Gandhinagar

ગુજરાતની તમામ સરકારી કચેરીમાં સોમ-મંગળ કોઈ મીટિંગ ન કરવા ફરી ફરમાન જાહેર કરાયું

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે સચિવાલય સહિત તમામ સરકારી કચેરીઓમાં સોમવાર અને મંગળવારે અધિકારીઓને મીટિંગ કે કાર્યક્રમો ન રાખવા આદેશ કર્યો છે. આ 2 દિવસ સામાન્ય જનતા અને લોકપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી પ્રશ્નોના ઉકેલ માટે અનામત રખાશે. 'સાહેબ મીટિંગમાં છે' જેવા જવાબોથી પ્રજાને પડતી હાલાકી દૂર કરવા આ પગલું ભરાયું છે. જોકે, અગાઉના પરિપત્રોનો અમલ ન થતા, આ નવો આદેશ કેટલો પળાશે તે ચર્ચાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની તમામ સરકારી કચેરીમાં સોમ-મંગળ કોઈ મીટિંગ ન કરવા ફરી ફરમાન જાહેર કરાયું

Gujarat Govt Offices: રાજ્યની સચિવાલય સહિત તમામ સરકારી કચેરીમાં અઠવાડિયાના પહેલા બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવારે અધિકારીઓએ કોઈ પણ મીટિંગો કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહીં કરવા આદેશ અપાયો છે. આ બે દિવસ સંપૂર્ણપણે સામાન્ય જનતા અને લોકપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા તથા તેમના પ્રશ્નોના ઉકેલ માટે અનામત રાખવાના રહેશે.

સોમ, મંગળવાર પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે નક્કી છતાં, 'સાહેબ મીટિંગમાં છે' તેવો જવાબ મળે છે

અગાઉ પણ આવા અનેક પરિપત્રો બહાર પડ્યા હોવા છતાં તેનો યોગ્ય અમલ ન થતો હોવાથી, આ નવો પરિપત્ર ખરેખર અમલી બનશે કે માત્ર કાગળ પર જ રહેશે તેવી ચર્ચા છે. લાંબા સમયથી એવી ફરિયાદો ઊઠી રહી છે કે દૂર-દૂરના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી પોતાના કામ માટે ગાંધીનગર સચિવાલય કે જિલ્લા કચેરીઓએ આવતા સામાન્ય નાગરિકોને 'ઘરમનો ધક્કો' ખાવો પડે છે. સોમ અને મંગળવાર પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે નક્કી કરાયેલા હોવા છતાં, કચેરીઓમાં પહોંચતા જ 'સાહેબ મીટિંગમાં છે' તેવો તૈયાર જવાબ સાંભળવા મળે છે. અધિકારીઓ સતત મીટિંગો અથવા સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોવાથી અરજદારો તો ઠીક, ખુદ ધારાસભ્યોને સરકારી બાબુઓ મળતા નથી. રાહ જોયા બાદ નિરાશ થઈને પરત ફરવું પડે છે.

રાજ્ય સરકારના આ નવા પરિપત્ર બાદ કર્મચારીઓ અને આમ જનતામાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, 'શું આ વખતે નિયમ પળાશે?' અગાઉ પણ સરકારે આ અંગે કડક સૂચનાઓ આપી હતી, પરંતુ થોડા દિવસો બાદ સ્થિતિ જેસે થે થઈ જતી હોય છે. વહીવટી તંત્રના આ અખાડાને કારણે લોકોનો ભરોસો હવે આવા સરકારી સર્ક્યુલર પરથી ઊઠી રહ્યો છે.