Biggest Box Office hit of 2025: વર્ષ 2025 ભારતીય સિનેમા માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. આ વર્ષે હિન્દી સિનેમામાં 'સૈયારા', 'છાવા' અને 'ધુરંધર' જેવી ફિલ્મોએ બોક્સ ઑફિસ પર કરોડોની કમાણી કરી, તો દક્ષિણ ભારતની 'કાંતારા ચેપ્ટર 1' એ પણ ધૂમ મચાવી. પરંતુ આ બધાની વચ્ચે એક ગુજરાતી ફિલ્મે એવો ઇતિહાસ રચ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
50 લાખનું બજેટ અને રૅકોર્ડબ્રેક કમાણી
અંકિત સખીયા દ્વારા નિર્દેશિત ગુજરાતી ભક્તિ ડ્રામા 'લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે' વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ છે. નવાઈની વાત એ છે કે આ ફિલ્મ માત્ર ₹50 લાખના બજેટમાં બની હતી. જેમાં કોઈ મોટા સુપરસ્ટાર્સ નહોતા, ન તો કોઈ આઇટમ સોંગ્સ કે ન તો મોંઘા એક્શન સીન્સ. છતાં પણ આ ફિલ્મે બોક્સ ઑફિસ પર ₹120 કરોડની જંગી કમાણી કરીને ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મનો રૅકોર્ડ બનાવ્યો છે.
હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મો પણ પાછળ છૂટી
વર્ષ 2025માં 'લાલો- શ્રી કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મની સફળતા એટલી પ્રચંડ રહી છે કે તેણે ભારતીય સિનેમામાં નફાના તમામ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ₹50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે તેના ખર્ચ કરતાં અકલ્પનીય 24,000% પ્રોફિટ મેળવીને નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ આંકડાની સરખામણી કરીએ તો, વર્ષની અન્ય સુપરહિટ ફિલ્મ 'સૈયારા'એ 1350% નફો કર્યો હતો, જ્યારે 'ધુરંધર' જેવી મોટા બજેટની ફિલ્મે જો 'લાલો' જેટલો પ્રોફિટ રેશિયો હાંસલ કરવો હોય, તો તેણે ₹30,000 કરોડની કમાણી કરવી પડે, જે હોલિવૂડની 'અવતાર' કે 'એવેન્જર્સ' જેવી ફિલ્મોના વર્લ્ડવાઇડ કલેક્શન કરતાં પણ વધુ છે. અગાઉ આ રૅકોર્ડ 'સિક્રેટ સુપરસ્ટાર' (6000% પ્રોફિટ) અને 1975માં આવેલી ક્લાસિક ફિલ્મ 'જય સંતોષી મા'ના (2000%) નામે હતો, પરંતુ હવે 'લાલો' ભારતીય ફિલ્મ ઇતિહાસની સૌથી વધુ નફો કરનાર ફિલ્મ બની ગઈ છે.
શું છે ફિલ્મની વાર્તા?
આ ફિલ્મ એક રિક્ષા ડ્રાઇવરની વાર્તા છે, જે એક ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે. ત્યાં તે પોતાના ભૂતકાળના ડરનો સામનો કરે છે અને તેને ભગવાન કૃષ્ણના દિવ્ય દર્શન થાય છે. ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી અને મિષ્ટી કડેચાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ જેવા દિગ્ગજોએ આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કર્યો છે.


