Ranveer Singh Controversies: બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં વિવાદોના વંટોળમાં ફસાયા છે. 'ડૉન ૩' ફિલ્મમાંથી તેની અચાનક એક્ઝિટ હવે તેના માટે ગંભીર મુશ્કેલી લઈને આવી છે. ફિલ્મના નિર્માતાઓએ આક્ષેપ કર્યો છે કે રણવીરના અચાનક ફિલ્મ છોડવાને કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ મામલે 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ' (FWICE) દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનું કડક નિર્દેશ જાહેર કરવામાં આવ્યું છે. આ તાજા વિવાદે રણવીર સિંહના કરિયરના જૂના વિવાદાસ્પદ કિસ્સાઓની યાદ તાજી કરાવી દીધી છે. અહીં નજર કરીએ રણવીર સાથે જોડાયેલા અગાઉના મોટા વિવાદો પર:
1. 'AIB નોકઆઉટ' રોસ્ટ વિવાદ
રણવીર સિંહના કરિયરનો સૌથી પહેલો અને મોટો વિવાદ 'AIB Knockout' રોસ્ટ શો હતો. એક ચેરિટી ઇવેન્ટ તરીકે યોજાયેલા આ કાર્યક્રમમાં રણવીર સિંહની સાથે અર્જુન કપૂર અને અન્ય કોમેડિયન્સ સામેલ હતા. શો દરમિયાન ઉપયોગમાં લેવાયેલી અત્યંત બોલ્ડ અને દ્વિઅર્થી ભાષાને કારણે દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પરિણામે રણવીર વિરુદ્ધ પોલીસ ફરિયાદો પણ થઈ હતી.
2. મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી અને એડ
ચેટ શો 'કોફી વિથ કરણ'નો એક જૂનો વીડિયો વાયરલ થયા બાદ રણવીર ભારે ટ્રોલ થયો હતો, જેમાં તે સહ-અભિનેત્રી અનુષ્કા શર્મા પર એક અણછાજતી ટિપ્પણી કરતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, વર્ષ 2016માં એક જાણીતી કપડાની બ્રાન્ડની જાહેરાતમાં રણવીરના ફોટો પર પણ ભારે હોબાળો થયો હતો. આ જાહેરાત પર મહિલાઓને વસ્તુ તરીકે રજૂ કરવાનો અને ઓફિસ કલ્ચર અંગે ખોટો સંદેશ આપવાનો આરોપ લાગ્યો હતો. વિવાદ વધતા બ્રાન્ડે એડ હટાવી પડી હતી અને રણવીરે માફી માંગી હતી.
3. 'પદ્માવત' વિવાદ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'માં અલાઉદ્દીન ખિલજીની નકારાત્મક ભૂમિકા ભજવનાર રણવીર સિંહ ફિલ્મની રિલીઝ પહેલાં જ મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં હિંસક પ્રદર્શનો અને ધમકીઓ પણ સામેલ હતી. જોકે, બાદમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
4. 'PAPER' મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ
વર્ષ 2022માં રણવીર સિંહે 'પેપર' મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવીને સનસનાટી મચાવી દીધી હતી. જ્યાં એકતરફ કેટલાક લોકોએ તેને કલાત્મક અભિવ્યક્તિ ગણાવી હતી, તો બીજી તરફ સામાન્ય જનતા અને કાયદાકીય મંચ પર તેની આકરી ટીકા થઈ હતી. રણવીર પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લગાવીને મુંબઈમાં તેમની સામે એફઆઈઆર પણ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તેમની પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: 'ઘર સ્મશાન બની ગયું છે...' અભિનેત્રી રાખી સાવંતની પીડા સાંભળી કોમેડિયન ભારતી પણ રડી પડી
5. 'કાંતારા' સાથે જોડાયેલી પવિત્ર ધાર્મિક પરંપરાની મજાક અને 'ડૉન ૩' એક્ઝિટ
તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રણવીર સિંહે પ્રખ્યાત ફિલ્મ 'કાંતારા' સાથે જોડાયેલી દક્ષિણ ભારતની પવિત્ર 'દૈવ આરાધના'ની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્યને ધાર્મિક લાગણી દુભાવનારું ગણાવીને ભારે વિરોધ થયો હતો, જે મામલો કર્ણાટક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને બાદમાં રણવીરે માફી માંગવી પડી હતી.
હવે આ તમામ વિવાદોની યાદીમાં 'ડૉન ૩' માંથી તેમની એક્ઝિટ ઉમેરાઈ છે. FWICEના અસહકારના આદેશ બાદ હવે બોલિવૂડમાં કલાકારોના પ્રોફેશનલિઝમ, કરારના નિયમો અને જવાબદારીઓ અંગે એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે.


