Get The App

દુબઈમાં એક કોમેડી રીલ ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયનને ભારે પડી, 47 દિવસ જેલમાં રહેવું પડ્યું

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
દુબઈમાં એક કોમેડી રીલ ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયનને ભારે પડી, 47 દિવસ જેલમાં રહેવું પડ્યું 1 - image

Comedian Arrested in Dubai: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે બનાવેલી એક કોમેડી રીલ ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન યશ ભારદ્વાજને આખી જિંદગી યાદ રહે તેવો સબક આપી ગઈ છે. યશ ભારદ્વાજે ખુલાસો કર્યો છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી માત્ર એક વીડિયો રીલના કારણે તેને દુબઈમાં 47 દિવસ સુધી ડિટેન્શન સેન્ટરમાં જેલ જેવી સજા ભોગવવી પડી હતી. આખરે મામલો થાળે પડતાં તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો છે.

શો શરૂ થાય તે પહેલાં જ આવી દુબઈ પોલીસ

યશ ભારદ્વાજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આપવીતી શેર કરતાં જણાવ્યું કે, 19 Marchના રોજ તે દુબઈમાં એક કોમેડી શો માટે હાજર હતો. શો શરૂ થાય તે પહેલાં જ અચાનક તેના પર દુબઈ પોલીસનો ફોન આવ્યો અને તેને તાત્કાલિક પોલીસ મુખ્યાલયમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો. શરૂઆતમાં યશને લાગ્યું કે આ કોઈ સામાન્ય પૂછપરછ હશે, પરંતુ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ મામલો તેની ધારણા કરતાં ઘણો વધુ ગંભીર અને ભયાનક નીકળ્યો હતો.

Google Maps અને મિડલ ઈસ્ટ વોર પર મજાક નડી

યશ ભારદ્વાજના જણાવ્યા મુજબ, તેની મુશ્કેલીનું મુખ્ય કારણ એક કોમેડી રીલ હતી, જે તેણે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ વીડિયોમાં તેણે દુબઈમાં 'Google Maps' યોગ્ય રીતે કામ ન કરતું હોવા અંગે અને મધ્ય પૂર્વમાં વધેલા યુદ્ધના તણાવને લઈને એક હળવી મજાક કરી હતી.

તે સમયે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સમગ્ર અખાતી વિસ્તારનું વાતાવરણ અત્યંત સંવેદનશીલ હતું. યશનું કહેવું છે કે તેણે આ વીડિયો માત્ર મનોરંજનના હેતુથી બનાવ્યો હતો, પરંતુ દુબઈના સુરક્ષા અધિકારીઓએ તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક સંભવિત ખતરા તરીકે જોયો અને તેની તાત્કાલિક અટકાયત કરી લીધી.

47 દિવસ અંધારામાં રહ્યા બાદ 5 Mayના રોજ ભારત મોકલાયો

યશે જણાવ્યું કે આ ઘટના બાદ તેને 47 દિવસ સુધી ડિટેન્શન સેન્ટરમાં બંધ રાખવામાં આવ્યો હતો. આ સમય તેના અને તેના પરિવાર માટે માનસિક, શારીરિક અને આર્થિક રીતે અત્યંત કઠિન રહ્યો હતો. આખરે કાનૂની પ્રક્રિયા બાદ 5 Mayના રોજ તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો હતો. હાલમાં યશ મુંબઈમાં રહીને સામાન્ય જીવનમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ફરી સ્ટેજ પર પરત ફરીને આ આઘાતમાંથી બહાર આવી રહ્યો છે.

યશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે "તે એક તદ્દન નિર્દોષ મજાક હતી, પરંતુ અધિકારીઓને તે જરાય રમૂજી ન લાગી. મને રાષ્ટ્રીય સુરક્ષા માટે સંભવિત ખતરો માનીને 47 દિવસ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો. આખરે 5 Mayના રોજ મને ભારત ડિપોર્ટ કરાયો."

આ પણ વાંચો: VIDEO: રામ ચરણને મળવાની ઘેલછામાં ફેને ભાન ભૂલ્યું: જાહ્નવી કપૂરને સ્ટેજ પર મારી ટક્કર, બોડીગાર્ડ્સે માંડ માંડ બચાવી

UAEના કડક સાયબર ક્રાઇમ કાયદા

દુબઈમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કડક કાર્યવાહીનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. એક અહેવાલ મુજબ, ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ દરમિયાન ઈરાનના મિસાઈલ હુમલાના ફૂટેજ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ એક બ્રિટિશ પ્રવાસી સહિત લગભગ 20 લોકો સામે UAEના કડક સાયબર ક્રાઇમ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. UAE પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે દેશની જાહેર સુરક્ષા અને શાંતિને અસર કરે તેવી કોઈપણ સામગ્રી સોશિયલ મીડિયા પર શેર કરવી, પ્રકાશિત કરવી કે તેના પર ટિપ્પણી કરવી એ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે.