- બંને એક મહિનાથી ચર્ચામાં મગ્ન
- સલમાન ફાઈનલ કરે તો 2027ના સમરમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા
મુંબઈ : સુપર સ્ટાર સલમાન ખાન હાલ ફરહાન અખ્તર સાથે પિરિયડ ફિલ્મ બનાવવા માટે ચર્ચા કરી રહ્યો હોવાની વાત બહાર આવી છે. હાલ સલમાન ખાન વામ્સી પેઇડીપલ્લીની એક્શન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. એ પછી તે ધ ફેમિલિ મેનના સર્જકો રાજ અને ડીકે સાથે એક્શન કોમેડી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ કરશે. દરમ્યાન તેણે ૨૦૨૭નું આયોજન શરૂ કરી દીધું છે.
ફરહાન અખ્તર અને સલમાન એક મહિનાથી આ પિરિયડ ફિલ્મ બાબતે ચર્ચા કરી રહ્યા છે. જો બધું થાળે પડશે તો બે ભાગમાં આ ફિલ્મ બને તેવી યોજના આકાર લેશે તેમ મનાય છે. ફરહાન અખ્તર આ પ્રોજેક્ટ સાથે નિર્માતા તરીકે જોડાઇ રહ્યો છે. ફિલ્મના નિર્દેશકનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. આ સૂચિત પિરિયડ ફિલ્મનું શૂટિંગ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૨૦૨૭ના ઉનાળામાં શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
સલમાન ખાનને આ ફિલ્મમાં ઉંડો રસ પડયો છે. જો કે,હાલ હજી વાત પ્રાથમિક તબક્કે છે અને કશું નક્કી થયું નથી. પણ સલમાન અને ફરહાન બંને જણાં પહેલીવાર એકસાથે કામ કરવા માટે ઉત્સુક છે. આ ફિલ્મ વિશે વર્ષના અંતે વધુ માહિતી જાણવા મળે તેવી સંભાવના છે.


