આંકડા ખૂબ જ નિરાશાજનક રહ્યા છે. રાજ્યમાં કુલ 11,690 ઈન્ટર્નશીપની તકો જાહેર કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 4,541 ઉમેદવારોને ઓફર મળી હતી અને તેમાંથી પણ માત્ર 1,019 યુવાનોએ જ ઈન્ટર્નશીપનો સ્વીકાર કર્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે આ સરકારી યોજના યુવાનો સુધી યોગ્ય રીતે પહોંચવામાં અને તેમને આકર્ષવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

ઓછું સ્ટાઇપેન્ડ અને સ્થળાંતર નડ્યું

આ યોજનાના આંકડા દર્શાવે છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ અને કચ્છ જેવા મોટા ઔદ્યોગિક જિલ્લાઓમાં આશરે 60%થી 70% જેટલી ઈન્ટર્નશીપની તકો આપવામાં આવી હતી. તેમ છતાં, આ જ જિલ્લાઓમાં સૌથી વધુ રિજેક્શન અને સૌથી ઓછો જોઈનિંગ રેશિયો જોવા મળ્યો છે. ઉદ્યોગો હોવા છતાં યુવાનો આ તકો કેમ ઝડપી રહ્યા નથી તેનો જવાબ સ્પષ્ટ છે: ઓછું સ્ટાઇપેન્ડ, આકર્ષક સ્થાનિક રોજગારી, કોર્સ અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચેનો તફાવત તેમજ લાંબા અંતરનું સ્થળાંતર મુખ્ય અવરોધો બન્યા છે. બીજી તરફ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને અરવલ્લી જેવા પછાત જિલ્લાઓમાં આ યોજનાની સ્થિતિ વધુ ચિંતાજનક છે.

આદિવાસી જિલ્લાઓમાં નહિવત જોડાણ

આ પછાત અને આદિવાસી જિલ્લાઓમાં ઈન્ટર્નશીપની તકો, વિદ્યાર્થીઓની અરજીઓ અને જોડાણ ખૂબ જ નહિવત રહ્યું છે. તેનું મુખ્ય કારણ જાગૃતિનો અભાવ, ડિજિટલ સુવિધાઓની સમસ્યા, સ્થાનિક કૌશલ્ય અને કંપનીઓની જરૂરિયાત વચ્ચેનો મોટો તફાવત છે. આ ઉપરાંત, હોસ્ટેલ કે પરિવહનની કોઈ સરકારી સહાય ન હોવાથી મોટો પ્રશ્ન એ થાય છે કે દાહોદનો વિદ્યાર્થી છેક ભરૂચ કે કચ્છ સુધી ઈન્ટર્નશીપ કરવા કેવી રીતે જઈ શકે?

જિલ્લાવાર જવાબદારીનો મોટો અભાવ

બીજી તરફ, સરકારે રાજ્ય સ્તરના આંકડા તો બહાર પાડ્યા પણ જિલ્લાવાર નિષ્ફળતાની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. પરિણામે, કુલ 11,690 તકોમાંથી માત્ર 1,019 એટલે કે માંડ 8% ઈન્ટર્નશીપ જ સફળ રહી છે, જ્યારે 92% યુવાનો આ લાભથી વંચિત રહી ગયા છે. હવે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે સરકાર જિલ્લાવાર કામગીરીનો સંપૂર્ણ ડેટા કેમ જાહેર કરતી નથી? આદિવાસી જિલ્લાઓ માટે ખાસ આયોજન કેમ નથી અને વિદ્યાર્થીઓને હોસ્ટેલ તથા ભાડાની આર્થિક સહાય કેમ આપવામાં આવતી નથી?