15 દિવસમાં જવાબ આપો: તુકારામ મુંઢેની શાહરુખ ખાન-અજય દેવગણને નોટિસ; જાણો શું છે વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tukaram Mundhe Notice to Actors Vimal Elaichi : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ સેફ્ટીના વડા તુકારામ મુંઢે દ્વારા બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને એક નવ-પેજની ગંભીર શૉ-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ ત્રણેય કલાકારો વર્ષ 2024માં 'વિમલ' કંપનીની ઇલાયચીની જાહેરાતમાં સાથે જોવા મળ્યા હતા. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિશન (FDA)ના જણાવ્યા અનુસાર, આ જાહેરાતના માધ્યમથી રાજ્યમાં પ્રતિબંધિત ઉત્પાદન એવા પાન મસાલાનું અપ્રત્યક્ષ પ્રમોશન (સરોગેટ એડવર્ટાઇઝિંગ) કરવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ પ્રતીતિ થાય છે. તુકારામ મુંઢેએ નોટિસમાં સ્પષ્ટપણે નિર્દેશ કર્યો છે કે કલાકારો તાત્કાલિક ધોરણે આ કેમ્પેઈનમાંથી ખસી જાય અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી તમામ પ્રમોશનલ કન્ટેન્ટ હટાવી લે.
અપ્રત્યક્ષ પ્રમોશન અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાની આશંકા
નોટિસમાં દાવો કરાયો છે કે, જાહેરાતમાં 'વિમલ ઇલાયચી' શબ્દનો પ્રયોગ એવી રીતે કરવામાં આવ્યો છે જે મુખ્ય બ્રાન્ડ પાન મસાલા સાથે સીધો સંબંધ ઊભો કરતો દેખાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર કાયદાકીય પ્રતિબંધ છે, કારણ કે આ ઉત્પાદનો લોકોના જાહેર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તુકારામ મુંઢેએ જણાવ્યું છે કે જો ઇલાયચી અથવા અન્ય સમાન ઉત્પાદનના નામ હેઠળ 'વિમલ' બ્રાન્ડનો ઉપયોગ પાન મસાલા કે તમાકુ સંબંધિત પ્રોડક્ટ્સની બ્રાન્ડ આઈડેન્ટિટીને જાળવી રાખવા કે પ્રોત્સાહિત કરવા માટે થાય છે, તો તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને પ્રતિબંધિત પ્રોડક્ટનું અપ્રત્યક્ષ પ્રમોશન ગણી શકાય છે. આ મામલે કલાકારો પાસે એન્ડોર્સમેન્ટ કરારની નકલો, પેમેન્ટની વિગતો અને ઝુંબેશ સંબંધિત દસ્તાવેજો પણ માંગવામાં આવ્યા છે.
ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ દંડ અને અગાઉના વિવાદો
વર્તમાન કાયદાકીય જોગવાઈઓ મુજબ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને એન્ડોર્સમેન્ટ્સ બદલ 10 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, તેમજ સંબંધિત કલાકારો પર ત્રણ વર્ષ સુધી કોઈપણ પ્રકારની પ્રોડક્ટ્સનું એન્ડોર્સમેન્ટ કરવા પર પ્રતિબંધ પણ મુકાઈ શકે છે. અગાઉ વર્ષ 2022માં અભિનેતા અક્ષય કુમારે પણ આ જ પ્રકારની જાહેરાતમાં દેખાયા બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેમણે ચાહકો સમક્ષ જાહેરમાં માફી માંગીને બ્રાન્ડથી અલગ થવાની જાહેરાત કરી હતી. હવે આ નવી નોટિસના કારણે ફરી એકવાર સેલિબ્રિટીઝ દ્વારા કરવામાં આવતી સરરોગેટ જાહેરાતોનો મુદ્દો દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.









