RTE હેઠળ 78,000 બાળકોને સહાય ચૂકવાઈ પણ 7,100 બાળકો વંચિત રહ્યા, જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RTE Gujarat: અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ચાલુ શૈક્ષણિક વર્ષનું અડધું સત્ર પૂર્ણ થઈ ગયું હોવા છતાં સરકાર તરફથી મળતી સહાય ન ચૂકવાતા વાલીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે અને તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થી સહાય માટેની ગ્રાન્ટ મંજૂર કરી ચૂકવવામાં આવી છે.
અમદાવાદના બાળકો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મુક્ત
શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ મુક્ત કરવામાં આવતા જ અમદાવાદ શહેરના કુલ 78,666 બાળકોને એક જ દિવસમાં સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. સરકાર દ્વારા RTE હેઠળ અભ્યાસ કરતા પ્રતિ વિદ્યાર્થીને દર વર્ષે યુનિફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી અને ટ્રાન્સપોર્ટેશન જેવા ખર્ચ માટે રૂ. 3,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ અંતર્ગત અમદાવાદના 78,666 બાળકો માટે રૂ. 3,000 લેખે કુલ રૂ. 23,59,98,000ની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, સરકાર દ્વારા ખાનગી શાળાઓને પણ વિદ્યાર્થી દીઠ ફી પેટે રૂ. 13,500 ચૂકવવામાં આવે છે.
ઓનલાઈન પોર્ટલથી ચૂકવણીમાં પારદર્શિતા અને ઝડપ આવી
અમદાવાદ શહેર ડીઈઓ (DEO) કચેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ અને શાળાઓની ફીની ચૂકવણી માટે એક વિશેષ ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલના કારણે હવે માત્ર 'વન ક્લિક'થી તમામ પેમેન્ટ સીધા થઈ જાય છે. અગાઉના સમયમાં તમામ સહાય માટે ફિઝિકલ ચેક તૈયાર કરવા પડતા હતા, જેમાં કચેરીના કેટલાક અધિકારીઓ અને સ્કૂલો વચ્ચે ઝડપથી ગ્રાન્ટ મેળવવા માટે સાંઠગાંઠ ચાલતી હોવાની ફરિયાદો પણ ઉઠતી હતી. તે સિસ્ટમમાં હજારો બાળકોને બે-ત્રણ વર્ષ સુધી સહાય મળતી નહોતી. હવે ઓનલાઈન સિસ્ટમના લીધે સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલા અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આટલી મોટી રકમની સહાય ચૂકવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
80%થી ઓછી હાજરીવાળા 7176 બાળકો સહાયથી વંચિત
બીજી તરફ, નિયમ મુજબ જે વિદ્યાર્થીઓની શાળામાં હાજરી 80% કે તેથી વધુ હોય તેમને જ આ સહાયનો લાભ મળે છે. સંબંધિત શાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી હાજરીની વિગતો અને ડેટાના આધારે ચાલુ વર્ષે અમદાવાદ શહેરના 7,176 બાળકો એવા નોંધાયા છે જેમની હાજરી 80% કરતા ઓછી છે. આ નિયમના કારણે આ 7,176 વિદ્યાર્થીઓ રૂ. 3,000ની આર્થિક સહાય મેળવવાથી વંચિત રહી ગયા છે.




