Ulka Gupta on her Struggle: દેશમાં અનેક ફિલ્મો અને સીરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ઉલ્કા ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે, તે ઇન્ડસ્ટ્રીમાં રંગભેદનો સામનો કરી ચૂકી છે. 2006માં લોકપ્રિય સ્ટાર વનના શો ‘રેશમ ડંખ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય કારકિર્દીની શરૂઆત કરતા પહેલાં ઉલ્કા ગુપ્તાને જરા પણ અંદાજ નહોતો કે તે ટેલિવિઝનની સૌથી જાણીતી યુવા અભિનેત્રીઓમાંની એક બની જશે. જો કે, આ સફર સરળ નહોતી. આ સ્ટ્રગલ વિશે તેણે મોકળા મને વાત કરતા કહ્યું છે કે, મેં હિંમત, મહેનત અને મજબૂત ઇરાદાથી સફળતા હાંસલ કરી છે. બાળપણથી લઈને અત્યાર સુધી, ખાસ કરીને એવી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં ‘ઇમેજ’ને ખૂબ મહત્ત્વ અપાય છે, ત્યાં મેં જે સહન કર્યું છે તે અંગે સંપૂર્ણ જાગૃત છું. આ જ સફરના કારણે હું ટીવીના સૌથી જાણીતી અભિનેત્રીઓમાંની એક છું.
રંગભેદનો કર્યો સામનો
ઉલ્કા ગુપ્તાએ આ વિશે કહ્યું, ‘પહેલાં જ્યારે મેકર્સ બાળ કલાકારોને કાસ્ટ કરતા હતા અને હું અનેક પાત્રો માટે ઓડિશન આપવા જતી હતી. ત્યારે બહાર એક નોટ લગાડેલી હતી, જેમાં લખ્યું હતું કે, ‘ફક્ત ગોરા બાળકો’એ જ ઓડિશન આપવું. આ સ્થિતિમાં મારે ખૂબ હિંમતથી લડવું પડ્યું. હું રડી પડતી હતી કારણ કે ઘરથી દૂર હું ફક્ત રિજેક્ટ થવા જ જતી હતી. તેઓ કહેતા હતા કે ‘અમે માત્ર અપ-માર્કેટ બાળકોને જ કાસ્ટ કરી રહ્યા છીએ.’ હું તેમને વિનંતી કરતી હતી કે ‘પ્લીઝ, મને એક ઓડિશન તો આપવા દો. એટલિસ્ટ મને ઇન્ટ્રોડક્શન તો આપવા દો.’
2006માં પોતાના પ્રથમ શો પછી ઉલ્કા ગુપ્તા 2009માં Zee TVના શો ‘સાત ફેરે – સલોની કા સફર’માં સાવની સિંહના પાત્રમાં જોવા મળી. આ શોએ રંગભેદના મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતાથી રજૂ કર્યો હતો. આ શૉએ તેને વિશ્વાસ આપ્યો કે શ્યામવર્ણી યુવતીઓ પણ સ્ક્રીન પર લીડ અભિનેત્રી બની શકે છે, તેમની પ્રશંસા થઈ શકે છે અને તેમને કેન્દ્રમાં રાખી શકાય છે.
જો કે, ઇન્ડસ્ટ્રીમાં ગોરા રંગનો મોહ હજુ પણ છે. આ વિશે વાત કરતા ઉલ્કા કહે છે કે, ‘ઘણી વખત એવું બનતું હતું કે હું મોટી સ્ટાર નહોતી, પણ મેકઅપ આર્ટિસ્ટ મારા ચહેરા પર એવો બેઝ લગાવતા હતા, જે મારા અસલી રંગ કરતાં 2-3 શેડ વધુ ગોરા હોય. તે મને પસંદ નહોતું. મને લાગતું હતું કે શું હું સારી નથી દેખાતી?. મારા રંગ સાથે મેળ ખાય એવા શેડ પણ પેલેટમાં જોવા મળતા, પરંતુ તેઓ મારી સ્કીન કરતા વધુ ગોરો રંગ જ લગાવતા.’
ત્યાર બાદ ગ્લેમરસ દેખાવાનો મુદ્દો પણ હતો. ‘ધ કેરળ સ્ટોરી’ની આ અભિનેત્રીએ જણાવ્યું કે, ‘મને ઘણીવાર ગ્લેમરસ પાત્રો માટે પણ અયોગ્ય માની લેવાતી કારણ કે, તે સમયે ભારતીય ટેલિવિઝન પર ગોરી હીરોઈનની ટ્રેડિશનલ છબિમાં હું ફિટ બેસતી નહોતી.’
ટીવીથી સિનેમા સુધીનો સફર
ઘણાં ટીવી શોનો ભાગ બન્યા પછી, 29 વર્ષની આ અભિનેત્રીએ કામનો વ્યાપ વધાર્યો અને હિન્દી, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. જેમ કે ‘સિમ્બા’ (2018), ‘આંધ્ર પોરી’ (2015) અને ‘ઓઢ – ધ એટ્રેક્શન’ (2018) વગેરે. આ રીતે તેણે ધીમે ધીમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાને એક બહુમુખી કલાકાર તરીકે સ્થાપિત કરી.
તેને પહેલીવાર Zee TVના શો ‘ઝાંસી કી રાની’ (2009)થી લોકપ્રિયતા મળી. આ શૉમાં તેમણે નાની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું હતું. આ ઐતિહાસિક ડ્રામા માત્ર સુપરહિટ જ નહીં રહ્યો, પણ ઉલ્કા ગુપ્તાને ઘર ઘરમાં ઓળખ અપાવી. યોદ્ધા રાણી તરીકે તેની દમદાર એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા.
આ પણ વાંચો: 68 વર્ષની ઉંમરે પહાડો વચ્ચે અનિલ કપૂરનું 'ઝક્કાસ' વર્કઆઉટ! વીડિયો જોઈ સેલેબ્સ પણ ચોંક્યા
ઇન્ડસ્ટ્રીમાં લગભગ બે દાયકાનો સમય પસાર કર્યા પછી ઉલ્કા માને છે કે સુંદરતાના માપદંડો અને પ્રતિનિધિત્વ અંગેની ચર્ચા ધીમે ધીમે બદલાઈ રહી છે. રિજેકશન, આત્મસંદેહ અને એક ખાસ છબિમાં ફિટ થવાના સતત દબાણ છતાં, હું કાબેલિયત અને મજબૂત ઇરાદાના આધારે આગળ વધતી રહી હતી.
નોંધનીય છે કે, ઉલ્કા હવે ‘રજની કી બારાત’ નામની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 29 મેના રોજ રિલીઝ થવાની છે.


