સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..', ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ghooskhor Pandat Controversy : સુપ્રીમ કોર્ટે ગુરુવારે નેટફ્લિક્સ અને જાણીતા ફિલ્મમેકર નીરજ પાંડેની આગામી 'ઘૂસખોર પંડત' ફિલ્મના શીર્ષક સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે, આ ફિલ્મને નવું નામ આપવા માટે તેમનો શું પ્રસ્તાવ છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, ઘણીવાર વિવાદ પેદા કરવા અને પબ્લિસિટી મેળવવા માટે આવા નામ પસંદ કરવામાં આવે છે.
કોર્ટે મેકર્સની ઝાટકણી કાઢતા ટિપ્પણી કરી કે, તમારા પીઆર માટેના તિકડમ માટે થઇને "સમાજમાં તિરાડ ન વધારો". સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ નિર્માતાઓને આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું કે, કોઈપણ વર્ગને અપમાનિત કરવો ખોટો છે. સમાજમાં પહેલેથી જ ઘણી તિરાડો છે, તેને પ્રોત્સાહન આપશો નહીં. કોર્ટે નોટિસ જારી કરીને નિર્માતાઓને પૂછ્યું છે કે જો તમે નામ બદલવા તૈયાર છો, તો તે નવું નામ શું હશે? તે અમને જણાવો. કોર્ટે એ પણ સ્પષ્ટ કરવા કહ્યું છે કે શું ફિલ્મમાં કોઈ ચોક્કસ વર્ગ વિશે કોઈ વાંધાજનક બાબતો છે કે નહીં?
હાઈકોર્ટમાં નેટફ્લિક્સે શું કહ્યું હતું?
આ અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. ત્યારે નેટફ્લિક્સે ખાતરી આપી હતી કે, તેઓ ફિલ્મનું ટાઇટલ બદલવા તૈયાર છે. સોશિયલ મીડિયા પરથી આ ફિલ્મનું તમામ પ્રમોશનલ મટીરિયલ હટાવી લેવામાં આવ્યું છે. આ ખાતરી બાદ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈને વિગતવાર ખુલાસો માંગ્યો છે.
શા માટે થઈ રહ્યો છે વિરોધ?
અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે 'ઘૂસખોર પંડત' ટાઇટલ હિન્દુ પૂજારીઓ અને એક ખાસ સમુદાયની છબીને નુકસાન પહોંચાડે છે. આ નામ સામાજિક અને સાંપ્રદાયિક રીતે ઉશ્કેરણીજનક હોઈ શકે છે. આથી ફિલ્મની રિલીઝ અને સ્ટ્રીમિંગ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.
હવે આગળ શું?
સુપ્રીમ કોર્ટે નિર્માતાઓને થોડા જ કલાકોમાં જવાબ આપવા દબાણ કર્યું હતું. આ મામલે હવે પછીની વધુ સુનાવણી 19 ફેબ્રુઆરી ના રોજ હાથ ધરવામાં આવશે.
ફિલ્મ અંગે માહિતી
રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મમાં રવિ કિશન અથવા જિમી શેરગિલ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હોવાની ચર્ચા છે (સત્તાવાર રીતે કાસ્ટ લિસ્ટ ટાઇટલ વિવાદને કારણે અત્યારે ગુપ્ત રાખવામાં આવ્યું છે). નીરજ પાંડેની ફિલ્મોમાં સામાન્ય રીતે અનુપમ ખેર અથવા કેકે મેનન જેવા કલાકારો જોવા મળતા હોય છે, પરંતુ આ પ્રોજેક્ટ માટે નવી સ્ટારકાસ્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે.
ફિલ્મનો પ્લોટ
આ ફિલ્મ ભ્રષ્ટાચાર અને વ્યવસ્થાની ખામીઓ પર આધારિત એક ડાર્ક ક્રાઈમ ડ્રામા અથવા સેટાયર (વ્યંગ) હોવાનું મનાય છે. ઘૂસખોર પંડત નામ પરથી જણાય છે કે વાર્તા કોઈ એવા પાત્રની આસપાસ ફરે છે જે કોઈ સરકારી કે સામાજિક હોદ્દા પર રહીને લાંચ-રુશ્વત (ઘૂસખોરી) માં સંડોવાયેલું હોય. અરજદારોના મતે, ફિલ્મમાં એક ચોક્કસ સમુદાયના પાત્રને નકારાત્મક રીતે રજૂ કરીને 'પંડિત' શબ્દ સાથે 'ઘૂસખોર' જોડીને સામાજિક છબી ખરાબ કરવાનો પ્રયાસ થયો છે.









