અમદાવાદ: રામોલ ખાતે ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનામાં 3 બાળકો સહિત 9ના મોત, ફેક્ટરી માલિક સહિત ત્રણ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા મહેમૂદપુરા ખાતે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટ અને શેડમાં શનિવારે(18 જુલાઈ) બપોરે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 15 જેટલાં લોકો ઝપટમાં આવ્યા હતા. ઘટનામાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. બાકીના 9ની મણિનગર ખાતેની એલજી અને અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે અને સ્થળ પર કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ
ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના રામોલ-ગાત્રાડ રોડ પર મહેમૂદપુરા વિસ્તારમાં, ટેલેન્ટ સ્કૂલ સામે બની છે. આ ઘટનામાં કુલ 15 લોકોને અસર થઈ છે. તે પૈકીના 9 લોકોના મોત થયા છે. એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ લીના ડાભીના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં કુલ 9 દર્દીઓ આવ્યા હતા. તેમાંથી 4 લોકો મૃત આવ્યા હતા. જ્યારે 4 લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે એક મહિલાની સારવાર ચાલી રહી છે. એલજી હોસ્પિટલમાં મૃત્યુ પામેલામાં 3 બાળકો, 3 મહિલા અને 2 પુરુષનું સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલમાં 6 દર્દીઓ આવ્યા હતા. જેમાંથી 1 મહિલાનું મોત થયું છે અને 4 પુરુષ અને 1 મહિલા દર્દીની સારવાર ચાલી રહી છે. 5 પૈકી 2ની સ્થિતિ ગંભીર, 1 મોડરેટ છે અને 2 સ્ટેબલ છે.

મળતી માહિતી મુજબ, ફાયર વિભાગને 3:30 વાગે અંગારકોલ મળ્યો હતો. આ ઘટનામાં રેપિડ એક્શન ફોર્સ નજીકના સ્થળ પર હોવાથી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં જે લોકો ઘાયલ થયા હતા અને ફસાયા હતા તેને બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં બચાવ અને આગ બુઝાવવાની કામગીરી માટે ફાયર વિભાગ દ્વારા 1 મીની ફાઇટર, 2 વોટર બાઉઝર (20 KL ક્ષમતાવાળા), 2 બોલેરો રેપિડ ઇન્ટરવેન્શન વ્હીકલ (RIV) તેમજ 1 એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા અને આસપાસના વિસ્તારમાં વધુ નુકસાન ન થાય તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે 1 ચીફ ફાયર ઓફિસર, 2 એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 1 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 1 ડિવિઝનલ ફાયર ઓફિસર, 1 સ્ટેશન ફાયર ઓફિસર તથા 1 સબ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહી બચાવ અને આગ નિયંત્રણની કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.
મળતી માહિતી મુજબ, ફેક્ટરીના માલિક મેહુલ ડોડીયા છે. તેના દ્વારા આ ફેક્ટરી માટે પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી હતી. પરંતુ પોલીસે મંજૂરી ન આપતા તેણે ગેરકાયદે જ ચાલુ કરી દીધી હતી. હાલ ક્રાઈમ બ્રાંચના જેસીપી, ડીસીપી અને એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનસ્થળ પર પહોંચ્યો છે. મેહુલ ડોડીયા હાલમાં ફરાર છે અને પોલીસ શોધખોળ કરી રહી છે.
ફેક્ટરી માલિક સહિત ત્રણની અટકાયત
ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના બનાવ મામલે રામોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મેહુલ ડોડીયા સહિત 3 શખસોની અટકાયત કરી છે. સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે-
"કેનાલની સાઇડમાં ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હતી. દુર્ઘટનાને પગલે અત્યારે જુદા-જુદા વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને સિવિલ અને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ફેક્ટરીના માલિક પાસે ફેક્ટરી ચલાવવા માટેની મંજૂરી હતી કે તેની તપાસ કરવામાં આવી રહી છે. અન્ય જગ્યાએ પણ આ પ્રકારની ફેક્ટરી ચાલી રહી હોય તો તેની તપાસ કરવામાં આવી રહી છે."
RAF ઓફિસર રતુલ કુમારે જણાવ્યું હતું કે-
"બપોરના સમયે અમે કેમ્પમાં હતા ત્યારે એક ખૂબ જ મોટો ધડાકાનો અવાજ સંભળાયો. અમારો કેમ્પ આ ઘટનાસ્થળથી આશરે 1 કિલોમીટર દૂર હતો. જેવો ધડાકાનો અવાજ સંભળાયો, એટલે તરત જ અમારી 'ક્વિક રિએક્શન ટીમ'એ પ્રયાસ કર્યો કે આ ધડાકો ક્યાં થયો છે. અમને માહિતી મળી કે કેમ્પથી દૂર એક ફટાકડાની ફેક્ટરીમાંથી આ અવાજ આવ્યો હતો. અમારી ક્વિક રિએક્શન ટીમ અને એમ્બ્યુલન્સ બચાવ કામગીરી માટે 5 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ 'એલર્ટ કંપની' પણ ઘટનાસ્થળએ પહોંચી ગઈ. તે જ સમયે અમે પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર સર્વિસને પણ જાણ કરી દીધી હતી. ઘટનાસ્થળે અમને કેટલાક મૃતદેહો અને કેટલાક ઈજાગ્રસ્તો જોવા મળ્યા. જેમને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા."
પોલીસ અધિકારીએ શું કહ્યું?
સમગ્ર ઘટના અંગે સેક્ટર 2 JCPએ જણાવ્યું કે-
"રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં RAFના કેમ્પની પાછળના વિસ્તારમાં રામોલ વસ્ત્રાલ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં મેહુલ ડોડિયા નામનો એક વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી રદ થયેલું હોવા છતાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. આ દુર્ઘટનામાં બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટિએ સ્થળ ઉપરથી આઠ જેટલાં લોકોની કેઝ્યુઅલ્ટી થઈ હોવાનું ધ્યાને આવ્યું છે. બાકી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં RAFની ટીમ, સ્થાનિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તાત્કાલિક દોડી પહોંચી હતી. FSL અને તમામ એજન્સીઓને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી છે."
ઘટના અંગે વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું, મૃતકના પરિવારને રૂ.2 લાખની સહાયની જાહેરાત
ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે PMNRF (પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ) માંથી પ્રત્યેક મૃતકના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખના સહાયની કરી જાહેરાત










