સીતા માતાનો રોલ કરવો સરળ નથી! સાઈ પલ્લવીએ કહ્યું- મેં મારી જાતને શક્ય એટલી શુદ્ધ રાખી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Embodying Sita: Sai Pallavi’s divine transformation : બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર નિતેશ તિવારીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'ને લઈને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ગણાતી ‘રામાયણ’નું આજે ભવ્ય ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મમાં સીતા માતાનો આઇકોનિક રોલ કરી રહેલી સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ સાઇ પલ્લવીએ પોતાના પાત્રને લઈને અનુભવ વિશે ખુલીને વાત કરી હતી. સાઇ પલ્લવીએ જણાવ્યું કે, ભગવાન રામની પત્ની અને આસ્થાનું પ્રતીક એવા સીતાજીનું પાત્ર ભજવવા માટે તેણે પોતાના વિચારો અને જીવનને શક્ય એટલું શુદ્ધ રાખવાનો પ્રયત્ન કર્યો છે.
‘સીતા માતા, તમે જ મારા દ્વારા એક્ટિંગ કરો’
ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન સાઇ પલ્લવી ખૂબ જ ભાવુક દેખાઈ હતી. તેણે પોતાના પાત્ર વિશે વાત કરતા કહ્યું કે, “એક કલાકાર તરીકે આ પ્રકારની ભૂમિકા ભજવવી બિલકુલ સરળ નથી, કારણ કે પડદા પર એક દેવીનું પાત્ર જીવંત કરવાનું છે. મેં પોતે આ રોલ કરવાનું નક્કી નથી કર્યું, પરંતુ આ પાત્ર મારી પાસે આપોઆપ આવ્યું છે. આ શૂટિંગ દરમિયાન હું શાંતિથી બેસતી, ધ્યાન (મેડિટેશન) ધરતી અને મનોમન પ્રાર્થના કરતી કે- સીતા માતા, તમે જ મારા દ્વારા અભિનય કરો. મારા દ્વારા જે પણ કળા બહાર આવશે, તે એ જ હશે જે તમે આ ફિલ્મ માટે ઈચ્છો છો.”
વિચારોમાં સંપૂર્ણ શુદ્ધતા રાખવાનો પ્રયાસ
એક્ટ્રેસે વધુમાં ઉમેર્યું કે, “મેં મારી જાતને જેટલી બને તેટલી પવિત્ર રાખવાનો પ્રયત્ન કર્યો છે. ઓછામાં ઓછું મારા વિચારોના સ્તરે તો મેં તેને બિલકુલ પક્ષપાત વિનાનું અને નિષ્પક્ષ રાખવા પ્રયાસ કર્યો છે. હું આ ફિલ્મમાં મારું સર્વશ્રેષ્ઠ વર્ઝન દર્શકો સમક્ષ લાવી રહી છું અને આખી ટીમ તેને બેસ્ટ બનાવવા માટે પોતાનું લોહી-પરસેવો એક કરી રહી છે.”
બે ભાગમાં રિલીઝ થશે ફિલ્મ, સ્ટાર કાસ્ટ જાહેર
નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ભવ્ય ફિલ્મ 2 ભાગમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલર લોન્ચ સાથે જ ફિલ્મની સત્તાવાર સ્ટાર કાસ્ટ પરથી પણ પડદો ઊંચકાયો છે:
ભગવાન રામ: રણબીર કપૂર
માતા સીતા: સાઇ પલ્લવી
લક્ષ્મણ: રવિ દુબે
રાવણ: સુપરસ્ટાર યશ (KGF ફેમ)
અન્ય કલાકારો: સની દેઓલ, કાજલ અગ્રવાલ, વિવેક ઓબેરોય પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.
ક્યારે રિલીઝ થશે ‘રામાયણ’?
આ મેગા બજેટ પૌરાણિક ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026માં થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે, જ્યારે આ વાર્તાનો બીજો અને અંતિમ ભાગ તેના પછીના વર્ષે એટલે કે દિવાળી 2027માં રિલીઝ કરવામાં આવશે. ટ્રેલર લોન્ચ બાદ સોશિયલ મીડિયા પર રણબીર અને સાઇ પલ્લવીની જોડીને જોવા માટે ફેન્સ ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.









