‘મહાભારત’ ફેમ એક્ટ્રેસ આશા સિંહનું નિધન, પુત્રએ કહ્યું- તેઓ દેશના પ્રથમ ફીમેલ મિમિક્રી આર્ટિસ્ટ હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahabharat Actress Asha Singh Passes Away: ‘મહાભારત’ ફેમ એક્ટ્રેસ, સોશિયલ વર્કર અને મિમિક્રી આર્ટિસ્ટ આશા સિંહ જયસ્વાલનું નિધન થયું છે. તેમના પુત્ર આકાશ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચાર ફેન્સ સાથે શેર કર્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, 22 ઓગસ્ટ એટલે કે શનિવારની સાંજે લગભગ 7:30 વાગ્યે તેમના માતાએ અંતિમ શ્વાસ લીધા. આકાશે માતાને ‘કર્મનિષ્ઠ લોખંડી મહિલા’ ગણાવ્યા અને લોકો પાસે તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી. આશા સિંહના રવિવારે(23 ઓગસ્ટ) સવારે મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
‘મહાભારત’ ફેમ એક્ટ્રેસ આશા સિંહનું નિધન
પોતાના માતાના નિધનની જાણકારી આપતા આકાશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “મારા માતા એક કર્મનિષ્ઠ લોખંડી મહિલા હતા. આપ સૌ તેમની આત્માની સદ્ગતિ અને શાંતિ માટે પ્રાર્થના કરો. અને તેમના કામને સોશિયલ મીડિયા પર જરૂર જુઓ અને યાદ રાખો, જેથી તેમની આત્મા જ્યાં પણ હોય પ્રસન્ન રહે કે, તમે તેમનું કામ હજુ પણ જોઈ રહ્યા છો અને યાદ કરી રહ્યા છો.”
આકાશ આગળ લખે છે કે, “તેમના જીવનમાં તેમનું કર્મ જ બધું હતું. મૃત્યુ પછી બ્રહ્માંડમાં મોક્ષ પ્રદાન કરે અને આ જ આશા સાથે હું આ મેસેજ પ્રસારિત કરી રહ્યો છું. મૃત્યુનો શોક નહીં, આનંદ. બ્રહ્માંડ જ તેમનો મેસેજ છે.”
દેશના પ્રથમ ફીમેલ મિમિક્રી આર્ટિસ્ટ: આકાશ
પુત્ર આકાશે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેમના માતા કેરેક્ટર એક્ટ્રેસ, સમાજ સેવિકાની સાથે-સાથે ભારતના પ્રથમ ફીમેલ મિમિક્રી આર્ટિસ્ટ પણ હતા. તેઓ મીના કુમારીનો અવાજ રીક્રિએટ કરવા માટે જાણીતા હતા.
મહાભારતમાં ભજવ્યું હતું આ પાત્ર
આશા સિંહે વર્ષ 1988ના પ્રખ્યાત પૌરાણિક ધારાવાહિક ‘મહાભારત’માં કામ કર્યું હતું. તેમણે તેમાં કૃપાચાર્યના બહેન, દ્રોણાચાર્યના પત્ની અને અશ્વત્થામાના માતા કૃપીનું પાત્ર ભજવ્યું હતું. આ ધારાવાહિકનું નિર્માણ બી. આર. ચોપરાએ કર્યું હતું. તેમાં ટીવી અને ફિલ્મ જગતના અસંખ્ય દિગ્ગજ કલાકારોએ કામ કર્યું હતું.









