ગુજરાતમાં ખેડૂતો પર બેવડો માર: વરસાદની ખેંચ વચ્ચે કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Crop Disease: ગુજરાતના ધરતીપુત્રો માટે આ વર્ષે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મુખ્ય રોકડિયા પાક ગણાતા મગફળી અને કપાસમાં હાલમાં રોગ અને જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ચોમાસાના પાછતરા વરસાદની ખેંચ વર્તાતા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
કપાસમાં ગુલાબી ઈયળ, સુકારાનો પ્રકોપ : મગફળીમાં ફૂગજન્ય રોગ, પાકને બચાવવા ખેડૂતોની આકાશ તરફ મીટ
ચાલુ વર્ષે કપાસના વાવેતર બાદ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ હાલમાં કપાસના પાકમાં ‘સુકારો’ (પેરા-વિલ્ટ) અને ગુલાબી ઈયળના લક્ષણો દેખાવા લાગ્યા છે. અનેક વિસ્તારોમાં કપાસના છોડ ઊભા-ઊભા સુકાઈ રહ્યા છે અને જીવાતના કારણે જીંડવાને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. કૃષિ નિષ્ણાતોના મતે જો સમયસર આ જીવાત પર કાબૂ મેળવવામાં નહીં આવે, તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે. કપાસની સાથોસાથ મગફળીના પાકની સ્થિતિ પણ નાજુક છે. જમીનમાં પૂરતો ભેજ ન હોવાના કારણે અને વાતાવરણના બદલાવને લીધે મગફળીમાં ફૂગજન્ય રોગો (જેવા કે મૂળખાઈ અને પાનના ટપકાં) જોવા મળી રહ્યા છે. લીલીછમ દેખાતી મગફળીના છોડ પીળા પડીને સુકાઈ રહ્યા હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે.
નર્મદાના પાણીની તાતી જરૂરિયાત, વરસાદની કાગડોળે રાહ
હાલ પૂરતા વરસાદના અભાવે ખેડૂતો કૂવા, બોર અથવા ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કિંમતી પાકને બચાવવા રાત-દિવસ મથામણ કરી રહ્યા છે. જો કે, ભૂગર્ભ જળના તળ નીચા જતાં સિંચાઈનું પાણી પણ ખૂટી રહ્યું છે. રાજ્ય સરકારની ‘સૌની યોજના’ કાગળ પર હોવાના આક્ષેપો સાથે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે નર્મદા નહેરનું પાણી તાત્કાલિક ધોરણે છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે.
હવે ખેડૂતોની તમામ આશા કુદરત પર ટકેલી છે. જો આગામી દિવસોમાં સાર્વત્રિક અને સારો વરસાદ ન થાય, તો જગતનો તાત આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જશે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.




