Entertainment

'ટોક્સિક' ફ્લોપ જતાં 300 કરોડનું નુકસાન, યશ ભાંગી પડ્યો, ફિલ્મે બજેટ પણ ના વસૂલી શકી?

By GS Team
12 Sep 20265 mins read
TukuTouch Logo
સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'Toxic: A Fairytale for Grown-Ups' બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. 450 કરોડના બજેટવાળી આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 140 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી હતી, પરંતુ બીજા જ દિવસથી કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો. 16મા દિવસે ભારતમાં માત્ર 40 લાખ રૂપિયા કમાયા. ટ્રેડ એનાલિસ્ટ્સના મતે, ફિલ્મને 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ટોક્સિક' ફ્લોપ જતાં 300 કરોડનું નુકસાન, યશ ભાંગી પડ્યો, ફિલ્મે બજેટ પણ ના વસૂલી શકી?

Toxic Fail on Box Office: સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'Toxic: A Fairytale for Grown-Ups' 2026ની સૌથી મોટી ફિલ્મોમાં સામેલ થાય તેવી આશા હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ, જબરદસ્ત સ્કેલ અને ચાર વર્ષ બાદ યશની મોટા પડદા પરની વાપસીએ તેના માટે જબરદસ્ત માહોલ બનાવ્યો હતો. જો કે, રિલીઝ બાદ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં આવેલા જોરદાર ઘટાડાએ મેકર્સનું આખું ગણિત બગાડી નાખ્યું છે.

આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 140 કરોડ રૂપિયાની ઓપનિંગ સાથે શાનદાર શરૂઆત કરી હતી. ભારતમાં પહેલા જ દિવસે ફિલ્મનું નેટ કલેક્શન આશરે 101 કરોડ રૂપિયા રહ્યું હતું. આ આંકડા બાદ લાગી રહ્યું હતું કે, ફિલ્મ લાંબી રેસમાં ટકી રહેશે. જો કે, બીજા જ દિવસે કમાણી ઘટીને આશરે 37 કરોડ રૂપિયા થઈ ગઈ અને પહેલા સોમવાર સુધીમાં દરરોજનું કલેક્શન 10 કરોડ રૂપિયાથી પણ ઓછું થઈ ગયું.

15મા દિવસ સુધી ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન આશરે 339.32 કરોડ રૂપિયા હતું. જ્યારે 16મા દિવસે ભારતમાં ફિલ્મે માત્ર આશરે 40 લાખ રૂપિયાની કમાણી કરી. એટલે કે, પ્રથમ દિવસે કરોડોની કમાણી કરનારી ફિલ્મની ગતિ થોડા જ દિવસોમાં એકદમ ધીમી પડી ગઈ હતી.

300થી 350 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ?

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, 'Toxic'ને લગભગ 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર, ફિલ્મ બજેટના લગભગ 60 ટકા હિસ્સાને પણ રિકવર કરી શકી નથી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનું પ્રોડક્શન બજેટ આશરે 450 કરોડ રૂપિયા છે. જ્યારે પબ્લિસિટી, રિલીઝ, વ્યાજ અને અન્ય ખર્ચ ઉમેરવામાં આવે તો ફિલ્મમાં કુલ રોકાણ 500 કરોડ રૂપિયા કે તેનાથી વધુ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

જો કે, અહીં એ સમજવું જરૂરી છે કે, માત્ર વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શનમાંથી ફિલ્મનું બજેટ બાદ કરીને સીધું નુકસાન નક્કી કરી શકાય નહીં. ફિલ્મની કમાણીનો હિસ્સો થિયેટર માલિકો, ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રોડ્યુસર્સ વચ્ચે વહેંચાય છે. આ ઉપરાંત OTT, સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સમાંથી થતી આવક પણ ફિલ્મના અંતિમ નાણાકીય હિસાબમાં સામેલ થાય છે. તેથી ફિલ્મના નુકસાનના આંકડા અલગ-અલગ જણાવવામાં આવી રહ્યા છે.

100 કરોડની ઓપનિંગ બાદ આટલો મોટો ક્રેશ કેમ થયો?

'Toxic'ની સૌથી મોટી સમસ્યા તેની ઓપનિંગ નહીં, પરંતુ ઓપનિંગ બાદ કલેક્શનમાં આવેલો જોરદાર ઘટાડો રહ્યો છે. યશના સ્ટાર પાવર સિવાય નયનતારા અને કિયારા અડવાણીની હોવી તથા ફિલ્મના ભવ્ય સ્કેલને કારણે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શકો થિયેટરોમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદ ફિલ્મ આ જ દર્શકોને જકડી રાખવામાં સફળ રહી નહીં. ફિલ્મની રિલીઝ દરમિયાન તેને 'મિર્ઝાપુર: ધ મૂવી' અને 'હનુમાન અંશ' જેવી ફિલ્મો સાથે પણ સ્પર્ધા કરવી પડી હતી. બીજી ફિલ્મોએ ઝડપ પકડતાં 'Toxic'ના શો અને સ્ક્રીનની સંખ્યા પણ ઘટતી ગઈ હતી. તાજેતરમાં યશના એક મિત્રએ પણ અભિનેતા ફિલ્મના નિષ્ફળ પ્રદર્શનથી કેટલા દુઃખી છે તે અંગે વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, યશના અવાજમાં પણ આ દુઃખ સ્પષ્ટપણે અનુભવી શકાય છે.

'Game Changer' અને 'Adipurush' સાથે પણ થઈ રહી છે સરખામણી

'Toxic'ની સરખામણી હવે રામ ચરણની 'Game Changer' અને પ્રભાસની 'Adipurush' સાથે પણ થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર 'Game Changer'નું બજેટ આશરે 300થી 400 કરોડ રૂપિયા હતું અને ફિલ્મનું વર્લ્ડવાઇડ થિયેટ્રિકલ કલેક્શન લગભગ 186 કરોડ રૂપિયા રહ્યું હતું. ફિલ્મને આશરે 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવાય છે. બીજી તરફ, 'Adipurush'નું બજેટ અલગ-અલગ રિપોર્ટ્સમાં 500થી 700 કરોડ રૂપિયા વચ્ચે જણાવવામાં આવ્યું હતું. આ ફિલ્મે વિશ્વભરમાં આશરે 350 કરોડ રૂપિયાનું થિયેટ્રિકલ ગ્રોસ કલેક્શન કર્યું હતું અને તેને અંદાજે 220 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હવે 'Toxic'નું કલેક્શન અને તેના મોટા બજેટને જોતા ટ્રેડમાં તેને પણ મોટા બજેટની નિષ્ફળ ફિલ્મોની યાદીમાં સામેલ કરવામાં આવી રહી છે.

OTT ડીલના કારણે પણ બગડ્યું ફિલ્મનું ગણિત?

ફિલ્મની થિયેટરમાં નબળી કમાણીની અસર હવે તેના નોન-થિયેટ્રિકલ બિઝનેસ પર પણ જોવા મળી રહી હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે ફિલ્મની રિલીઝ પહેલાં તેની OTT ડીલ ફાઇનલ કરી નહોતી. તેમને આશા હતી કે, ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે તો તેના ડિજિટલ રાઇટ્સની કિંમત વધુ વધી શકે છે. પરંતુ પરિણામ ધારણા કરતાં વિપરીત આવ્યું હતું. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, જો OTT રાઇટ્સ અગાઉ જ વેચી દેવામાં આવ્યા હોત તો ફિલ્મનું નુકસાન ઓછામાં ઓછું 100 કરોડ રૂપિયા જેટલું ઘટાડી શકાયું હોત. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અગાઉ આશરે 200 કરોડ રૂપિયાની OTT ડીલની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ હવે આ ડીલની કિંમત ઘટીને માત્ર 30 કરોડ રૂપિયાની આસપાસ હોવાની ચર્ચા છે. જો કે, આ આંકડાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

'Toxic'થી સૌથી મોટી ભૂલ ક્યાં થઈ?

યશની 'Toxic'ની સૌથી મોટી સમસ્યા એ રહી કે, ફિલ્મ નબળી ઓપનિંગને કારણે નિષ્ફળ નહોતી ગઈ, પરંતુ બ્લોકબસ્ટર ઓપનિંગ બાદ પોતાની ગતિ જાળવી શકી નહીં. ભારતમાં 100 કરોડ રૂપિયાથી વધુનું ઓપનિંગ અને વિશ્વભરમાં લગભગ 140 કરોડ રૂપિયાની શરૂઆત બાદ ફિલ્મ પાસેથી મોટા કલેક્શનની અપેક્ષા હતી. પરંતુ ત્યારબાદ સતત ઘટતી કમાણીએ ફિલ્મનું સમગ્ર રિકવરી મોડલ બગાડી નાખ્યું હતું

યશની અગાઉની ફિલ્મ 'KGF: Chapter 2'ની શાનદાર સફળતા બાદ 'Toxic'ને લઈને પહેલેથી જ વધુ આશા હતી. ચાર વર્ષ બાદ યશની વાપસી, ફિલ્મની પેન-ઈન્ડિયા અપીલ અને આશરે 450થી 500 કરોડ રૂપિયાના ભારે રોકાણને કારણે ફિલ્મ પરનું દબાણ વધુ વધી ગયું હતું. હવે ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન આશરે 340 કરોડ રૂપિયાની આસપાસ અટકી જતું દેખાઈ રહ્યું છે, જે તેની સૌથી મોટી ચર્ચાનો વિષય બની ગયું છે.

માત્ર બોક્સ ઓફિસ નહીં, આખો બિઝનેસ પ્લાન ફેલ

એક રીતે જોઈએ તો 'Toxic' માત્ર બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી નથી, પરંતુ ફિલ્મનો સમગ્ર બિઝનેસ પ્લાન પણ મુશ્કેલીમાં મુકાયો હોય તેવું લાગી રહ્યું છે. શાનદાર ઓપનિંગથી લઈને થિયેટ્રિકલ રન અને ત્યારબાદ OTT રાઇટ્સ સુધી, જે ગણિતના આધારે ફિલ્મ પાસેથી જંગી કમાણીની અપેક્ષા રાખવામાં આવી હતી, તે જ ગણિત હવે મોટા નાણાકીય નુકસાનમાં ફેરવાતું જોવા મળી રહ્યું છે.