કપૂર ખાનદાનના 8 સ્ટાર્સની મૃત્યુનું કારણ જાણો છો? એક તો 60 વર્ષથી પહેલાં જ દુનિયાથી વિદાય થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kapoor Family Death Reasons : કપૂર પરિવાર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય પરિવાર રહ્યો છે. આ પરિવારે ઇન્ડસ્ટ્રીને ઘણા મહાન કલાકારો અને ફિલ્મમેકર્સ આપ્યા છે. પૃથ્વીરાજ કપૂરથી શરૂ કરીને આજે રણબીર કપૂર સુધી, આ પરિવાર ફિલ્મો દ્વારા જ ઓળખાય છે. રાજ કપૂરે હિન્દી ફિલ્મોને જોવાનો નજરીયો બદલી નાખ્યો, ઋષિ કપૂરને એક શાનદાર અભિનેતા તરીકે પસંદ કરાયા અને હવે રણબીર કપૂર ઇન્ડસ્ટ્રીના ટોપ એક્ટર્સમાં સામેલ છે. પરંતુ કપૂર પરિવારના ઘણા દિગ્ગજ સભ્યો હવે આ દુનિયામાં નથી. તેમાંથી કેટલાક તો 70 વર્ષની ઉંમર પણ પાર કરી શક્યા નહોતા. કોઈને કેન્સરે લીધા, તો કોઈ લાંબી બીમારી બાદ વિદાય પામ્યા.
પૃથ્વીરાજ કપૂર અને રામસરની
રાજ કપૂરના પિતા અને દિગ્ગજ અભિનેતા પૃથ્વીરાજ કપૂરે 'મુગલ-એ-આઝમ' જેવી ફિલ્મમાં અકબરનું પાત્ર ભજવીને પોતાની એક્ટિંગની અમીટ છાપ છોડી હતી. 3 નવેમ્બર 1906ના રોજ જન્મેલા પૃથ્વીરાજ કપૂરનું નિધન 29 મે 1972ના રોજ થયું હતું. અવસાન સમયે તેમની ઉંમર માત્ર 65 વર્ષ હતી. રિપોર્ટ્સ અનુસાર પૃથ્વીરાજ કપૂરનું મોત કેન્સરના કારણે થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે, તેમની પત્ની અને રાજ કપૂરના માતા રામસરની મેહરા પણ કેન્સરથી પીડિત હતા, અને પૃથ્વીરાજ કપૂરના અવસાનના માત્ર 16 દિવસ બાદ એટલે કે 14 જૂન 1972ના રોજ તેઓ પણ દુનિયા છોડી ગયા.
ત્રિલોક કપૂર
પૃથ્વીરાજ કપૂરના નાના ભાઈ ત્રિલોક કપૂર પોતાના સમયના ખૂબ જ સફળ એક્ટર હતા, અને તેમના નામે ઘણી હિટ ફિલ્મોનો રેકોર્ડ છે. 1 ફેબ્રુઆરી 1912ના રોજ જન્મેલા ત્રિલોક કપૂરે 23 સપ્ટેમ્બર 1988ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તે સમયે તેમની ઉંમર 76 વર્ષની હતી, અને તેમના મોતનું કારણ હાર્ટ અટેક જણાવવામાં આવ્યું હતું.
રાજ કપૂર
14 ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા અને હિન્દી સિનેમાના 'શોમેન' તરીકે ઓળખાતા રાજ કપૂરે ફિલ્મોની પરિભાષા બદલી નાખી હતી. પરંતુ પોતાના અંતિમ દિવસોમાં તેઓ શ્વાસ લેવા માટે પણ તરસતા રહ્યા. 2 મે 1988ના રોજ દિલ્હીમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન તેમને અસ્થમાનો ગંભીર અટેક આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ખબર પડી કે, તેમનો ન્યુમોનિયા ઘણો વધી ગયો હતો. તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં 1 મહિના સુધી કોમામાં રહ્યા બાદ 2 જૂન 1988ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
શમ્મી કપૂર
પોતાની અનોખી અને એનર્જેટિક સ્ટાઈલ માટે જાણીતા એક્ટર શમ્મી કપૂરનો જન્મ 21 ઓક્ટોબર 1931ના રોજ થયો હતો. તેઓ છેલ્લી વાર રણબીર કપૂરની ફિલ્મ 'રોકસ્ટાર' માં એક નાના રોલમાં જોવા મળ્યા હતા. તેમને કિડનીની ગંભીર સમસ્યા હતી, અને 14 ઓગસ્ટ 2011ના રોજ તેમનું નિધન થયું હતું.
શશી કપૂર
18 માર્ચ 1938ના રોજ જન્મેલા કપૂર પરિવારના સૌથી સ્ટાઇલિશ એક્ટર શશી કપૂર પોતાની શાનદાર એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી માટે મશહૂર હતા. વર્ષ 2017માં છાતીમાં ઇન્ફેક્શન (Chest Infection)ના કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 4 ડિસેમ્બર 2017ના રોજ તેમનું અવસાન થયું હતું.
ઋતુ નંદા
રાજ કપૂરના મોટા દીકરી અને અમિતાભ બચ્ચનના વેવાણ ઋતુ નંદાનું જીવન પણ કેન્સરના કારણે ટૂંકાયું હતું. 30 ઓક્ટોબર 1948ના રોજ જન્મેલા ઋતુ નંદાએ કોરોનાકાળની શરૂઆતમાં એટલે કે 14 જાન્યુઆરી 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

ઋષિ કપૂર
રાજ કપૂરના પુત્રોમાં સૌથી સફળ એક્ટર ઋષિ કપૂરે બોલિવૂડમાં રોમેન્ટિક હીરો તરીકે ઘણું નામ કમાયું. 4 સપ્ટેમ્બર 1952ના રોજ જન્મેલા ઋષિ કપૂરને કેન્સર (લ્યુકેમિયા) થયું હતું. અમેરિકામાં લાંબી સારવાર બાદ તેઓ ભારત પરત ફર્યા હતા, પરંતુ 30 એપ્રિલ 2020ના રોજ કેન્સર સામેની જંગ હારી ગયા.
રાજીવ કપૂર
રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂર તો 60 વર્ષની ઉંમર પણ પૂરી જીવી શક્યા નહીં. ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' થી ફેમસ થયેલા રાજીવ કપૂરનો જન્મ 25 ઓગષ્ટ 1962ના રોજ થયો હતો, અને 9 ફેબ્રુઆરી 2021ના રોજ માત્ર 58 વર્ષની ઉંમરે હાર્ટ અટેક આવવાને કારણે તેમનું અવસાન થયું હતું.









