Entertainment

ચીનને માઠું ન લાગે તે માટે સલમાનની ફિલ્મનું નામ બદલાયું

By GS Team
17 Mar 20261 min read
ચીનને માઠું ન લાગે તે માટે સલમાનની ફિલ્મનું નામ બદલાયું

- બેટલ ઓફ ગલવાનનું ટાઈટલ હવે માતૃભૂમિ

- સલમાન ખાને ફિલ્મમાંથી ચીન વિરોધી ઉલ્લેખો પણ ઘટાડવા કહેવાયું હોવાની ચર્ચા

મુંબઇ : સલમાનની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું ટાઈટલ બદલીને હવે 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' નક્કી કરાયું છે. 

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં ઘર્ષણ થયું હતું તેના પર આ ફિલ્મ બની રહી છે. જોકે, સમય જતાં ભારત અને ચીનના સંબંધો  સુધરી ગયા છે. હવે  ગલવાન ખીણ બાબતે બહુ સવિશેષ ઉલ્લેખ થવાથી  ચીનને ખરાબ લાગી જશે તેવા  ડરે સલમાનને ફિલ્મનું ટાઈટલ બદલવાની સલાહ અપાઈ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સલમાનને ફિલ્મમાંથી ચીન વિરોધી ઉલ્લેખો પણ ઘટાડી દેવા કહેવાયું હોવાની ચર્ચા છે.  સલમાને જ્યારે આ પ્રોજેક્ટ નક્કી કર્યો હતો ત્યારે ભારત અને ચીનનાં સંબંધો તળિયે પહોંચી ગયા હતા. દેશમાં કેટલાંય ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. પરંતુ, તે પછી ભારત અને ચીનના સંબંધોમાં ઘણો સુધારો થયો છે. આ સંદર્ભમાં સલમાનની ફિલ્મમાં પણ  યુદ્ધને બદલે શાંતિને વધુ મહત્વ આપવા સહિતના ફેરફારો કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આમ તો આગામી એપ્રિલમાં રજૂ થવાની હતી. પરંતુ, હવે તેની રીલિઝ કેટલાક મહિના પાછળ ઠેલાઈ ગઈ છે.  ફિલ્મમાં સલમાન સાથે ચિત્રાંગદા  પણ મહત્વની ભૂમિકામાં છે.