'નવી ખુરશી આવી જશે, દેશ બીજો ક્યાંથી લાવશો..', ફિલ્મ ‘ગવર્નર’નું ટ્રેલર રિલીઝ, મનોજ બાજપેયીનો દમદાર રોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Governor Film Trailer: મનોજ બાજપેયી અને અદા શર્માની ફિલ્મ ‘ગવર્નર’નું ટ્રેલર મેકર્સે રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયીનું પાત્ર એસ. વેંકટરામનનથી પ્રેરિત છે, જેઓ 1990-92 વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રહ્યા હતા. ભારત જ્યારે આર્થિક રીતે મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું, ત્યારે કેવી રીતે એસ. વેંકટરામનને દેશને નાદાર થવાથી બચાવ્યો હતો, ફિલ્મમાં તેની જ વાર્તા બતાવવામાં આવશે. 2 મિનિટ 54 સેકન્ડના ટ્રેલરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ આર્થિક સાથે સાથે તે સમયની રાજકીય પરિસ્થિતિઓ પર પણ ફોકસ કરશે. આ ફિલ્મનું નિર્દેશન ચિન્મય ડી માંડલેકરે કર્યું છે.
શું છે ફિલ્મની કહાની?
‘ધ કેરળ સ્ટોરી’ અને ‘ધ કેરળ સ્ટોરી 2’ ને પ્રોડ્યુસ કરનારા વિપુલ અમૃતલાલ શાહે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે. વળી અદા શર્મા એક પત્રકારની ભૂમિકામાં નજરે પડી રહી છે. તેમના સિવાય આ ફિલ્મમાં નૌશાદ મોહમ્મદ કુંજૂ પણ મહત્વનો રોલ ભજવતા જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં એક છોકરી મનોજ બાજપેયીને જણાવે છે કે જો આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ એક બિલિયન ડોલરથી ઉપર છે, તો આપણે આ રેડ લાઇનની ઉપર છીએ અને 1 બિલિયનથી નીચે મતલબ…પછી મનોજ બાજપેયી કહે છે, 'ભારત બેન્કરપ્ટ થઈ જશે.' અહીંથી જ શરૂ થાય છે દેશને મુશ્કેલીમાંથી બહાર કાઢવાની મથામણ. ફિલ્મમાં મનોજ બાજપેયીના પાત્રને ઘણું મજબૂત બતાવવામાં આવ્યું છે. તેઓ દેશ બચાવવા માટે કોઈ પણ હદ સુધી જતા નજરે પડે છે.
'...દેશ બીજો ક્યાંથી લાવશો સર'!
સાથે જ ટ્રેલરમાં મનોજ બાજપેયી રાજનેતાઓ સાથે પણ સ્પષ્ટ શબ્દોમાં વાત કરતા જોવા મળી રહ્યા છે. એક જગ્યાએ જ્યારે કોઈ નેતા તેમને કહે છે કે આ મુદ્દા પર તો અમારી સરકાર ચાલી જશે તો તેઓ જવાબમાં કહે છે, 'ખુરશી પર ઊધઈ લાગી જશે, તો નવી ખુરશી આવી જશે. દેશ બીજો ક્યાંથી લાવશો સર.' ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે ભારતને બેન્કરપ્ટ(નાદાર) થવાથી બચાવવા માટે RBI ગવર્નર દેશનું 60 ટન સોનું સિક્રેટ મિશન દ્વારા બહાર મુકાવવાની કોશિશ કરે છે.
આ પણ વાંચો: રણવીર સિંહે કેમ છોડી ફિલ્મ 'ડૉન 3'? : ફરહાન અખ્તર સાથે ક્યાં ફસાયો છે પેચ?
તો બીજી તરફ પત્રકાર બનેલી અદા શર્મા ગવર્નરને સવાલ કરતી નજરે પડી રહી છે. તે કહે છે, 'RBIનું સોનું, દેશનું સોનું, દેશ વેચવા નીકળ્યા છો તમે લોકો.' આના પર મનોજ બાજપેયી કહે છે, 'વેચવા અને બચાવવામાં એક માત્રાનો જ તફાવત છે.' મનોજ બાજપેયી લાંબા સમયથી કોઈ દમદાર ફિલ્મમાં નજરે નથી આવ્યા. છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું ફોકસ વેબ સિરીઝ પર જ છે. હવે આ ફિલ્મથી ઘણી આશાઓ છે. ફિલ્મ 12 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.









