ગુજરાતી દિવસની ઉજવણી વચ્ચે સરકારની ઉદાસિનતા સામે આવી, ભાષા કચેરીમાં 8 વર્ષથી કાયમી નિયામક નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Language Office: ગુજરાતી ભાષાનું ગૌરવ એ દરેક ગુજરાતી માટે હોય છે, પરંતુ સરકારે પણ ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજીને હવે સૌથી મહત્ત્વની એવી ભાષા માટેની કચેરીને સ્ટાફ-સુવિધાઓ સજ્જ કરવાની જરૂર છે. જ્યારે ગુજરાત ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે સરકાર ઉદાસીન હોય તેવુ લાગી રહ્યુ છે. કારણકે ભાષા નિયામકની કચેરીમાં 8 વર્ષથી કાયમી નિયામક જ નથી અને અધિકારીઓ-કર્મચારીઓની 80 ટકા જગ્યાઓ ખાલી છે. જેમાં સૌથી મહત્ત્વની એવી ભાષાંતરકારોની 13 જગ્યાઓ પણ ચાર વર્ષથી ખાલી છે.
1960થી કાર્યરત કચેરી પણ સ્ટાફની અછત
ગુજરાતની 1960માં સ્થાપના થઈ અને મહારાષ્ટ્ર-મુંબઈથી અલગ થયુ ત્યારથી રાજ્યમાં ભાષા નિયામકની કચેરી અસ્તિત્વમાં છે. શરૂઆતના અનેક વર્ષો સુધી આ કચેરીમાં રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ ચાલતી હતી પરંતુ વર્ષ 2005થી રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ લાવવામાં આવી હતી. આ કચેરી રાજ્ય સરકારના વહીવટી વિભાગો માટે ભાષાંતરની કામગીરી તેમજ ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી શબ્દકોશો તૈયાર કરવા, પારિભાષિક શબ્દો પ્રમાણભૂત કરવા અને તેને વ્યવહારમાં લાવવા, ગુજરાતી ભાષાની પરીક્ષા લેવી તથા રોજિંદા પત્રવ્યવહારમાં ગુજરાતીના ઉપયોગ વિશે ખાતાઓ તથા જિલ્લા કચેરીઓને માર્ગદર્શન આપવુ. સરકારના મંત્રીઓ-અધિકારી દ્વારા થતા ઉદઘાટનોમાં તકતીઓ અને નિમંત્રણ પત્રિકાઓની ભાષાકીય ચકાસણી કરવી તથા સૌથી મહત્વની એવી ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારની કામગીરી કરે છે.
2018થી ચાર્જ પર ચાલે છે વહીવટ
આ કચેરીના મુખ્ય અધિકારી ભાષા નિયામક ગણાય છે અને જે વર્ગ-1ના અધિકારી હોય છે. 24મી ઓગસ્ટના રોજ જ્યારે આપણે ગુજરાતી ભાષા દિવસ-વિશ્વ ગુજરાતી દિવસની ઉજવણી કરીએ, ત્યારે સૌથી ચિંતાજનક અને કરૂણ કહી શકાય તેવી વાત એ છે કે સરકારની આ ભાષા નિયાકની કચેરીમાં 8 વર્ષથી કાયમી ભાષા નિયામક જ નથી. 2018માં કાયમી ભાષા નિયામક નિવૃત થયા બાદ 8 વર્ષથી ચાર્જ ચાલે છે અને ઘણાં સમયથી સરકારના જ આ વિભાગના અધિકારીને ચાર્જ આપીને કામગીરી ચલાવાય છે. આ ઉપરાંત આ કચેરીમાં જરૂરી મહેકમ મુજબ વર્ગ 1 અને 2ના 8 અધિકારીઓ છે.
જેમાં તાજેતરમાં ચાર અધિકારીને વર્ગ-3માંથી બેનું પ્રમોશન મળતા હવે પાંચ અધિકારી છે અને હજુ ત્રણ જગ્યા ખાલી છે. પરંતુ વર્ષોથી સુધી 6થી 7 જગ્યા ખાલી રહી હતી. આ કચેરીમાં મંજૂર મહેકમ મુજબ 55 અધિકારી-કર્મચારી હોવા જોઈએ પરંતુ તેની સામે માત્ર 11 જગ્યા ભરાયેલી છે. જ્યારે 7 જગ્યામાં હંગામી કર્મચારી મુકાયા છે. આમ કુલ 18 જગ્યા ભરાયેલી છે. મહત્ત્વનું છે કે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે તમામ વહીવટી કામગીરી અંગ્રેજીમાં ચાલતી હતી અને જેથી તમામ વિભાગોના નિયમો ગુજરાતીમાં તૈયાર કરવાથી માંડી સરકારનો વહીવટ સરળ બનાવવામાં આ કચેરીનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો હતો. ઉપરાંત આ કચેરીએ 80 જેટલા પુસ્તકો પણ તૈયાર કર્યા છે.
કેગના તમામ રિપોર્ટ પણ આ જ કચેરી તૈયાર કરે છે
કેગના તમામ રિપોર્ટનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર આ જ કચેરી દ્વારા કરવામાં આવે છે. ત્યારે રિપોર્ટ ઉપરાંત અન્ય કામગીરી માટે ભાષાંતરકારોની જરૂર હોવા છતાં ચાર વર્ષથી 13 જગ્યા ખાલી છે. જે હવે જીપીએસસી દ્વારા થોડા સમયમાં ભરવામાં આવનાર છે. નિયામક માટે પણ રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ હોવાથી નિયામક પણ મળતા નથી. જ્યારે બીજી બાજુ વર્ષોનો નાયબ નિયામકનો અને ભાષાનો અનુભવ ધરાવતા અધિકારીને સરકારે નિયામકનો ચાર્જ આપવો જોઈએ કે કાયમી તરીકે મુકવા જોઈએ અને તે મુજબ નવા નિયમો પણ કરવા જોઈએ.









