Get The App

અભિનેત્રીના યૌન શોષણ કેસમાં સાઉથનો સ્ટાર દિલીપ નિર્દોષ જાહેર, 6 દોષિતને 12 ડિસેમ્બરે સજા સંભળાવાશે

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
Dileep Case Verdict
(IMAGE - IANS)

Dileep Case Verdict: 2017ના દુષ્કર્મ કેસ મામલે કેરળની કોર્ટે મલાયલમ એક્ટર દિલીપને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસની ચાર્જશીટમાં કુલ 10 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે આજે સુનાવણી દરમિયાન એક્ટર દિલીપ સહિત 4 આરોપીને નિર્દોષ જ્યારે 6ને દોષિત જાહેર કર્યા છે. આ 6 આરોપીઓને આગામી 12મી ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે. 

શું હતી સમગ્ર ઘટના? 

નોંધનીય છે કે વર્ષ 2017માં ફેબ્રુઆરી મહિનામાં દુષ્કર્મ કેસની ઘટનાના કારણે મલાયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. જ્યાં એક ગેંગ દ્વારા જાણીતી અભિનેત્રીને કિડનેપ કરી યૌન શોષણ કરાયું હતું. જે બાદ મલયાલમ સિનેમાના મોટા સ્ટાર્સમાંથી એક ગણાતા દિલીપની ધરપકડ કરવામાં આવી અને આરોપ લગાવાયો કે આ સમગ્ર ઘટના પાછળ તેણે જ કાવતરું ઘડ્યું હતું.

પોલીસે એપ્રિલ 2017માં પ્રથમ આરોપનામું દાખલ કર્યું હતું અને દિલીપની ધરપકડ તે જ વર્ષે જુલાઈમાં કરવામાં આવી હતી, જ્યારે તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે મુખ્ય આરોપી પલ્સર સુનીએ જેલમાંથી તેને એક પત્ર મોકલ્યો હતો. દિલીપને ઑક્ટોબર 2017માં જામીન મળ્યા હતા.

કેસની મુખ્ય વિગતો અને ચુકાદો

2018માં, દિલીપે કેરળ પોલીસ પર પક્ષપાતનો આરોપ લગાવીને CBI તપાસની માંગ કરી હતી, પરંતુ અદાલતે તે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ 2021માં, ફિલ્મ નિર્માતા બાલચંદ્ર કુમારે દિલીપ પર હુમલાના પુરાવા(વિઝ્યુઅલ્સ) રાખવાનો આરોપ મૂકતા, કેસમાં વધુ તપાસના આદેશ અપાયા હતા.

કેસમાં કુલ 261 સાક્ષીઓની પૂછપરછ થઈ હતી અને કોર્ટે 834 દસ્તાવેજો સ્વીકાર્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ રીતે, પૂર્વ ધારાસભ્ય પીટી થોમસ અને નિર્દેશક બાલચંદ્ર કુમાર સહિત બે મુખ્ય સાક્ષીઓનું અવસાન થયું હતું. આજના ચુકાદાથી દિલીપને મોટી રાહત મળી છે. 

આ પણ વાંચો: Dhurandhar: 2400 કિમી દૂરથી આવ્યું છે એ ગીત, જેના કારણે ફિલ્મમાં અક્ષય ખન્ના સામે રણવીર સિંહ પણ ઝાંખો પડ્યો

8 વર્ષથી ચાલતા કેસનો આવ્યો અંત

2017ના દુષ્કર્મ કેસ મામલે એર્નાકુલમની પ્રધાન જિલ્લા અને સત્ર અદાલતે આજે અભિનેતા દિલીપને નિર્દોષ જાહેર કર્યો છે. જસ્ટિસ શ્રીમતી હની એમ. વર્ગીસેઆ ચુકાદો આપીને ૮ વર્ષ જૂના આ હાઈ-પ્રોફાઇલ કેસનો અંત લાવ્યો છે. 

અદાલતે અન્ય છ આરોપીઓ-પલ્સર સુની(A1), માર્ટિન એન્ટોની(A2), બી મણિકંદન(A3), વીપી વિજેશ(A4), એચ સલીમ(A5) અને સી પ્રદીપ(A6)ને દુષ્કર્મ, અપહરણ અને ષડયંત્ર સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. જોકે અભિનેતા દિલીપ(A8) પર મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ હતો. અન્ય આરોપીઓની સજા પર હવે 12 ડિસેમ્બરના રોજ ચુકાદો જાહેર કરવામાં આવશે.

અભિનેત્રીના યૌન શોષણ કેસમાં સાઉથનો સ્ટાર દિલીપ નિર્દોષ જાહેર, 6 દોષિતને 12 ડિસેમ્બરે સજા સંભળાવાશે 2 - image