'દયા દાખવ્યા વગર સીધા સુપ્રીમ કોર્ટમાં જાઓ', ફિલ્મ 'સતલુજ'ને OTT પરથી દૂર કરવાના સપોર્ટમાં આવ્યા અન્નું કપૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Annu Kapoor On Satluj Movie : દિલજીત દોસાંજની ફિલ્મ 'સતલુજ' છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચાનો વિષય છે. જ્યાં એક તરફ સોશિયલ મીડિયા પર લોકોએ આ ફિલ્મનો ખુલ્લીને સપોર્ટ કર્યો, અને તેને OTT પરથી હટાવવાના નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કર્યો, ત્યાં હવે જાણીતા એક્ટર અન્નુ કપૂરે આ મામલામાં પરોક્ષ રીતે સરકારનો સપોર્ટ કર્યો છે. અન્નુ કપૂરે કહ્યું કે, આ મામલામાં ફિલ્મમેકર્સે પબ્લિકની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરવાને બદલે સરકારના નિર્ણયને સીધેસીધો કોર્ટમાં પડકારવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા ફિલ્મનું ટાઇટલ ઘણી વખત બદલવામાં આવ્યું, અને પછી સેન્સર બોર્ડના કહેવા પર તેમાં ઘણા કટ મૂકવામાં આવ્યા હતા. ફાઇનલી જ્યારે આ મૂવી થિયેટર્સને બદલે ઓટીટી પર રિલીઝ થઈ, તો તેના માત્ર 2 જ દિવસ બાદ ZEE5 પરથી તેને હટાવી દેવામાં આવી.
પબ્લિક વચ્ચે રોવાથી શું થશે?
હવે લિજેન્ડરી એક્ટર અન્નુ કપૂરે આ સમગ્ર મામલા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ફિલ્મમેકર્સે આ બાબતે કાનૂની વલણ અપનાવવું જોઈએ. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં 70 વર્ષીય અન્નુ કપૂરે કહ્યું, 'તમે તમારો પક્ષ રાખ્યો, પરંતુ નિયમો અને કાયદાઓ તો હોય જ છે. જો સેન્સર બોર્ડે પરવાનગી નહોતી આપી, તો તમે તેને અપલોડ કરી જ કેમ?' એક્ટરે વધુમાં ઉમેર્યું કે, તેઓ સારી રીતે જાણે છે કે, કોઈ પ્રોજેક્ટનો ટોપિક વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ જો તેમને લાગે છે કે, તેમની સાથે અન્યાય થયો છે, તો જનતાની સહાનુભૂતિ લૂંટવાને બદલે તેમણે કોર્ટનો આશરો લેવો જોઈએ.'
નિર્માતાઓએ સીધા સુપ્રીમ કોર્ટ જવું જોઈએ
'વિકી ડોનર', 'ડ્રીમ ગર્લ', 'હમારે બારહ' અને 'તેજાબ' જેવી ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલા અન્નુ કપૂરે કહ્યું કે, 'આ બાબતે માત્ર ફરિયાદ કરવા કે રડવાને બદલે તમારે સુપ્રીમ કોર્ટ જવું જોઈએ. આ પ્રકારની સિચ્યુએશન માટે એક યોગ્ય કાનૂની રસ્તો ઉપલબ્ધ છે, તેથી આ મુદ્દા પર પબ્લિકલી રડવાની કોઈ જરૂર નથી.' જ્યારે અન્નુ કપૂરને પૂછવામાં આવ્યું કે શું એક્ટર્સે રાજનીતિથી દૂર રહેવું જોઈએ? તો આ સવાલ પર તેમણે કહ્યું કે, 'આપણે બધા આપણી રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓનું પરિણામ છીએ. આપણે બધાને પોતાનો મત રાખવાનો પૂરો અધિકાર છે, પરંતુ કેટલાક લોકો જાણીજોઈને વિવાદ ઊભો કરવા માંગે છે.'
બદલાયું નામ, મૂકાયા કટ અને કેન્સલ થઈ સ્ક્રીનિંગ
તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'સતલુજ' પહેલા સિનેમાઘરોમાં 'પંજાબ 95' નામથી રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મના કન્ટેન્ટને લઈને સેન્સર બોર્ડ સંતુષ્ટ નહોતું. CBFCએ મેકર્સને ફિલ્મમાં કુલ 127 કટ લગાવવા માટે કહ્યું હતું, જેના પછી ભારતીય સત્તાધિકારીઓની કથિત આપત્તિઓના કારણે 2023ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની સ્ક્રીનિંગ પણ કેન્સલ કરી દેવામાં આવી હતી.









