Entertainment

‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું બ્લડ કેન્સરથી નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
બોલીવુડના જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. 'ગજની' અને 'લગાન' જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવનાર પ્રદીપ રાવત છેલ્લા 5 વર્ષથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. મંગળવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોક વ્યાપી ગયો છે. બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સોનુ સૂદ સહિત અનેક કલાકારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું બ્લડ કેન્સરથી નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

Pradeep Rawat Passes Away : બોલીવુડમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મો 'ગજની' અને 'લગાન'માં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવનાર જાણીતા એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોક છવાયો છે. પ્રદીપ રાવતના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને અનેક બોલીવુડ હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.

છેલ્લા 5 વર્ષથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા

પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, એક્ટર છેલ્લા 5 વર્ષથી બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ કેટલાક મહિનાઓ પહેલા કેન્સરે ફરીથી ઉથલો માર્યો હતો. છેલ્લા 2 મહિનાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને વિતેલા દિવસોમાં તેમની તબિયત વધુ લથડી હતી. આખરે મંગળવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારના જણાવ્યા અનુસાર બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સોનુ સૂદ સહિત અન્ય કલાકારોએ વ્યક્ત કર્યો શોક

અભિનેતા સોનુ સૂદે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રદીપ રાવતની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરતા લખ્યું કે, પ્રદીપ રાવત ભાઈ, તમારી ખોટ હંમેશા સાલશે. આ સિવાય ટીવી એક્ટર આયુષપાલ શર્માએ પણ ઇન્સ્ટાગ્રામ પર તેમને યાદ કરતા 'ગજની'ના વિલન અને 'લગાન'ના દેવા તરીકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નકારાત્મક પાત્રોથી બનાવી હતી ખાસ ઓળખ

પ્રદીપ રાવત માત્ર હિન્દી જ નહીં પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ તેમના દમદાર અભિનય માટે જાણીતા હતા. તેમણે પોતાના કરિયરમાં અનેક યાદગાર નકારાત્મક (વિલન) પાત્રો ભજવીને મોટા પડદા પર એક અલગ ઓળખ ઊભી કરી હતી. આમિર ખાનની ફિલ્મ 'ગજની'માં તેમનો મુખ્ય વિલનનો રોલ અને 'લગાન'માં 'દેવા'નું પાત્ર આજે પણ દર્શકોના મનમાં તાજુ છે.

સોશિયલ મીડિયા પર ચાહકો પણ થયા ભાવુક

પ્રદીપ રાવતના નિધનના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો સતત તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અનેક લોકો તેમની ફિલ્મોના યાદગાર સીન અને ડાયલોગ શેર કરીને તેમને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી રહ્યા છે. તેમના જવાથી સિનેમા જગતે એક એવો કલાકાર ગુમાવ્યો છે જેમના દમદાર અભિનયને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.