જૅકલીન ફર્નાન્ડીઝ પીડિતા નથી, ગુનામાં ભાગીદાર છે: કોર્ટમાં EDના ધડાકાથી અભિનેત્રીની મુશ્કેલીમાં વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ED Opposes Jacqueline Fernandez Plea | 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે EDએ દિલ્હીની કોર્ટમાં જૅકલીનની એ અરજીનો સખત વિરોધ કર્યો હતો, જેમાં તેણે 'સરકારી ગવાહ' બનવાની પરવાનગી માંગી હતી. EDએ કોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જૅકલીન કોઈ નિર્દોષ પીડિતા નથી, પરંતુ આ ગુનામાં સક્રિય ભાગીદાર છે.
સુકેશના ગુનાહિત ઈતિહાસથી વાકેફ હતી અભિનેત્રી: EDનો દાવો
સ્પેશિયલ જજ પ્રશાંત શર્મા સમક્ષ દાખલ કરેલા જવાબમાં EDએ જણાવ્યું કે, જૅકલીનને ઠગ સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત બેકગ્રાઉન્ડની સંપૂર્ણ જાણકારી હતી. આમ છતાં, તે સતત સુકેશના સંપર્કમાં રહી હતી અને ગુના દ્વારા કમાયેલા કરોડો રૂપિયાની ભેટો લેતી રહી હતી.
જૅકલીન તપાસ ભટકાવવા પ્રયાસ કરી રહી છે: ED
EDએ કોર્ટને વધુમાં જણાવ્યું કે તપાસ દરમિયાન જૅકલીનનું વલણ જરાય સહકારભર્યું રહ્યું નથી. તેણે તેના ભાઈ-બહેનોને વિદેશમાં મોકલેલા ફંડ અને બહેરીનમાં માતા-પિતા માટે ખરીદેલી લક્ઝરી કાર જેવી મહત્વની વિગતો એજન્સીથી છુપાવી હતી. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે જૅકલીને આપેલા નિવેદનો પરસ્પર વિરોધાભાસી છે અને તે તપાસને ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
'સજાથી બચવાનો આ માત્ર એક પેંતરો છે'
એજન્સીએ ભારપૂર્વક કહ્યું કે, પોતાને પીડિતા ગણાવવી એ માત્ર કાયદાકીય સજાથી બચવાનો એક પેંતરો છે. જૅકલીને સુકેશ દ્વારા છેતરપિંડીથી કમાયેલા પૈસાનો ભરપૂર આનંદ માણ્યો છે, તેથી તેને સરકારી ગવાહ બનાવવી એ ન્યાય સાથે દગો કરવા સમાન ગણાશે.
હવે આ મામલે આગામી સુનાવણી 12 મે ના રોજ હાથ ધરવામાં આવશે.









