જાણીતા અભિનેતાના પરિવારમાં મિલકત અંગે ઝઘડો, પોલીસ સ્ટેશને મામલો પહોંચતા FIR
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chandrachur Singh Family Matter : બૉલિવૂડના જાણીતા અભિનેતા અને શાહરુખ ખાનના કો-સ્ટાર રહી ચૂકેલા ચંદ્રચૂડ સિંહના પરિવારમાં મિલકતને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. દાદાની પુશ્તૈની જમીન અને સંપત્તિ હડપ કરવા માટે બનાવટી વસીયતનામું ઊભું કરવાનો અને પિતાનો વારસાઈ હક છીનવી લેવાનો ગંભીર આરોપ લગાવીને ચંદ્રચૂડ સિંહે પોતાના જ પરિવારના સભ્યો સામે પોલીસ ફરિયાદ (FIR) નોંધાવી છે.
ફોઈ અને પિતરાઈ ભાઈઓ સહિત 7 લોકો સામે ફરિયાદ
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના જલાલપુર ગામમાં આવેલી પુશ્તૈની જમીનને લઈને આ આખો વિવાદ શરૂ થયો છે. ચંદ્રચૂડ સિંહે પોતાની ફોઈ ગાયત્રી દેવી, બે પિતરાઈ ભાઈઓ અને અન્ય ચાર લોકો સામે રોરાવર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. અભિનેતાનો આરોપ છે કે દાદાની સંપત્તિમાં તેમના પિતાને મળતા કાયદેસરના હકથી વંચિત રાખવા માટે વસીયતનામામાં મોટું છળકપટ કરવામાં આવ્યું છે.
1997માં બીમારીનો ફાયદો ઉઠાવી કરી બનાવટી સહી
ચંદ્રચૂડના દાદા ઠાકુર હરેન્દ્ર પાલ સિંહ જલાલપુર ગામના ખૂબ જ મોટા જમીનદાર હતા. એક્ટરના જણાવ્યા મુજબ, 1997માં જ્યારે તેમના દાદાની તબિયત અત્યંત નાજુક હતી અને તેઓ કોઈ દસ્તાવેજ પર સહી કરી શકે તેમ ન હતા, ત્યારે તેમની ખોટી સહીઓની નકલ કરવામાં આવી હતી. તેમના કાકા ગંગા સિંહ અને પરિવારના અન્ય લોકોએ મળીને આ બોગસ વસીયતનામું બનાવ્યું હતું અને ચંદ્રચૂડના પિતા સ્વર્ગસ્થ કેપ્ટન બલદેવ સિંહનો વારસાગત હક છીનવી લીધો હતો.
પારિવારિક મિલકતો વેચી દેવાનો પરિવાર પર દાવો
મીડિયા સાથેની વાતચીતમાં ચંદ્રચૂડ સિંહે ખુલાસો કર્યો કે જ્યારે આ બનાવટી વસીયત ઊભી કરાઈ ત્યારે તેમના પિતા અલીગઢમાં હાજર જ ન હતા. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે આ વિવાદિત વસીયતમાં દર્શાવેલી કિંમતી સંપત્તિઓનો મોટો હિસ્સો પાછલા કેટલાક વર્ષોમાં અન્ય લોકોના નામે ટ્રાન્સફર કરી દેવાયો છે અથવા તો વેચી દેવાયો છે. પોલીસે હાલ તમામ દસ્તાવેજો કબજે કરીને તપાસ શરૂ કરી છે. સામે પક્ષે તેમના બુઆ ગંગા દેવીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ચંદ્રચૂડ સિંહનું વર્કફ્રન્ટ
ચંદ્રચૂડ સિંહ 90ના દાયકાના જાણીતા અભિનેતા રહ્યા છે. ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેઓ છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'કઠપૂતળી'માં જોવા મળ્યા હતા. આ સિવાય હુમા કુરેશી સાથેની તેમની ફિલ્મ 'બયાન' ગત વર્ષે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.




