પોતાના દીકરાનું નામ 'રામ ખાન' રાખવા માંગતો હતો સોહેલ ખાન! એક્ટરે પોતે સંભળાવ્યો કિસ્સો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ram Khan To Nirvan Khan: બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને તેની પૂર્વ પત્ની સીમા સજદેહ ભલે 2022માં એકબીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ તાજેતરમાં રિયાલિટી શો 'અલાયન્સ'માં બંને વચ્ચે એક ખાસ બોન્ડિંગ જોવા મળ્યું છે. રિયાલિટી ગેમ શો 'અલાયન્સ'માં વાતચીત દરમિયાન સોહેલ ખાને પોતાના મોટા દીકરાના નામને લઈને એક અત્યંત રસપ્રદ અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોહેલે જણાવ્યું કે તે પોતાના મોટા દીકરાનું નામ 'રામ ખાન' રાખવા માંગતો હતો, પરંતુ તેના જન્મ પછી સીમા સજદેહે તેનું નામ 'નિર્વાણ' રાખી દીધું હતું. નિર્વાણ ખાનનો જન્મ 15 ડિસેમ્બર 2000ના રોજ થયો હતો.
પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહેલા અને કુણાલ ખેમુ હોસ્ટ કરી રહેલા આ શોમાં વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે આવેલા અલી ગોનીએ સોહેલ અને સીમાના બાળકોના સારા સંસ્કારોના વખાણ કર્યા હતા. આ સાંભળીને સોહેલે જણાવ્યું કે, પહેલા બાળકના જન્મ પહેલા તેણે અને સીમાએ મજાકમાં એક ડીલ નક્કી કરી હતી. ડીલ મુજબ જો દીકરો થાય તો નામ સોહેલ રાખશે અને જો દીકરી થાય તો નામ સીમા રાખશે. સોહેલે આગળ કહ્યું કે, તે પોતાના પરિવારની સેક્યુલર વિચારધારાના ઉદાહરણ તરીકે દીકરાનું નામ 'રામ ખાન' રાખવા માટે મક્કમ હતો. જોકે, ડિલિવરી બાદ જ્યારે સીમા હોશમાં આવી, ત્યારે તેણે સૌથી પહેલો શબ્દ 'નિર્વાણ' લીધો હતો. સીમાના મોઢેથી આ નામ સાંભળ્યા પછી સોહેલે નામ બદલવાનો આગ્રહ ન રાખ્યો. સોહેલે એમ પણ ઉમેર્યું કે, નિર્વાણનો સ્વભાવ પણ તેના નામની જેમ જ એકદમ શાંત અને બેલેન્સ છે.
લગ્ન તૂટવા બદલ સોહેલે પોતાને જવાબદાર ગણાવ્યો
આ શોના અન્ય એક એપિસોડમાં સોહેલ ખાને પોતાની તૂટેલી શાદી વિશે પણ ખુલીને વાત કરી હતી. નિખિલ ચિનપ્પાના સવાલનો જવાબ આપતા સોહેલે સ્વીકાર્યું હતું કે, "તે સમયે મારું કામ બરાબર નહોતું ચાલી રહ્યું અને હું યોગ્ય મેન્ટલ સ્ટેટમાં નહોતો. મારા ખરાબ બિહેવિયરને કારણે મેં એ વ્યક્તિને ગુમાવી દીધી જેને હું સૌથી વધુ પ્રેમ કરતો હતો." તેણે વધુમાં કહ્યું કે સીમા તેના બંને બાળકોની માતા છે અને તે પ્રેમ કરતાં પણ વધારે તેનું રિસ્પેક્ટ કરે છે. આ શોના કારણે બંનેને ફરીથી એકબીજા સાથે દિલ ખોલીને વાત કરવાનો મોકો મળ્યો છે.
ભાગીને કર્યા હતા લગ્ન, 24 વર્ષ પછી થયા અલગ
સોહેલ ખાન અને સીમા સજદેહની પહેલી મુલાકાત ચંકી પાંડેની સગાઈની પાર્ટીમાં થઈ હતી. સોહેલ પહેલી નજરમાં જ સીમાના પ્રેમમાં પડી ગયો હતો. અલગ-અલગ ધર્મના હોવાને કારણે સીમાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધમાં હતો. પરિવારોના વિરોધ છતાં, 15 માર્ચ 1998ના રોજ, જે દિવસે સોહેલના ડાયરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા' રિલીઝ થઈ હતી. તે જ દિવસે બંનેએ ઘરથી ભાગીને લગ્ન કરી લીધા હતા. તેમણે પહેલા આર્ય સમાજ મંદિરમાં ફેરા લીધા હતા અને પછી નિકાહ કર્યા હતા. તેમને બે દીકરા છે, મોટો દીકરો નિર્વાણ (2000) અને નાનો દીકરો યોહાન (2011). લાંબો સમય સાથે રહ્યા બાદ 2022માં બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા હતા.









